અમેરિકાનું ઓઈલ અને ગેસ ખરીદવા વિશ્વભરમાંથી ટેન્કરો આવી રહ્યા છે : ટ્રમ્પ | Tankers from all over the world are coming to buy American oil and gas: Trump

![]()
– હોર્મુઝની ખાડી બંધ થવાથી અમેરિકાને સીધો લાભ
– દુનિયાના દેશો માટે હોર્મુઝની ખાડીને ‘સ્વચ્છ’ કરવાની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ ઈરાનની સુરંગો મુદ્દે ટ્રમ્પનું મૌન
વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થઈ રહી છે તેવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુઝની ખાડી બંધ થવાથી અમેરિકાને જ લાભ છે. અમેરિકા પાસે ભરપૂર ઓઈલ છે. અમેરિકાનું સ્વીટ ગુણવત્તાસભર ઓઈલ અને ગેસ ખરીદવા માટે દુનિયાભરના ખાલી ઓઈલ ટેન્કરો અમેરિકા આવી રહ્યા છે. જોકે, ટ્રમ્પે અમેરિકામાં ખાતરના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડી બંધ થઈ જતા દુનિયામાં ઓઈલ કટોકટી સર્જાઈ છે ત્યારે પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝની ખાડી પર ઈરાનની નાકાબંધીને અમેરિકા માટે ફાયદાકારક ગણાવી છે.
પ્રમુખ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, દુનિયાના સૌથી મોટા ખાલી ઓઈલ ટેન્કરો મોટી સંખ્યામાં અમેરિકા તરફ આવી રહ્યા છે, જેથી તેઓ દુનિયાનું સૌથી ગુણવત્તાસભર અને સ્વીટ ઓઈલ અને ગેસ લોડ કરી શકે. અમારી પાસે આગામી બે સૌથી મોટા ઓઈલ અર્થતંત્રોના કુલ ઓઈલ કરતાં પણ વધુ ઓઈલ છે અને તેની ગુણવત્તા પણ વધુ સારી છે. ટ્રમ્પે અમેરિકન ઓઈલની પ્રશંસા કરતા દુનિયાને સંદેશો આપ્યો કે હોર્મુઝ બંધ રહેશે તો પણ અમેરિકા પાસે ભરપૂર ઓઈલ છે.
હોર્મુઝની ખાડી બંધ રહેવાને અમેરિકા માટે ફાયદાકારક ગણાવવાની સાથે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, ઈરાનના સૈન્યને અમે ખતમ કરી નાંખ્યું છે અને અમેરિકાએ હવે હોર્મુઝની ખાડીને સાફ કરવાનું શરૂ કર્યું છે. જોકે, ટ્રમ્પની પોસ્ટ પરથી એ બાબત સ્પષ્ટ નહોતી થતી કે ટ્રમ્પ હોર્મુઝની ખાડીમાં ઈરાને પાથરેલી સુરંગો હટાવવાની વાત કરી રહ્યા છે કે કેમ. ટ્રમ્પે એટલું જ લખ્યું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની અને અન્ય અનેક દેશો સહિત દુનિયા માટે હોર્મુઝની ખાડીને સ્વચ્છ કરવાની પ્રક્રિયા અમે શરૂ કરી છે. તેમનામાં આ કામ કરવાની હિંમત નથી, પરંતુ અમે તેમના માટે હોર્મુઝની ખાડીને ખોલીશું.
પાકિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ વાર્તા વચ્ચે ટ્રમ્પે ઈરાનને એક નિષ્ફળ દેશ ગણાવ્યો હતો, પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું કે, શાંતિ વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધશે તો સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હોર્મુઝની ખાડી ટૂંક સમયમાં જ ખુલી શકે છે, જ્યાંથી દુનિયાના ૨૦ ટકા ક્રૂડ ઓઈલ અને ગેસનો સપ્લાય થાય છે.
દરમિયાન ટ્રમ્પે ઓઈલ કટોકટી વચ્ચે અમેરિકામાં ખાતરના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, તેઓ ખાતરના ભાવ પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતો માટે ખર્ચમાં વધારામાં કોઈપણ વધારો તેઓ સ્વીકારશે નહીં. અમેરિકન ખેડૂતોને ટ્રમ્પ સરકારનું સંપૂર્ણ પીઠબળ છે. હોર્મુઝની ખાડી પર ઈરાનના નિયંત્રણના કારણે દુનિયામાં કુદરતી ગેસનો પુરવઠો ખોરવાઈ જવાના કારણે ખાતરના ભાવમાં પણ વધારો થયો છે.



