નેપાળના તમામ પૂર્વ રાષ્ટ્રપતિ, પીએમ, મંત્રી, રાજાની સંપત્તિની તપાસના આદેશ | Order to investigate the assets of all former Presidents PMs Ministers Kings of Nepal

![]()
– ભ્રષ્ટાચાર વિરુદ્ધ વડાપ્રધાન બાલેન્દ્ર શાહનો સપાટો
– વર્તમાન સરકારના મંત્રીઓ, અધિકારીઓ, સ્પીકરની પણ તપાસ થશે, પાંચ સભ્યોનું ન્યાયિક પંચ બનાવાયુ
કાઠમાંડુ : નેપાળમાં નવી સરકારે એક ઐતિહાસિક પગલુ ભરતા અગાઉના સત્તાધારી નેતાઓની સંપત્તિની તપાસ માટે પાંચ સભ્યોના ન્યાયિક પંચનુ ગઠન કર્યું હતું. આ પંચ વર્ષ ૨૦૦૬થી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી જાહેર હોદ્દા પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે. જેમાં પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર શાહ, ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિઓ, તમામ વડાપ્રધાનો, મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓ, બંધારણીય પદ ધરાવનારા તમામ લોકો સામેલ છે.
આ વિશેષ પંચની તપાસ હેઠળ આવનારા મુખ્ય નામો કે જે હાલ નેપાળના મીડિયામાં ચર્ચામાં છે તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ બરન યાદવ, વિદ્યા દેવી ભંડારી, વર્તમાન રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ, પૂર્વ વડાપ્રધાન ગિરિજા પ્રસાદ કોઇરાલા, પુષ્મ કમલ દહલ પ્રચંડ, માધવ કુમાર નેપાલ, ઝલનાથ ખનાલ, આ પહેલાના વડાપ્રધાન કે. પી. ઓલી અને શેર બહાદુર દેબવા સામેલ છે. આ સાથે જ બે વચગાળાના વડાપ્રધાન ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કીને પણ તપાસમાં આવરી લેવાયા છે.
નેપાળમાં સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન બનેલા અને જેન ઝીની પસંદ એવા બાલેન્દ્ર શાહે આ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જે તપાસના આદેશ આપ્યા છે તેમાં પૂર્વ સરકારના મંત્રીઓ તો સામેલ છે જ બાલેન્દ્ર શાહની વર્તમાન સરકારમાં પણ જે લોકો છે તેમની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે, જેમાં વર્તમાન સ્પીકર ડોલ પ્રસાદ અર્યાલ, કેટલાક વર્તમાન મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રવિ લામિછાન પણ સામેલ કરાયા છે. જે નેતાઓ હયાત નથી તેમની સંપત્તિની પણ તપાસ કરવામાં આવી શકે છે.
જેમાં ગિરિજા પ્રસાદ કોઇરાલા અને સુશીલ કોઇરાલા જેવા નેતાઓના પરિવાર અને રાજનીતિક ઉત્તરાધિકારીઓ પર પણ નજર રહેશે. નેપાળમાં ભ્રષ્ટાચાર પણ એક મોટો મુદ્દો રહ્યો છે એવામાં આ તપાસમાં ઘણા નેતાઓ, અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.



