‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamilnadu election 2026 pm modi statement on women reservation bill

![]()
PM Modi Big Statement: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં તેઓ મહિલા અનામત મુદ્દે વાત કરશે. આ પહેલા તમિલનાડુના કોઇમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે મહિલા અનામત બિલને લઈને વાત કરી હતી.
આ ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) અને તેના અમલીકરણ માટે જરૂરી સીમાંકન પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જો બિલ પાસ થઈ ગયું હોત તો મહિલાઓને તેનો ફાયદો થાત. આ લડાઈ હજુ પૂર્ણ નથી થઈ, ભાજપ અને NDA અધિકારો માટે લડાઈ લડશે. આજે રાત્રે 8:30 વાગ્યે દેશ સાથે વિસ્તારથી ચર્ચા કરીશ.‘
વડાપ્રધાને કહ્યું કે, ‘આજે હું તમારી વચ્ચે મારું દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરવા ઈચ્છું છું. 2023માં અમે નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યું અને આ મહિનાની 16 તારીખે અમે ગૃહ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામત લાગુ કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું.
મેં વ્યક્તિગત રીતે તમામ રાજકીય પક્ષોને તેને સમર્થન આપવાની અપીલ કરી હતી. મેં તેમને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેની ક્રેડિટ લઈ શકો છો, મને કોઈ વાંધો નથી. મારો ઉદ્દેશ્ય એ હતો કે સાધારણ પરિવારોની બહેનો વધુમાં વધુ સંખ્યામાં ગૃહ અને વિધાનસભાઓમાં આવી શકે.
પરંતુ દુર્ભાગ્યથી આ સારો પ્રયાસ નિષ્ફળ રહ્યો. દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેના સહયોગીઓની ઈર્ષા અને તુચ્છ રાજનીતિથી આને નિશાન બનાવ્યું. જો આ બિલ પસાર થઈ ગયું હોત તો સાધારણ પરિવારોની અનેક તમિલ મહિલાઓ સાંસદ અને ધારાસભ્ય બની જાત. 2011ની વસ્તીગણતરીના આધારે તમિલનાડુને હજુ ઘણી બેઠકો મળવાની હતી. પરંતુ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે DMK એવું નથી ઈચ્છતી. હવે તેમના કામોનો પર્દાફાશ થઈ ગયો છે.’
જણાવી દઈએ કે, શુક્રવારે લોકસભામાં મહિલા અનામતથી જોડાયેલું બંધારણ (131માં સંશોધન) બિલ પસાર ના થઈ શક્યું. આ પ્રસ્તાવમાં લોકસભાની બેઠકોને 543થી વધારીને 816 કરવા અને મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કરવામાં આવી હતી. મતદાન દરમિયાન બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે બિલને પાસ કરાવવા માટે 352 મતની જરૂર હતી.



