મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી | america lost iran war saudi arabia uae qatar kuwait missile attack us airbase

Iran Missile Attack on US Bases: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષે વૈશ્વિક શક્તિ સંતુલનનું આખું ચિત્ર બદલી નાખ્યું છે. જે અમેરિકન સૈન્ય મથકો એક સમયે તેની તાકાતનું પ્રતિક મનાતા હતા, તે હવે તેની સૌથી મોટી નબળાઈ સાબિત થઈ રહ્યા છે. ઈરાનના વળતા હુમલાઓએ સાઉદી અરેબિયા, યુએઈ(UAE), કતાર અને બહેરીન જેવા દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે અખાતી દેશોમાં આવેલા અમેરિકાના અંદાજે એક ડઝન જેટલા સૈન્ય ઠેકાણાઓ એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે કે હવે તેનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બની ગયો છે. જોકે, ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી આ નુકસાનની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી.
સૈન્ય મથકોની સુરક્ષા પર ઉઠ્યા સવાલો
મધ્ય પૂર્વના રાજકારણના નિષ્ણાતોના મતે, અમેરિકાએ દાયકાઓથી જે તાકાતનું માળખું ઊભું કર્યું હતું, તેને ઈરાને માત્ર એક મહિનામાં જ નિષ્ક્રિય કરી દીધું છે. બહેરીન, કુવૈત અને કતારમાં આવેલા આ ઠેકાણાઓ પર અવરજવર ખૂબ જ મર્યાદિત કરી દેવામાં આવી છે. ખાસ કરીને બહેરીનમાં અમેરિકન નૌકાદળના ‘ફિફ્થ ફ્લીટ’ના હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે અત્યાર સુધી અમેરિકાની દરિયાઈ શક્તિનું કેન્દ્ર ગણાતું હતું. હવે સ્થિતિ એવી છે કે આ વિસ્તારો અત્યંત અસુરક્ષિત બની ગયા છે અને ભવિષ્યમાં ત્યાં ફરીથી પહેલા જેવી સૈન્ય પકડ જમાવવી અમેરિકા માટે પડકારજનક રહેશે.
બદલાતા સમીકરણો અને સુરક્ષાની ચિંતા
વર્ષ 1990ના અખાતી યુદ્ધ પછી અમેરિકાએ આ વિસ્તારમાં 19 જેટલા મોટા સૈન્ય મથકો બનાવીને લગભગ 50,000 સૈનિકો તહેનાત કર્યા હતા. આ વ્યવસ્થાથી અખાતી દેશોને સુરક્ષા મળતી હતી અને બદલામાં અમેરિકાને ઓઇલ તથા વ્યૂહાત્મક પકડ મળતી હતી. પરંતુ હવે આ સમીકરણો બદલાઈ રહ્યા છે. આ સૈન્ય મથકો હવે સુરક્ષા આપવાને બદલે હુમલાઓનું મુખ્ય નિશાન બની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે અમેરિકાની સુરક્ષા ગેરંટી પરનો ભરોસો ડગમગી રહ્યો છે અને અખાતી દેશો હવે પોતાની સુરક્ષા માટે નવા વિકલ્પો વિશે વિચારવા મજબૂર બન્યા છે.




