‘અહીં સિગારેટનો કશ મારતા જ ઓફિસર આવી જાય’, કેનેડાનો એન્ટી સ્મોકિંગ કાયદો ચર્ચામાં | Burnaby s Strict Anti Smoking Laws A Model for Smoke Free Cities Globally

Burnaby’s Strict Anti-Smoking Laws: તમે ઓફિસ કે જાહેર સ્થળો પર ‘નો-સ્મોકિંગ’ના બોર્ડ તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવા શહેરની કલ્પના કરી છે જ્યાં સિગરેટનો એક કશ પણ તમને જેલની હવા ખવડાવી શકે? કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલું બર્નબી શહેર અત્યારે તેની હરિયાળી સાથે તેના કડક ‘એન્ટી-સ્મોકિંગ’ કાયદા માટે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ શહેરમાં જાહેર બાગ-બગીચા, દરિયા કિનારા કે રમતગમતના મેદાનમાં સિગરેટ પીવા પર સખત પાબંદી છે. તંત્રનો સ્પષ્ટ અભિગમ છે કે તમારી પસંદગી ત્યાં પૂરી થાય છે જ્યાંથી બીજાના સ્વાસ્થ્યનું જોખમ શરૂ થાય છે.
ઈ-સિગરેટ અને વેપિંગ પર પણ સખત પ્રતિબંધ
બર્નબી શહેરના આ કડક તંત્ર પાછળ એક આખું તત્ત્વ કામ કરી રહ્યું છે. અહીં કોઈ પણ જાહેર કે વ્યાપારિક ઇમારતના દરવાજા કે બારીથી 6 મીટર એટલે કે અંદાજે 20 ફૂટના દાયરામાં ધૂમ્રપાન કરવું એ કાયદેસરનો ગુનો છે. આ નિયમ માત્ર સામાન્ય સિગરેટ પર જ નહીં પરંતુ ઈ-સિગરેટ અને વેપિંગ પર પણ સમાન રીતે લાગુ પડે છે. શહેરની સુરક્ષા માટે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ ઓફિસર્સ તહેનાત હોય છે. જો કોઈ નિયમ તોડતા પકડાય તો તેને 100થી 500 કેનેડિયન ડૉલર સુધીનો દંડ ફટકારવામાં આવે છે.
સિગરેટ ફિલ્ટર: માઇક્રોપ્લાસ્ટિકનો મોટો ખતરો
આ શહેરની ખાસિયત એ છે કે તેની 25% જમીન કુદરતી વિસ્તારો અને પાર્ક માટે આરક્ષિત છે. વહીવટી તંત્રના મતે સિગરેટના ફિલ્ટર માત્ર ગંદકી જ નથી ફેલાવતા, પરંતુ તે માઇક્રોપ્લાસ્ટિકનો મોટો સ્ત્રોત છે જેને ઓગળતા 10 વર્ષથી વધુ સમય લાગે છે. આ પ્રકારની કડક નીતિને કારણે અહીંના બગીચાઓમાં કચરામાં 70% જેટલો ઘટાડો નોંધાયો છે. બર્નબીની આ સક્સેસ સ્ટોરી ભારત જેવા દેશો માટે પણ એક શીખ સમાન છે, જ્યાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જાહેર આરોગ્ય જાળવવું એક મોટો પડકાર છે.
આવનારી પેઢીને શુદ્ધ હવા આપવાનો લક્ષ્ય
બર્નબી સિવાય મેક્સિકો અને ભૂતાન જેવા દેશો પણ આ દિશામાં મક્કમ ડગલાં ભરી રહ્યા છે. મેક્સિકોએ તાજેતરમાં પ્રવાસન સ્થળો પર સ્મોકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ભૂતાનમાં તો જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ જેલની સજાની પણ જોગવાઈ છે. ન્યૂઝીલેન્ડ પણ આગામી પેઢીને સિગરેટથી સંપૂર્ણ મુક્ત રાખવા માટે વ્યૂહનીતિ ઘડી રહ્યું છે. આ તમામ પ્રયાસોનો એક જ ઉદ્દેશ્ય છે – આવનારી પેઢીને સ્વસ્થ ફેફસાં અને શુદ્ધ હવા પૂરી પાડવી.




