दुनिया

ઈરાને અમેરિકાની દુ:ખતી નસ દબાવી! ટ્રમ્પ માટે મોટો પડકાર બની ખામેનેઈના નેતાઓની વ્યૂહનીતિ | iran strategy in america peace talk donald trump inflation in us


US-Iran Ceasefire Deal: ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની બેઠક કોઈ પરિણામ વગર પૂરી થઈ છે, પરંતુ આને ઈરાનની નિષ્ફળતા માનવી એક મોટી ભૂલ હોઈ શકે છે. હકીકતમાં, આ ઈરાનની કોઈ જીદ નથી પણ એક સમજી-વિચારેલી વ્યૂહનીતિ છે. ઈરાન સારી રીતે જાણે છે કે ભૌગોલિક દૃષ્ટિએ તેણે વિશ્વની ‘આર્થિક નસ’ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની પકડ મજબૂત કરી રાખી છે.

યુદ્ધ લાંબુ ખેંચી અમેરિકાને નબળું પાડવાની ઈરાની વ્યૂહનીતિ

ભલે અમેરિકા પાસે અત્યાધુનિક મિસાઈલો અને અપાર સૈન્ય શક્તિ હોય, પરંતુ આ જંગની અસર હવે સીધી વોશિંગ્ટન પર જોવા મળી રહી છે. અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવે ટ્રમ્પ વહીવટી તંત્રને મુશ્કેલીમાં મૂકી દીધું છે. ઈરાન અત્યારે યુદ્ધને લાંબુ ખેંચીને અમેરિકાને આર્થિક અને સૈન્ય એમ બંને મોરચે નબળું પાડવા માંગે છે, જેથી તે પોતાની શરતો મનાવી શકે. આ રાજકીય અને આર્થિક દબાણના કારણે જ ઈરાન નમવાને બદલે મક્કમ વલણ અપનાવી રહ્યું છે.

ઈરાનનું વધતું વર્ચસ્વ અટકાવવા ખાડી દેશોની નવી ચાલ

અમેરિકા પર અત્યારે આ યુદ્ધ જલ્દી ખતમ કરવાનું ભારે દબાણ છે. ઘરેલું મોરચે મોંઘવારી મોટો મુદ્દો છે, સાથે જ આગામી સમયમાં કિંગ ચાર્લ્સની અમેરિકા મુલાકાત, મે મહિનામાં ટ્રમ્પનો ચીન પ્રવાસ અને સૌથી મહત્ત્વનું અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન નજીક છે. આવા સમયે અમેરિકા લાંબા યુદ્ધનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. બીજી તરફ, ઈઝરાયલ અને ખાડી દેશો પણ એવું નથી ઈચ્છતા કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થાય, કારણ કે તેમને ડર છે કે તેનાથી આ વિસ્તારમાં ઈરાનનું વર્ચસ્વ વધી જશે. આ રસાકસીએ પણ ઇસ્લામાબાદ વાટાઘાટોને નિષ્ફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં મોટું રાજકીય તોફાન: ચાગોસ ટાપુઓ મુદ્દે ટ્રમ્પના દબાણ બાદ યુકેનો યુટર્ન

નાટો વગર હોર્મુઝમાં અમેરિકા માટે કંઈપણ કરવું અશક્ય

લશ્કરી નિષ્ણાતોના મતે ઈરાન પાસે હજુ પણ મિસાઇલો અને ડ્રોનનો અડધાથી વધુ જથ્થો સુરક્ષિત છે, જે તેને લાંબા સમય સુધી ટકી રહેવાની શક્તિ આપે છે. નાટો(NATO) દેશોના સમર્થન વગર હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા માટે કંઈપણ મોટું કરવું અશક્ય છે. ઈરાન જાણે છે કે હોર્મુઝમાં સામાન્ય હલચલ પણ વૈશ્વિક બજારમાં તબાહી મચાવી શકે છે. હવે ઈરાનનો હેતુ દુશ્મનને થકવી દેવાનો અને આર્થિક રીતે પાંગળો બનાવવાનો છે. તે પોતાની શરતો પર અડગ રહેશે કારણ કે તેને ખબર છે કે આ યુદ્ધ ટ્રમ્પ માટે જ મુશ્કેલીઓ ઊભી કરશે. 


ઈરાને અમેરિકાની દુ:ખતી નસ દબાવી! ટ્રમ્પ માટે મોટો પડકાર બની ખામેનેઈના નેતાઓની વ્યૂહનીતિ 2 - image



Source link

Related Articles

Back to top button