રશિયાએ 11 દેશોની હિટલિસ્ટ જાહેર કરી, ‘ચાલાક’ મુસ્લિમ દેશ પણ સામેલ, દુનિયાભરમાં હડકંપ | russia ukraine war putin hitlist 11 countries israel turkey threat news gujarati

![]()
Russia Ukraine War: છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે હવે અત્યંત ભયાનક વળાંક લીધો છે. અત્યાર સુધી માત્ર યુક્રેન સરહદ પર લડી રહેલા વ્લાદિમીર પુતિને હવે વિશ્વના અન્ય શક્તિશાળી દેશોને સીધી સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. ક્રેમલિન દ્વારા એક સત્તાવાર પોટેન્શિયલ ટાર્ગેટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બ્રિટન, જર્મની અને પોલેન્ડ સહિત 11 દેશોના સ્થળોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
સુઈ જાઓ પાર્ટનર્સ, રશિયાનો કટાક્ષ
રશિયાની સુરક્ષા પરિષદના ડેપ્યુટી ચીફ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર આ લિસ્ટ શેર કરતા યુરોપિયન દેશો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વ્યંગ કરતા લખ્યું કે, યુરોપિયન પાર્ટનર્સ, હવે શાંતિથી સુઈ જાઓ. મેદવેદેવે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે ફેક્ટરીઓમાં યુક્રેન માટે ડ્રોન અને હથિયારો બની રહ્યા છે, તે હવે રશિયન મિસાઇલોના નિશાન પર છે.
લિસ્ટમાં કયા દેશોના નામ?
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દેશો યુક્રેન માટે સ્ટ્રેટેજિક રિયર એરિયા બની ગયા છે. રશિયાની હિટલિસ્ટમાં સામેલ મુખ્ય દેશોમાં બ્રિટનનું લંડન, લીસેસ્ટર, રીડિંગ અને સફોલ્ક જેવા શહેરોમાં આવેલા ડ્રોન સેન્ટર્સ છે. આ ઉપરાંત યુરોપિયન દેશોમાં જર્મની, પોલેન્ડ, સ્પેન, ઇટાલી, નેધરલેન્ડ, ડેનમાર્ક, લાતવિયા, લિથુઆનિયા અને ચેક રિપબ્લિકનો પણ સમાવેશ થાય છે. જ્યારે મુસ્લિમ દેશ તુર્કિયેમાં પણ રશિયાનો દાવો છે કે અહીં યુક્રેન માટે ડ્રોનના સ્પેરપાર્ટ્સ બને છે. ઇઝરાયલના સ્થળો પણ રશિયાના રડાર પર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ‘ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ…’, ટ્રમ્પની મોટી જાહેરાત
તુર્કિયે અને ઇઝરાયલ કેમ નિશાના પર?
નાટો સભ્ય હોવા છતાં અત્યાર સુધી રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરનાર તુર્કિયે માટે હવે મુશ્કેલી વધી શકે છે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે, જો તુર્કિયેની ફેક્ટરીઓના પાર્ટ્સ રશિયા વિરુદ્ધ વપરાશે, તો તેને પણ બક્ષવામાં આવશે નહીં. તેવી જ રીતે, ઇઝરાયલ દ્વારા આપવામાં આવતી સંભવિત મદદને પણ રશિયાએ ગંભીરતાથી લીધી છે.
યુક્રેનમાં મચાવી મહાતબાહી
હિટલિસ્ટ જાહેર કરવાની સાથે જ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક કર્યો છે. એક જ રાતમાં 324 ડ્રોન અને બેલેસ્ટિક મિસાઇલોથી યુક્રેનને દહલાવી દીધું છે. આ હુમલામાં રશિયાએ 1.5 ટન વજનના FAB-1500 ગ્લાઈડ બોમ્બનો ઉપયોગ કર્યો છે, જે પલકવારમાં ગમે તેવી મજબૂત ઇમારતને કાટમાળમાં ફેરવી દેવાની ક્ષમતા ધરાવે છે.



