दुनिया

ઈસ્લામાબાદમાં શાંતિ કે છેતરામણી? અમેરિકા-ઈરાન મંત્રણા સામે 5 મોટા પડકારો | US Iran Ceasefire Islamabad Iran Delegation US Negotiating Delegation 5 Major Points



US Iran Ceasefire: મધ્ય પૂર્વમાં સર્જાયેલો તણાવ હવે કઈ દિશામાં જશે તે મધ્યસ્થી પાકિસ્તાનમાં આજે શનિવારથી શરૂ થનારી મંત્રણા પર નિર્ભર છે. ઇસ્લામાબાદ અમેરિકન અને ઈરાની પ્રતિનિધિઓની યજમાની કરી રહ્યું છે બંને દેશના ટોચના નેતાઓ પાક પહોંચી ચૂક્યા છે. મંત્રણાના પાયાથી લઈને અનેક મુદ્દાઓ હજુ પણ વણઉકેલ્યા છે.

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાને ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે, જેને તેમણે ‘વાતચીત માટે વ્યવહારુ આધાર’ ગણાવ્યો હતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ અમેરિકાના 15 મુદ્દાના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો, જે મુજબ ટ્રમ્પના ટોચના વાટાઘાટકારો માને છે કે તેનાથી સંઘર્ષ સમાપ્ત થઈ શકે છે. જો કે બંને પક્ષો દ્વારા આ પ્રસ્તાવો સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યા નથી, પરંતુ તે લીક થઈને પ્રકાશિત થઈ ચૂક્યા છે. બંને પક્ષોની અપેક્ષાઓના સંદર્ભમાં આ પ્રસ્તાવો એકબીજાથી ઘણા અલગ છે. મૂંઝવણ વધારતા વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે મીડિયામાં જે ઈરાની યોજનાની ચર્ચા થઈ રહી છે, તે તે નથી જે અમેરિકન અધિકારીઓને મળી છે.

1. ઈરાની પરમાણુ કાર્યક્રમ

અમેરિકાએ હંમેશા ઈરાન પર પરમાણુ હથિયારોના નિર્માણનો આરોપ લગાવ્યો છે અને તેને યુદ્ધનું મુખ્ય કારણ ગણાવ્યું છે, જો કે ઈરાને વારંવાર આ વાતનો ઇનકાર કર્યો છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે પાછલા વર્ષના 12 દિવસના યુદ્ધ અને વર્તમાન અમેરિકન તથા ઈઝરાયલ હુમલાઓને કારણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને એટલું નુકસાન થયું છે કે તેને ફરીથી ખતરો બને તે રીતે ઊભો કરવામાં ઘણો સમય લાગશે. જો કે, ઈરાન પાસે રહેલા અંદાજે 440 કિલોગ્રામ અત્યંત સંવર્ધિત યુરેનિયમના ભવિષ્ય અંગે શંકા યથાવત છે. માનવામાં આવે છે કે આ યુરેનિયમ ઇસ્ફહાન સ્થિત પરમાણુ કેન્દ્ર પર થયેલા હુમલાના કાટમાળ નીચે દબાયેલું છે. અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, ‘ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય, બસ વાત પૂરી.’ બીજી તરફ ઈરાન દાવો કરે છે કે કોઈપણ કરારમાં તેને નાગરિક ઉપયોગ માટે યુરેનિયમ સંવર્ધનનો અધિકાર મળવો જોઈએ. ટ્રમ્પની 15 મુદ્દાની યોજના મુજબ ઈરાને તમામ પરમાણુ પ્લાન્ટ નષ્ટ કરવા અને યુરેનિયમનો ભંડાર દેશની બહાર મોકલી દેવો પડશે.

2. ઈરાનની મિસાઈલ અને ડ્રોન

નવી શરતો મુજબ ઈરાન બેલેસ્ટિક મિસાઈલ નહીં બનાવે અને તેણે લાંબા અંતરની મિસાઈલોનું ઉત્પાદન રોકવું પડશે, તેમજ મધ્ય પૂર્વમાં તેના સહયોગીઓને ડ્રોન અને લશ્કરી નિકાસ બંધ કરવી પડશે. પેન્ટાગોનનું માનવું છે કે ઈરાનની 80 ટકા મિસાઈલ ફેસિલિટીઝ અને 90 ટકા હથિયારના કારખાના નષ્ટ થઈ ગયા છે. અગાઉ ઈરાને તેના મિસાઈલ કાર્યક્રમ પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે બદલાયેલા સંજોગોમાં તે આ પ્રતિબંધો સ્વીકારશે કે નહીં તે જોવાનું બાકી છે.

3. હોર્મુઝ સ્ટ્રેટ

ઈરાનની સૌથી મોટી તાકાત વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક પર નિયંત્રણ રાખવાની રહી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની ઈચ્છા દર્શાવી છે, જે સંકેત આપે છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા પરનો દબાણ ઓછો થઈ શકે છે. વિદેશ મંત્રી અરાઘચીએ જણાવ્યું હતું કે આગામી બે અઠવાડિયામાં સુરક્ષિત માર્ગ શક્ય બનશે. યુદ્ધની શરૂઆતથી જ ઈરાને અહીંથી પસાર થતા જહાજો માટે નવા નિયમો લાગુ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.

4. શું લેબનોન યુદ્ધવિરામ કરારનો હિસ્સો છે?

પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગીઓ લેબનોન સહિત દરેક જગ્યાએ તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઈરાન પણ તમામ મોરચે દુશ્મનાવટ ખતમ કરવા પર ભાર મૂકે છે. જો કે ઈઝરાયલ આ વાત સાથે સહમત નથી. બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું હતું કે બે સપ્તાહનો યુદ્ધવિરામ લેબનોન પર લાગુ થતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાલ ઈઝરાયલના વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તેવું લાગે છે અને તેમણે લેબનોનના યુદ્ધને ‘અલગ સંઘર્ષ’ ગણાવ્યો છે. ઈરાન લેબનોન પણ યુદ્ધવિરામનો હિસ્સો છે તેવો દાવો કરે છે. ત્યારે આજે ઈસ્લામાદ મળેલી બેઠકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શું ખિચડી રંધાય છે તેના પર ઘણું બધુ નિર્ભર છે.

આ પણ વાંચો: ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!

5. ટ્રમ્પના નિવેદનો

ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી અને આક્રમક નેતૃત્વ શૈલી તેમની કાર્યશૈલીનો ભાગ છે. તેમના સમર્થકો તેમની ‘મેડ મેન થીયરી’ ના વખાણ કરે છે, કારણ કે તે વિરોધીઓને મૂંઝવણમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. જો કે ઈરાન સાથેના આ યુદ્ધે ટ્રમ્પના આ વિશિષ્ટ અભિગમની કસોટી કરી છે. યુદ્ધના બદલાતા ઉદ્દેશ્યો અને વિનાશક ચેતવણીઓએ ટ્રમ્પની સત્તાને મજબૂત કરવાના બદલે નબળી પાડવાના સંકેતો આપ્યા છે. રાષ્ટ્ર પ્રમુખે એ તો બતાવી દીધું છે કે તેઓ યુદ્ધ શરૂ કરી શકે છે, પરંતુ શું હવે તેમનામાં તેને સમાપ્ત કરવાની ક્ષમતા છે?



Source link

Related Articles

Back to top button