ફ્રાન્સ વિન્ડોઝને પડતી મૂકી લિનક્સ વાપરશે | France to ditch Windows and switch to Linux

![]()
– ડિજિટલ સ્વતંત્રતા : માઈક્રોસોફ્ટ સહિતની અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ સાથે છેડો ફાડવાની યુરોપની તૈયારી
– ફ્રાન્સ સરકારી વિભાગોમાં ડેટાબેઝ, નેટવર્ક, સાયબર સુરક્ષા, એઆઈ ટૂલ્સ સહિત સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ પર અમેરિકન નિર્ભરતા ઘટાડશે
પેરિસ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશોના રાજકીય ઘર્ષણ વચ્ચે યુરોપના દેશોમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. ફ્રાન્સના નેતૃત્વમાં યુરોપના દેશો અમેરિકન ટેક્નોલોજી કંપનીઓના પ્રભુત્વને પડકારી રહ્યા છે. ફ્રાન્સે અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ સ્વતંત્રતા માટે સરકારી કમ્પ્યુટર સહિત સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમને અમેરિકન કંપની માઈક્રોસોફ્ટ વિન્ડોઝથી હટાવીને ફિનલેન્ડની ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ પર લઈ જવાની તૈયારી શરૂ કરી છે.
ફ્રાન્સનું આ પગલું મોટા સંકેત આપે છે. આગામી સમયમાં અન્ય દેશો પણ આ દિશામાં જઈ શકે છે. વિશેષરૂપે યુરોપના દેશો પણ વિદેશી ટેક્નોલોજી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા ચર્ચા કરી રહ્યા છે. ફ્રાન્સનું આ પગલું સંદેશો આપે છે કે ટેક્નોલોજી હવે માત્ર સુવિધા નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, રાજકારણ અને નિયંત્રણ સાથે સંકળાયેલી છે.
ફ્રાન્સ અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડીને પોતાના દેશમાં ડિજિટલ દુનિયા પર પોતાનું જ નિયંત્રણ ઈચ્છે છે. આ કારણથી પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંના નેતૃત્વમાં સરકારનો નિર્ણય માત્ર સોફ્ટવેર બદલવાથી આગળ ઘણો મહત્વનો છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ફ્રાન્સ પોતાનો ડેટા અને ડિજિટલ સિસ્ટમ પર પોતાનો જ અધિકાર રાખે, જે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ પર શક્ય નથી.
બીજીબાજુ લિનક્સ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે તેનો કોઈપણ ઉપયોગ કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે, જે લિનક્સની વિશેષતા છે. વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ પર અમેરિકન કંપની માઈક્રોસોફ્ટનું નિયંત્રણ હોય છે જ્યારે લિનક્સમાં કોઈપણ દેશ પોતાની જરૂરિયાત મુજબથી સિસ્ટમમાં ફેરફાર કરી શકે છે. આ કારણથી ફ્રાન્સ હવે આ દિશામાં મોટું પગલું ઉઠાવી રહ્યું છે.
ફ્રાન્સ સરકારના આ નિર્ણયથી ડેટાબેઝ બદલાઈ જશે. અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ પર ફ્રાન્સની નિર્ભરતા ઘટી જશે. ફ્રાન્સની ડિજિટલ એજન્સી ડિનુમે સરકારના આ નિર્ણયની પુષ્ટી કરી છે. મૈંક્રોની યોજના મુજબ સરકારના બધા જ વિભાગોને ધીમે ધીમે વિન્ડોઝમાંથી લિનક્સ પર શિફ્ટ કરાશે. આ માટે દરેક મંત્રાલયને ૨૦૨૬ સુધીમાં પોતાની યોજના તૈયાર કરવા કહેવાયું છે. તેમાં માત્ર ડિજિટલ સિસ્ટમ જેવા ડેટાબેઝ, નેટવર્ક, સાયબર સિક્યોરિટી અને એઆઈ ટૂલ્સનો પણ સમાવેશ થશે.
ફ્રાન્સ છેલ્લા કેટલાક સમયથી અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ સાથે છેડો ફાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પહેલા ફ્રાન્સે માઈક્રોસોફ્ટ ટીમ્સ અને ઝૂમ જેવા પ્લેટફોર્મ્સને પણ હટાવવાનો નિર્ણય કર્યો હતો અને તેની જગ્યાએ પોતાના દેશમાં બનેલા વીડિયો કોલિંગ ટૂલનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. રિપોર્ટ્સ મુજબ ફ્રાન્સના લાખો સરકારી કમ્પ્યુટર આ પરિવર્તનનો ભાગ હશે, જે દુનિયાના સૌથી મોટા સોફ્ટવેર માઈગ્રેશનમાંથી એક હોઈ શકે છે.
ફ્રાન્સના આ પગલાંથી માત્ર ટેક્નોલોજીમાં પરિવર્તન જ નહીં આવે, પરંતુ ખર્ચ અને ડેટા સિક્યોરિટી પર પણ અસર થશે. જોકે, ફ્રાન્સ માટે આ રસ્તો સરળ નહીં હોય. વિન્ડોઝમાંથી લિનક્સ પર જવું એ માત્ર સોફ્ટવેર બદલવા જેવું નથી પરંતુ સંપૂર્ણ સિસ્ટમ, ટ્રેઈનિંગ અને વર્ક ફ્લો બદલવા સમાન છે.



