ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો! | Mojtaba Khamenei Health Update: Secret Details of Injuries Revealed

![]()
Mojtaba Khamenei Health Update | ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ સત્તા સંભાળનારા તેમના પુત્ર અને વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ વિશે ગંભીર ખુલાસા થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અને અમેરિકાના ગુપ્તચર અહેવાલો અનુસાર, 28 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલા હવાઈ હુમલામાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં તેમણે પોતાનો એક પગ ગુમાવ્યો હોવાનું અને ચહેરો ખરાબ રીતે જખમી થયો હોવાનું સામે આવ્યું છે.
શા માટે સાર્વજનિક નથી થઈ રહ્યા મોજતબા?
8 માર્ચના રોજ તેમની નિમણૂક થયા બાદથી અત્યાર સુધી તેમનો કોઈ ફોટો કે વીડિયો જાહેર કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચહેરા પરના ઊંડા ઘા અને શારીરિક ઈજાઓને કારણે તેઓ કેમેરા સામે આવવાનું ટાળી રહ્યા છે. જોકે, ઈરાની મીડિયા તેમને ‘જાંબાઝ’ કહીને સંબોધિત કરી રહ્યું છે, જે એક રીતે તેમની ઈજાઓની સત્તાવાર પુષ્ટિ હોવાનું મનાય છે.
ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચલાવે છે શાસન
શારીરિક મર્યાદાઓ હોવા છતાં, મોજતબા માનસિક રીતે સંપૂર્ણ સક્રિય હોવાનું કહેવાય છે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકો કરી રહ્યા છે અને ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે થનારી શાંતિ વાર્તા તેમજ યુદ્ધના વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહ્યા છે. ઈરાનમાં તેમની ગેરહાજરીને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો અને મીમ્સ વાયરલ થઈ રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો સુરક્ષાના કારણોસર તેમને લો-પ્રોફાઇલ રાખવાનું યોગ્ય ગણાવી રહ્યા છે.
રીવોલ્યુશનરી ગાર્ડ્સનો વધતો પ્રભાવ
નિષ્ણાતોનું માનવું છે કે મોજતબા હાલમાં માત્ર નામમાત્રના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા હોય તેવું લાગે છે, જ્યારે અસલી સત્તા લશ્કરી નેતૃત્વ એટલે કે ‘રીવોલ્યુશનરી ગાર્ડ્સ’ પાસે છે. મોજતબાને સર્વોચ્ચ પદ સુધી પહોંચાડવામાં ગાર્ડ્સની મોટી ભૂમિકા રહી છે, તેથી હાલના સંજોગોમાં સૈન્ય નેતૃત્વનો અવાજ વધુ પ્રભાવી બની રહ્યો છે.
ઈસ્લામાબાદ મંત્રણા પર નજર
આ મહત્ત્વપૂર્ણ ખુલાસા એવા સમયે થયા છે જ્યારે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે નિર્ણાયક શાંતિ મંત્રણા શરૂ થઈ રહી છે. પડદા પાછળ રહીને શાસન ચલાવતા મોજતબા ખામેનેઈ ટ્રમ્પ પ્રશાસન સાથે કોઈ ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કરી શકશે કે કેમ, તેના પર આખી દુનિયાની નજર છે.



