‘ઈઝરાયલ માનવતા માટે અભિશાપ અને કેન્સર જેવું…’, પાકિસ્તાનના મંત્રીનું નિવેદન, નેતન્યાહૂ ભડકતાં પોસ્ટ ડિલીટ કરી | Israel Warns Pakistan Over Khawaja Asif’s Controversial Statement US Iran Talks

Israel Warns Pakistan : ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહેલું પાકિસ્તાન અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. લેબેનોન પર ઇઝરાયલના હુમલા બાદ પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણીએ નવો વિવાદ છેડ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ઇઝરાયલ વિરુદ્ધ આવા નિવેદનો સહન કરવામાં આવશે નહીં.
શું કહ્યું હતું ખ્વાજા આસિફે?
પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ વિરુદ્ધ ઝેર ઓકતા તેને “માનવતા માટે અભિશાપ” અને “કેન્સર જેવો દેશ” ગણાવ્યો હતો. તેમણે લેબનોનમાં થઈ રહેલા હુમલાઓને ‘નરસંહાર’ ગણાવતા કહ્યું કે, “જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નિર્દોષ નાગરિકોને મારવામાં આવી રહ્યા છે. જે લોકોએ પેલેસ્ટાઇનની જમીન પર આ દેશ બનાવ્યો છે, તેઓ નર્કમાં બળે.”

ઇઝરાયલનો વળતો પ્રહાર
ખ્વાજા આસિફના આ નિવેદન બાદ ઇઝરાયલી પીએમઓ (PMO) એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઇઝરાયલના વિનાશની અપીલ અત્યંત વાંધાજનક છે. પીએમઓએ ઉમેર્યું કે, “કોઈપણ સરકાર આવું નિવેદન સહન કરી શકે નહીં, ખાસ કરીને એવા દેશ તરફથી જે પોતે શાંતિ માટે ‘નિષ્પક્ષ મધ્યસ્થી’ હોવાનો દાવો કરતું હોય.” ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદઓન સારે આ નિવેદનને યહૂદી વિરોધી ગણાવીને પાકિસ્તાનની આકરી ટીકા કરી છે.
વાટાઘાટો પર જોખમ?
એકબાજુ 11 એપ્રિલે પાકિસ્તાનમાં મહત્વની બેઠક યોજાવાની છે, ત્યારે બીજી તરફ લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં 300 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાને ચેતવણી આપી છે કે આ હુમલાઓને કારણે શાંતિ વાટાઘાટોનો કોઈ અર્થ રહેતો નથી. જોકે, નેતન્યાહુએ સંકેત આપ્યા છે કે ઇઝરાયલ લેબનોન સાથે સીધી શાંતિ વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.



