સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે કરી અરજી | Surat Builder Tushar Ghelani Case: Poonam Bhadoria Moves High Court to Quash FIR and Bail

![]()
Surat Builder Tushar Ghelani Case: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી મનાતી તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાએ હવે જેલમુક્ત થવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. પૂનમ ભદોરિયાએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી છે, જેના પર સુનાવણી હાથ ધરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે હવે વધુ સુનાવણી 22 એપ્રિલ પર મુકરર કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
બિલ્ડર તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ તુષાર ઘેલાણીની પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, પૂનમ ભદોરિયા તેના પિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહી હતી. પુત્રીના આક્ષેપ મુજબ, પૂનમ તેના પિતાને બ્લેકમેઈલ કરતી હતી અને સતત નાણાકીય કે અન્ય માંગણીઓ કરીને હેરાન કરતી હતી.
બ્લેકમેઈલિંગ અને ફોન કોલ્સના પુરાવા
પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યારે તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હતા, ત્યારે તેના આગળના દિવસોથી જ પૂનમે સતત ફોન કરીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી તેના આગલા દિવસે પૂનમે તેમને અનેક ફોન કોલ્સ કર્યા હતા. પોલીસ પાસે આ કોલ ડિટેલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ છે. આ પુરાવાઓના આધારે પોલીસે પૂનમ ભદોરિયાની ધરપકડ કરી હતી.
FIR રદ કરવા પણ અરજી કરી
એક તરફ પૂનમ ભદોરિયાએ જામીન માટે અરજી કરી છે, તો બીજી તરફ તેણે પોતાની સામે થયેલી પોલીસ ફરિયાદ (FIR) રદ કરાવવા માટે પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પૂનમની દલીલ છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે. જોકે, પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં છે, તે પહેલા જ જામીન મેળવવા માટેના આ પ્રયાસો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે 22 એપ્રિલની સુનાવણીમાં હાઈકોર્ટ પૂનમ ભદોરિયાને રાહત આપે છે કે કેમ.



