दुनिया

શાંતિ વાર્તાનું સુરસુરીયું : હોર્મુઝ પર ટ્રમ્પનો કબજો | Whispers of peace talks: Trump’s control of Hormuz



– ઈસ્લામાબાદમાં 21 કલાક લાંબી વાટાઘાટો પછી અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી, શાંતિ માટે હવે રશિયા મેદાનમાં

– હોર્મુઝની ખાડીમાંથી હવે કોઈ જહાજને જવા દેવાશે નહીં, ઈરાનને ટોલ ચૂકવનારા જહાજને સમુદ્રમાં ડુબાડી દેવાશે : ટ્રમ્પ

– અમેરિકા યુદ્ધમાં હાંસલ ના કરી શક્યું તે શાંતિ વાર્તાના ટેબલ પર મેળવવા માગતું હતું : ઈરાન

– ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોમાં કોઈ ડીલ ના થવી એ અમેરિકા કરતાં ઈરાન માટે વધુ નુકસાનકારક :  જેડી વેન્સ

– શાંતિમંત્રણાની નિષ્ફળતા બદલ અમેરિકા દોષિત, તેની શરતો અમારા પર થોપવા માગતું હતું : ગાલિબાફ 

ઈસ્લામાબાદ/વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં ૪૦ દિવસથી ચાલતા અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો અંત લાવવા પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે શરૂ થયેલી અમેરિકા અને ઈરાનની શાંતિ મંત્રણા ૨૧ કલાકની મેરેથોન ચર્ચા પછી આખરે પડી ભાંગી હતી. શાંતિ મંત્રણા પડી ભાંગવાથી ધૂંઆપૂઆં થયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા અને ક્યુબાની સ્ટાઈલમાં હોર્મુઝની ખાડી પર કબજો કરીને નાકાબંધી કરી દીધી છે. ટ્રમ્પે દુનિયાના દેશોને ચેતવણી આપી છે કે ઈરાનને ટોલ આપનારા કોઈપણ જહાજને સમુદ્રમાં જ તોડી પડાશે. આ પહેલાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે અમેરિકાની શરતો માનવા ઈરાન તૈયાર નહીં થયું હોવાનો દાવો કરીને મંત્રણા પડી ભાંગી હોવાનું જાહેર કર્યું અને ઈસ્લામાબાદથી રવાના થઈ ગયા હતા. બીજીબાજુ ઈરાને અમેરિકા પર અતાર્કિક શરતો નાંખવાનો આરોપ મૂક્યો હતો. ઈસ્લામાબાદમાં મંત્રણા પડી ભાગતા રશિયાએ ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનને મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. 

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ માટે અમેરિકા અને ઈરાનની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં રઘવાયા બનેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે હોર્મુઝની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ જહાજ ઈરાનને ટોલ આપીને અહીંથી પસાર થશે તો અમેરિકન નેવી તેને સમુદ્રમાં ડુબાડી દેશે. અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ પાકિસ્તાનથી રવાના થઈ ગયા પછી પ્રમુખ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર બે લાંબી પોસ્ટ લઈને ઈરાને તેમની વાતો નહીં માની હોવા અંગે ભારે નારાજગી દર્શાવી હતી.

વાટાઘાટો નિષ્ફળ રહેતાં અમેરિકન નેવીને ટ્રમ્પનો તુરંત આદેશ

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના નેતૃત્વમાં ઈસ્લામાબાદમાં ૨૧ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી. વાતચીત સારી રહી, પરંતુ ઈરાને હોર્મુઝની ખાડી ખોલવાનું વચન આપ્યું હતું, હવે તે ઈનકાર કરી રહ્યું છે. તેથી અમેરિકન નેવીને તુરંત પ્રભાવથી હોર્મુઝની ખાડીના રસ્તાની નાકાબંધી કરવાનો આદેશ આપી દેવાયો છે.

હોર્મુઝમાં માઈન્સ પાથરી દુનિયાને બ્લેકમેલ કરવાનું કૃત્ય નહીં ચાલે ઃ ટ્રમ્પ

ટ્રમ્પે ઉમેર્યું કે, ઈરાન કહે છે કે હોર્મુઝની ખાડીમાં માઈન્સ પાથરેલી છે. આ દુનિયાને બ્લેકમેલ કરવાનું સૌથી ખરાબ કૃત્ય છે. અમેરિકન નેવી આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં એવા દરેક જહાજને શોધશે અને રોકશે જેનાથી ઈરાનનને કોઈપણ ગેરકાયદે ટોલ ચૂકવવામાં આવ્યો હશે. જે ટોલ આપશે તેને સમુદ્રમાંથી સુરક્ષિત જવા નહીં દેવાય. તેને સમુદ્રમાં જ ડુબાડી દેવાશે.

ઈરાનના પ્રમુખ પઝેશ્કિયાને રશિયન પ્રમુખ પુતિન સાથે વાત કરી

બીજીબાજુ શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી ઈરાનના પ્રમુખ મસુદ પઝેશ્કિયાને રવિવારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ સમયે પુતિને તેમને શાંતિ માટે મધ્યસ્થતા કરવાની દરખાસ્ત કરી હતી. ક્રેમલિનના જણાવ્યા મુજબ પુતિને સ્પષ્ટ કહ્યું કે તેઓ આ સંઘર્ષનું રાજકીય અને કૂટનીતિક સમાધાન કાઢવામાં મદદ કરવા તૈયાર છે અને ક્ષેત્રમાં સ્થાયી શાંતિ ઈચ્છે છે.

જેડી વેન્સ અને ગાલિબાફના નેતૃત્વમાં વાટાઘાટો થઈ

આ પહેલાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી શાંતિ મંત્રણા પર આખી દુનિયાની નજર હતી. અમેરિકા તરફથી ઉપપ્રમુખ જેડી વેન્સ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર અને વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વીટકોફ તથા ઈરાન તરફથી સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ, વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સહિત ૭૦ સભ્યોના પ્રતિનિધિમંડળે બે તબક્કા સુધી ચર્ચા કરી હતી. 

ગંભીરતાથી ચર્ચા થઈ, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં ઃ વેન્સ

આ મંત્રણાના અંતે જેડી વેન્સે ઈસ્લામાબાદમાં મીડિયા સાથેની ટૂંકી વાતચિતમાં કહ્યું, બંને પક્ષો વચ્ચે લગભગ ૨૧ કલાકની ગંભીર ચર્ચા થઈ અને અનેક મુદ્દાઓ પર વાતચીત આગળ વધી. જોકે, તેમ છતાં અંતે કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી. 

સારી વાત એ હતી કે વાતચીત ગંભીર રહી, પરંતુ ખરાબ સમાચાર એ છે કે કોઈ ડીલ થઈ શકી નથી. આ સ્થિતિ અમેરિકા કરતાં ઈરાન માટે વધુ નુકસાનકારક છે. અમેરિકાએ પોતાની શરતો અને રેડ લાઈન્સ સ્પષ્ટ કરી દીધી હતી, પરંતુ ઈરાને તે સ્વીકારી નહીં.

દુષ્ટ અને નીચ અમેરિકા વિશ્વાસને લાયક નથી : ઈરાન

બીજીબાજુ ઈરાને શાંતિ મંત્રણાની નિષ્ફળતાનો દોષનો ટોપલો અમેરિકા પર નાંખ્યો હતો. ઈરાને કહ્યું, અમેરિકા યુદ્ધમાં જે હાંસલ ના કરી શક્યું તે ટેબલ પર મેળવવા માગતું હતું. ઈરાને અમેરિકાને દુષ્ટ અને નીચ પણ ગણાવ્યું હતું. ઈરાનની સંસદના અધ્યક્ષ ગાલિબાફે કહ્યું કે, અમેરિકા વિશ્વાસ લાયક નથી. તેમની ટીમે અનેક સકારાત્મક પ્રસ્તાવ રજૂ કર્યા, પરંતુ અમેરિકા તેમનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયા. ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા નિષ્ફળ જતા હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળાની આશંકા છે. જોકે, હાલ રાહતની વાત એ છે કે શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી પણ બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂ કર્યા નથી.

– ઈરાન યુદ્ધમાં 11 અબજ ડોલરનો ખર્ચ થયો : ઈઝરાયેલ

તેલ અવીવ: અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાનમાં એક સાથે હુમલા કરી મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ કર્યું હતું. ૪૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ઈઝરાયેલને ૧૧ અબજ ડોલરનો ખર્ચ થયો છે તેમ ઈઝરાયેલના નાણામંત્રાલયે સંસદને જણાવ્યું હતું. મંત્રાલયે બજેટ ખર્ચમાં ૩૫ અબજ શેકેલ (૧૧.૫૨ અબજ ડોલર)નો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી ૨૨ અબજ શેકેલ સંરક્ષણ પાછળ ખર્ચાશે. આ રકમ પહેલાથી જ ૨૦૨૬ના બજેટમાં ઉમેરવામાં આવી છે.

– નાટો હોર્મુઝમાંથી સુરંગો સાફ કરવામાં મદદ કરશે:  ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, નાટો હોર્મુઝની ખાડીમાંથી માઈન્સ હટાવવામાં મદદ કરવાની દરખાસ્ત કરી છે. પહેલા અમે નાટોના વલણથી ખૂબ જ નિરાશ હતા, પરંતુ હવે તેઓ સાથે આવવા માગે છે અને હોર્મુઝ મામલે મદદ કરવા માગે છે. અમેરિકા માઈનસ્વીપર લાવી રહ્યું છે અને નાટોનું સભ્ય બ્રિટન પણ માઈનસ્વીપર મોકલી રહ્યું છે. અન્ય દેશો પણ તેમના માઈનસ્વીપર મોકલવા તૈયાર થયા હોવાનું મને જાણવા મળ્યું છે.

– સાઉદીએ પૂર્વ-પશ્ચિમ ઓઈલ પાઈપલાઈન શરૂ કરી

રિયાધ: મધ્ય-પૂર્વમાં હોર્મુઝની ખાડીમાં ઈરાન અને અમેરિકાની નાકાબંધીથી દુનિયામાં ક્રૂડ ઓઈલની કટોકટીનું સંકટ સર્જાયું છે ત્યારે સાઉદી અરબે પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન મારફત સંપૂર્ણ ઓઈલ પમ્પિંગ ક્ષમતા ફરીથી શરૂ કરી દીધી છે. ઈરાનના હુમલાથી આ પાઈપલાઈન પર અસર થઈ હતી. આ પાઈપલાઈન મારફત દરરોજ લગભગ ૭૦ લાખ બેરલ ઓઈલ ટ્રાન્સફર કરાય છે. આ પાઈપલાઈન પછી હવે સાઉદીથી ઓઈલ ખરીદનારા દેશોને લાભ થશે અને હોર્મુઝની ખાડી પરની નિર્ભરતા ઓછી થશે.



Source link

Related Articles

Back to top button