दुनिया

ટ્રમ્પના બ્લોકેડ સામે ચીન તેનું પ્રચંડ નૌકાદળ તરતું મુકશે ? | Will China unleash its massive navy against Trump’s blockade



– સમગ્ર ઈરાન યુદ્ધ દરમિયાન ચીન મૂકદર્શક બની રહ્યું : પરંતુ હોર્મુઝનાં નેવલ બ્લોકેડે પરિવર્તન કર્યું છે : ચીનની મોટાભાગની ઊર્જા ત્યાંથી પસાર થાય છે

નવી દિલ્હી : સમગ્ર ઈરાન યુદ્ધ દરમિયાન ચીન મૂકદર્શક બની રહ્યું હતું, પરંતુ હોર્મુઝ સ્ટ્રેઈટસના ટ્રમ્પના નેવલ બ્લોકેડે પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. ચીનની મોટાભાગની ઊર્જા હોર્મુઝ સ્ટ્રેઈટસમાંથી પસાર થાય છે. તેથી આશંકા તે રહે છે કે, ચીન તેનું પ્રચંડ નૌકાદળ તે જળમાર્ગ પાસે તરતું મુકશે ?

ઈરાનમાં ટ્રમ્પને મોકળું મેદાન મળી ગયું તે પાછળનું મુખ્ય કારણ ચીનની મધ્ય-પૂર્વમાં નજીવી ઉપસ્થિતિ હોઈ શકે. પરંતુ હવે ચીન આ યુદ્ધમાં ધીમે ધીમે ઘસડાતું જાય છે. આ બધાના કેન્દ્રમાં હોર્મુઝ સ્ટ્રેઈટસ્ છે.

ચીનનો ૪૦ ટકા ઊર્જા પ્રવાહ હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે. પરિણામે ચીને આ સંઘર્ષ અંગે અમેરિકાને અતિ કઠોર ચેતવણી પણ આપી દીધી છે, અને કહ્યું છે કે તે પગલું સંઘર્ષનું કારણ બની રહેશે.

મંગળવારે ચીનનું ઓઈલ ટેન્કર અમેરિકાની ઘેરાબંધીમાંથી નીકળી ન શકતાં ઈરાનનાં જ બંદરે પાછું ફર્યું છે.

પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ઘેરાબંધી શરૂ કરાવી છે તે સર્વવિદિત છે. આ પાછળ ટ્રમ્પનો હેતુ ઈરાનની તેલની આવક રૃંધવાનો છે, તે પણ સર્વવિદિત થઈ ગયું છે. પરંતુ તેની ચીન ઉપર સીધી અસર થાય છે. કારણ કે ચીન ઈરાનનું ૯૦ ટકા ઈરાની તેલ ખરીદે છે. તેથી જ તંગદિલી વધી છે.

ટ્રમ્પે ચીનને વેનેઝૂએલાનું તેલ આપવાનો તો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હવેનું તેનું પગલું માત્ર ઈરાન સામે નથી, તે ચીન વિરૂદ્ધ પણ છે, તેમ કેનેડીયન જીયો-પોલિટિકલ એક્સપર્ટ દીમીત્રી બાસ્કેરિએ ટ્વિટ કરી જણાવ્યું છે.

ગલ્ફના તેલ ઉપર ચીનનો ઘણો આધાર છે, તે બંધ થાય તો તેનાં અર્થતંત્રને ભારે મોટો ધક્કો પહોંચે તેમ છે.

અમેરિકાએ ઈરાન ઉપર લાદેલા બ્લોકેડને મંગળવારે ચીનનાં વિદેશ મંત્રાલયે ઘણું જ ભયાવહ અને બે-જવાબદાર કહ્યું હતું. આથી તે સ્પષ્ટ થાય છે કે ચીન સાથે સંબંધ ધરાવતાં ઓઈલ ટેન્કરને અટકાવવાના કે તેનો કબ્જો લેવાનો કોઈપણ પ્રયત્ન સંઘર્ષનું કારણ બની રહેશે. તેમ પણ ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

તે સર્વવિદિત છે કે, અમેરિકાની ઘેરાબંધી અને ધમકીના પરિણામે ચીની કંપનીનું એક ઓઈલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી બહાર નીકળી શક્યું ન હતું અને તેને ગલ્ફમાં પાછા ચાલ્યું જવું પડયું હતું તેથી ચીન ખરેખરૃં ગિન્નાયું છે.



Source link

Related Articles

Back to top button