નોઇડામાં હિંસા બદલ 300થી વધુ કર્મચારીઓની ધરપકડ, સાત ફરિયાદો | More than 300 employees arrested for violence in Noida seven complaints filed

![]()
– હવે ઘરકામ કરતી મહિલાકર્મીઓ રસ્તા પર ઉતરી, તોડફોડ કરી
– યોગી સરકારે લઘુતમ વેતન વધારીને 15 હજાર કર્યું જોકે 20 હજાર કરવાની માગ સાથે હજુ પણ વિરોધ
– આંદોલન સમયે પોલીસ પર હુમલો કરવા ઉશ્કેરતા અનેક વોટ્સએપ ગ્રુપ સક્રિય થયા, તપાસના આદેશ
નોઇડા : સોમવારે ઉત્તર પ્રદેશના નોઇડામાં પગાર વધારાની માગણી સાથે ખાનગી કંપનીના હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા, આ આંદોલન મંગળવારે પણ શરૂ રહ્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા હતા. રાજ્ય સરકારે લઘુતમ વેતન વધારવાની જાહેરાત સોમવારે રાત્રે કરી હોવા છતા કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં હવે ઘરોમાં કામકાજ કરી ગુજરાન ચલાવતી મહિલાઓ, સફાઇકર્મીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે.
નોઇડા સેક્ટર ૧૨૧ની સોસાયટી બહાર અનેક મહિલાઓ ઉતરી આવી હતી, રોડ પર આ મહિલાઓ પથ્થરમારો કરવા લાગી હતી. પ્રદર્શન કરનારી આ મહિલાઓમાં ઘરે ઘરે જઇને કામકાજ કરતી તેમજ સફાઇકામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. મહિલાઓએ પણ લઘુતમ વેતનની માગ સાથે પ્રદર્શન કર્યું છે જોકે આ દરમિયાન તેમણે ભારે તોડફોડ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારે કુશળ કારીગરો માટે લઘુતમ વેતન વધારીને ૧૫ હજાર કર્યું છે જ્યારે પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ લઘુતમ વેતન ૨૦ હજાર કરવાની માગણી સાથે આ આંદોલન શરૂ કર્યું છે.
નોઇડામાં પગાર વધારાની માગ સાથે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી, હિંસાની આ ઘટનાઓ સાથે સંકળાયેલા ૩૦૦થી વધુ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સાત જેટલી એફઆઇઆર પણ દાખલ થઇ ચુકી છે. તપાસ વચ્ચે જ પ્રદર્શનકારી કર્મચારીઓની વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચેટિંગ સામે આવી છે. જે મુદ્દે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ વોટ્સએપ ચેટમાં હિંસા અને પથ્થરમારો કઇ રીતે કરવો અને કોના પર કરવો તેવા મેસેજ સામે આવ્યા છે. એક ચેટિંગમાં યૂઝર કહી રહ્યો છે કે આવતી કાલે પોલીસ પર હુમલો કરવાનો છે. નોઇડા પોલીસને આવા અનેક વોટ્સએપ ગુ્રુપની જાણકારી મળી છે જે હિંસાના ત્રણ દિવસ પહેલા જ સક્રિય કરાયા હતા. એક ઓડિયો ક્લિપમાં વ્યક્તિ ભીડને એકત્રીત થવા કહી રહ્યો છે. સાથે કહી રહ્યો છે કે આવતી કાલે ભાઇઓ પોલીસવાળાઓ પર હુમલો કરવાનો છે. ઇન્સ્ટાગ્રામ મેસેજમાં એક શખ્સ પોલીસના લાઠીચાર્જના જવાબમાં બહુબધો મરચાનો પાઉડર એટલે કે લાલ મરચાનો ભુખો છાંટવા કહે છે. પોલીસને આ સમગ્ર મામલે અનેક સીસીટીવી અને વીડિયો ફુટેજ પણ મળી આવ્યા છે.



