Explainer: લાખો અમેરિકન નાગરિકો કેનેડા જઈને વસવા ઈચ્છે છે, નવા વંશાવળી કાયદાએ પલટ્યો પ્રવાહ, જાણો શું છે‘બિલ C-3’ | Canada’s New Bill C 3: Why Millions of Americans are Rushing for Canadian Citizenship

![]()
Canada’s New Bill C-3 : યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડા વચ્ચે વિશ્વની સૌથી લાંબી સરહદ (8,891 કિલોમીટર) આવેલી છે. આજકાલ આ સરહદ પાર કરવાની લાલચ અમેરિકનોમાં ખૂબ જ વધી ગઈ છે. હાલના સમયમાં જો તમે કેનેડિયન ઇમિગ્રેશન ઓફિસમાં જાવ તો ત્યાં અમેરિકન નાગરિકોની લાંબી લાઇન જોવા મળશે. કારણ? કેનેડાના નવા ‘વંશાવળી કાયદા’ (બિલ C-3)ને કારણે લાખો અમેરિકનો અચાનક કેનેડિયન નાગરિકતા મેળવવા માટે લાયક બની ગયા છે. આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકામાં રાજકીય તણાવ અને અનિશ્ચિતતા ટોચ પર છે.
‘બિલ C-3’નો નવો કાયદો શું છે?
ડિસેમ્બર 15, 2025 પહેલાં કેનેડાનો જૂનો કાયદો એવો હતો કે જો તમે કેનેડાની બહાર જન્મ્યા હો અને તમારે કેનેડાનું નાગરિકત્વ લેવું હોય તો તમારા માતા કે પિતા પૈકીના કોઈપણ એક પાસે કેનેડાનું નાગરિકત્વ હોવું જોઈએ, તો જ તમે કેનેડિયન નાગરિકત્વ માટે લાયક ઠરો. નવા લાગુ કરાયેલા ‘બિલ C-3’ નામના કાયદા વડે ‘પ્રથમ પેઢીની મર્યાદા’ (First-generation limit) હટાવી દેવામાં આવી છે. એટલે કે વિદેશમાં જન્મેલા કેનેડિયન માતા-પિતા પણ તેમના વિદેશમાં જન્મેલા બાળકને નાગરિકતા અપાવી શકશે. તેની મુખ્ય શરતો આ છે:
• 15 ડિસેમ્બર, 2025 પહેલાં વિદેશમાં જન્મેલા લોકો માટે: બિલ C-3 હેઠળ 15 ડિસેમ્બર, 2025 પહેલાં જન્મેલા લોકો માટે નાગરિકતાની ‘ચેઈન’ (સાંકળ) ફરીથી જોડવામાં આવી છે, જેનો અર્થ છે કે જો તમારા દાદા કે દાદી કેનેડાના નાગરિક હોય તો તમે નાગરિકતા માટે લાયક ઠરી શકો છો. જોકે, નાગરિકતા સીધી દાદા-દાદીથી પૌત્ર-પૌત્રીને નથી મળતી, પરંતુ તે માતા-પિતા દ્વારા વહે છે. નવો કાયદો તમારા માતા કે પિતાની નાગરિકતાને (જે 2009 ના જૂના કાયદાને કારણે અટકેલી હતી) પૂર્વવત રીતે માન્યતા આપે છે, જેનાથી તમે પણ આપોઆપ નાગરિકતા માટે હકદાર બનો છો.
• પૂર્વજોની નાગરિકતા: ઉપરના નિયમના પાલન માટે જરૂરી છે કે તમારા પૂર્વજોએ પોતાની નાગરિકતા છોડી ન હોય.
• 15 ડિસેમ્બર, 2025 પછી વિદેશમાં જન્મેલા લોકો માટે: વિદેશમાં જન્મેલા કેનેડિયન માતા કે પિતાએ બાળકનો જન્મ થાય તે પહેલાં કેનેડામાં કુલ 1,095 દિવસ (3 વર્ષ) શારીરિક રીતે હાજર રહ્યા હોવા જોઈએ.
• લોસ્ટ કેનેડિયન્સ: જે લોકો 2009 ના જૂના કાયદાને કારણે નાગરિકતાથી વંચિત રહી ગયા હતા, તેઓ હવે આ નવા કાયદા હેઠળ નાગરિકતા માટે હકદાર બનશે.
અરજીઓમાં પુષ્કળ વધારો થયો
કેનેડાના ઇમિગ્રેશન સલાહકારે જણાવ્યું હતું કે, આ બદલાવ પછી અમેરિકનો તરફથી કેનેડાના નાગરિકત્વ માટેની અરજીઓમાં ભારે વધારો થયો છે. પહેલા દર મહિને સરેરાશ 10 અરજીઓ આવતી હતી, જે હવે વધીને 100 થઈ ગઈ છે.
માત્ર એટલું જ નહીં, ફેબ્રુઆરી 2025 માં, ક્વિબેકના આર્કાઇવ્સમાં અમેરિકનો તરફથી લગ્ન, મૃત્યુ અને બાપ્તિસ્મા(ખ્રિસ્તી ધાર્મિક સંસ્કાર વિધિ)ના રેકોર્ડ માટે માત્ર 100 વિનંતીઓ હતી. એક વર્ષ પછી ફેબ્રુઆરી 2026માં આ સંખ્યા વધીને 1500 થઈ ગઈ, જે 3000 ટકાથી પણ વધુનો વધારો છે.
આ પણ વાંચો : રશિયાએ 700 ડ્રોન, ડઝનેક મિસાઈલો ઝીંકી યુક્રેનને હચમચાવ્યું, 16 લોકોના મોત, 80 ઘાયલ
અમેરિકનો શા માટે કેનેડાની નાગરિકતા લેવાનો ‘પ્લાન B’ અમલમાં મૂકી રહ્યા છે?
અમેરિકનો કેનેડાની નાગરિકતાને ‘બેકઅપ પ્લાન’ અથવા ‘પ્લાન B’ તરીકે જોઈ રહ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે, એના કારણો જોઈએ.
- રાજકીય અનિશ્ચિતતા: ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઘણા અમેરિકનો ભય અને અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. તેમનું કહેવું છે કે હવે તેમનો દેશ અજાણ્યો લાગે છે. ક્યારે શું થશે, એનો ડર લાગે છે.
- સુરક્ષાની શોધ: કેનેડાને સામાન્ય રીતે વધુ સુરક્ષિત અને શાંત દેશ ગણાય છે. અમેરિકનો માને છે કે જો અમેરિકામાં હાલાકી વધી ગઈ, તો તેઓ સરહદ પાર કરીને સલામત સ્થળે જઈ શકશે.
- જીવનધોરણ: કેનેડામાં આરોગ્યસંભાળ (હેલ્થકેર) વધુ સારી છે. ત્યાંનું જીવન વધુ ગુણવત્તાવાળું છે.
કેનેડાના નાગરિકત્વ માટે અરજી કરવાની પ્રક્રિયા
આ પ્રક્રિયા પહેલા પાત્રતા ચકાસણીથી શરૂ થાય છે.
- પુરાવા એકત્રિત કરો: તમારે તમારા પૂર્વજોના જન્મ, લગ્ન અને બાપ્તિસ્માના રેકોર્ડ્સ (જેમ કે જન્મ પ્રમાણપત્ર) ભેગા કરવા પડશે.
- નાગરિકતાનો પુરાવો (Proof of Citizenship): આ બધા દસ્તાવેજો સાથે કેનેડિયન ઇમિગ્રેશન વિભાગમાં ‘નાગરિકતાના પુરાવા’ માટે અરજી કરવી પડશે.
- સમયમર્યાદા: સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ 11 મહિના લાગે છે. માર્ચ 2026 સુધીમાં, લગભગ 48,000 લોકોની અરજીઓ પેન્ડિંગ હતી.
અરજી એક, ફાયદા અનેક
જો તમે કેનેડાનું નાગરિકત્વ લેવા માટે લાયક ઠરો છો, તો તમારા ભાઈ-બહેન, પિતરાઈ ભાઈ-બહેનો અને તેમના બાળકો પણ આ જ પૂર્વજોના આધારે લાયક બની શકે છે. એટલે કે, એક અરજી આખા કુટુંબ માટે રસ્તો ખોલી શકે છે.
બેવડી નાગરિકતાનો લાભ
એક મહત્ત્વની વાત એ છે કે અમેરિકા અને કેનેડા બંને બેવડી નાગરિકતા (Dual Citizenship) ની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે તમારે કેનેડિયન બનવા માટે તમારી અમેરિકન નાગરિકતા છોડવાની જરૂર નથી.
કર (Tax): કેનેડિયન નાગરિક બનવાથી તમારા પર કોઈ વધારાનો ટેક્સ લાગતો નથી, જ્યાં સુધી તમે કેનેડામાં રહેવા ના જાઓ. કેનેડામાં ટેક્સ રહેણાંક (રેસિડેન્સી) પર આધારિત છે, નાગરિકત્વ પર નહીં.
ફાયદો: આ નાગરિકતા તમને કેનેડામાં પ્રવેશવાનો, ત્યાં રહેવાનો અને કોઈપણ નોકરી કરવાનો બિનશરતી અધિકાર આપે છે. એટલે કે, ભવિષ્યમાં જો અમેરિકામાં કોઈ સમસ્યા આવે, તો તમારી પાસે ‘બેકઅપ’ તરીકે કેનેડા હંમેશાં તૈયાર હશે.



