અમેરિકા અને ઈરાન વચ્ચે ફાઈનલ ડીલની તૈયારી? પાકિસ્તાનમાં ઉતર્યા ગ્લોબમાસ્ટર વિમાનો, ટ્રમ્પ આવે તેવી શક્યતા | us iran talks islamabad donald trump pakistan visit security updates

![]()
Iran Foreign Minister Abbas Araghchi: વિશ્વ આખાની નજર અત્યારે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વર્ષો જૂના તણાવને ખાળા માટે આવતા અઠવાડિયે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની બેઠક યોજાય તેવી પ્રબળ શક્યતા છે. જો આ વાતચીત સફળ રહેશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પાકિસ્તાન આવીને ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે.
યુદ્ધ વિમાન અને કડક સુરક્ષા
પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર અમેરિકાના વિશાળકાય C-17 ગ્લોબમાસ્ટર III વિમાનો ઉતર્યા છે. સુરક્ષાના કારણોસર ઇસ્લામાબાદના રેડ ઝોન તરફ જતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરની પ્રખ્યાત સેરેના અને મેરિયટ હોટલો ખાલી કરાવી દેવામાં આવી છે અને નવા બુકિંગ પર પ્રતિબંધ મુકાયો છે.
સીઝફાયર અને ટ્રમ્પનું વલણ
મહત્વનું છે કે, 8 એપ્રિલના રોજ પાકિસ્તાનની પહેલ પર બંને દેશો વચ્ચે બે અઠવાડિયાનું સીઝફાયર લાગુ થયું હતું. જે 21 એપ્રિલે પૂરું થઈ રહ્યું છે. ટ્રમ્પ આ સીઝફાયરને આગળ વધારવાના પક્ષમાં નથી, તેથી 21 એપ્રિલ પહેલા જ કોઈ મેક્સિમમ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે મોટી સમજૂતી સધાય તેવા પ્રયાસો તેજ થયા છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને આસિમ મુનીરની ભૂમિકા
આ સમગ્ર શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. તેમણે તાજેતરમાં જ ઈરાનનો પ્રવાસ કરીને ત્યાંના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ હોર્મુઝની સામુદ્રધુનીને વ્યાપારી જહાજો માટે ખોલીને વાતચીત માટે સાનુકૂળ વાતાવરણ બનાવ્યું છે.
અગાઉની બેઠકો અને પરિણામ
એપ્રિલના બીજા સપ્તાહમાં ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે અંદાજે 21 કલાક સુધી લાંબી ચર્ચા ચાલી હતી. જોકે તે સમયે કોઈ ઠોસ પરિણામ આવ્યું નહોતું, પરંતુ રસ્તો જરૂર સાફ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની પ્રશંસા કરતા કહ્યું છે કે જો ઈરાન સાથે કોઈ કરાર થશે તો તેઓ પોતે ઇસ્લામાબાદ આવશે.



