સ્વિટ્ઝરલેન્ડમાં મંત્રણા : અમેરિકા સાથેના કરાર પર પેઝેશ્કિયાનનો મોટો દાવો, 6 અબજ ડોલર પરત મળશે | iran president pezeshaian claims six billion dollars return from us deal

![]()
Iran President US Deal: યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ અને પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સ્વિટ્ઝરલેન્ડના જયુરીખ માં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચાલી રહી છે. જેમાં યુએસના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અનેક ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. તેમજ કતારના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે થયેલા પ્રારંભિક કરાર અંગે અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે.
અમેરિકા સાથેના કરાર પર પેઝેશ્કિયાનનો મોટો દાવો
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર પેઝેશ્કિયાને મોટો દાવો કરતા કહ્યું કે, ‘કતારમાં ફ્રીઝ કરાયેલા ઈરાનના 6 બિલિયન ડોલર આ કરાર હેઠળ નાણાં પરત કરવામાં આવશે. સમજૂતી કરાર (MoU)ની બધી શરતો અમારા પક્ષમાં છે અને આ વાટાઘાટો અને વાટાઘાટોના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તાજેતરના ભાષણમાં ઈરાન પર અસંખ્ય પ્રતિબંધો લાદનારા ડોનાલ્ડ ટ્રમ્પે હવે તે જ મુદ્દાઓને ઈરાની લોકોના અધિકારો તરીકે સ્વીકારી લીધા છે.’
પેઝેશ્કિયાને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ‘તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં થઈ રહેલી વાટાઘાટોથી સૌથી વધુ અસંતુષ્ટ હશે. અમેરિકાની ફક્ત એક જ શરત છે કે, પરમાણુ બોમ્બ ન હોવો જોઈએ. અમને પરમાણુ બોમ્બ નથી જોઈતો.’
અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ રવિવારે(21જૂન) સવારે જયુરિખ પહોંચ્યા હતા, જ્યારે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનર પહેલેથી જ ત્યાં હાજર હતા. સ્વિટ્ઝરલેન્ડ જતા પહેલા વાન્સે કહ્યું હતું કે, ‘મેં આજે સવારે જેરેડ અને સ્ટીવ સાથે વાત કરી હતી. મારી સમજ મુજબ, વસ્તુઓ સારી દિશામાં આગળ વધી રહી છે.’ જ્યારે ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી IRNA અનુસાર, ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ કરી રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન પણ પહોંચ્યા
આ પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ડેપ્યુટી સેક્રેટરી અલી બાઘેરી કાની અને ઈરાનના સેન્ટ્રલ બેંકના ગવર્નર અબ્દુલનાસેર હેમ્મતીનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ રવિવારે જયુરિખ પહોંચ્યા હતા, તેમની સાથે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને અન્ય પ્રતિનિધિઓ પણ હતા. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શનિવારે(20 જૂન) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન ઇસ્લામાબાદ એમઓયુ હેઠળ થયેલા કરારોને આગળ વધારવા માટે મધ્યસ્થી તરીકેની ભૂમિકામાં પ્રક્રિયાને સરળ બનાવવાનું ચાલુ રાખશે.’
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર
ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 60-દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાને આ કરારના મુખ્ય મધ્યસ્થી અને ગેરંટી આપનાર તરીકેની ભૂમિકા ભજવી છે. વાટાઘાટોનો ટેકનિકલ તબક્કો 19 જૂને શરૂ થવાનો હતો, પરંતુ ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ફરી અથડામણોને કારણે તેમાં વિલંબ થયો હતો.



