BIG NEWS: ટ્રમ્પે કરી મોટી જાહેરાત- ‘હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું’, જાણો ચીન વિશે શું કહ્યું | Donald Trump makes a big announcement on opening Hormuz

US Iran War: હોર્મુઝમાં અમેરિકન નાકાબંધી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને થોડા નરમ પડતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ફરી ઈરાન સાથે બેઠક થવાના સમાચારો વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું. આ ચીન અને દુનિયા માટે કરી રહ્યો છું.
હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું: ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ચીન ખૂબ ખુશ છે કે હું હોર્મુઝ કાયમી ધોરણે ખોલી રહ્યો છું. હું આ તેમના માટે પણ કરી રહ્યો છું – અને વિશ્વ માટે પણ. આ પરિસ્થિતિ ફરી ક્યારેય ઊભી થશે નહીં. તેઓ(ચીન) ઈરાનને હથિયારો ન મોકલવા માટે સંમત થયા છે. પ્રમુખ શી જિનપિંગ જ્યારે હું થોડા અઠવાડિયામાં ત્યાં પહોંચીશ ત્યારે મને ઉમળકાભેર ગળે લગાવશે. અમે ખૂબ જ સમજદારીપૂર્વક અને સારી રીતે સાથે મળીને કામ કરી રહ્યા છીએ! શું આ લડાઈ કરવા કરતાં વધુ સારું નથી??? પરંતુ યાદ રાખજો, જો અમારે લડવું પડે, તો અમે તેમાં પણ ખૂબ કુશળ છીએ – બીજા કોઈ પણ કરતાં ઘણા ચડિયાતા!!! રાષ્ટ્રપતિ DJT”

ઈરાન-અમેરિકા વચ્ચે 2 અઠવાડિયા સુધી સીઝફાયર લંબાવાયું
આ સિવાય એક રિપોર્ટ સામે આવ્યો છે કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધુ 2 અઠવાડિયા સુધી સીઝફાયર લંબાવાયું છે. હોર્મુઝ અને પરમાણુ હથિયારોના મામલે બંને દેશો વચ્ચે તકરાર વધી ગઈ હતી, પરંતુ હાલના ઘટનાક્રમથી તણાવ ઓછો થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.
ન્યૂઝ એજન્સી APના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર વધારવા મામલે મહત્ત્વની અપડેટ મળી છે. મધ્યસ્થીઓના પ્રયાસમાં પ્રગતિ થઈ છે, કારણ કે આશા છે કે, બંને વિરોધી પક્ષ ટૂંક સમયમાં જ વાતચીત કરી શકે છે.
અમેરિકા-ઈરાને સીઝફાયર વધારવા મામલે સહમતિ પણ દર્શાવી છે. જો ફરી બંને દેશો વચ્ચે વાટાઘાટો થાય છે તો ત્રણ મુદ્દા સામેલ હશે. જેમાં પહેલો પરમાણુ કાર્યક્રમનો છે. બીજો હોર્મુઝથી જોડાયેલો અને ત્રીજો મુદ્દો વળતરને લઈને હશે.



