બૈરુતમાં 254નાં મોત વચ્ચે આજે પાક.માં અમેરિકા અને ઇરાનની શાંતિમંત્રણા | America and Iran call for peace in Pakistan today amid 254 deaths in Beirut

![]()
– યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલે લેબનોન પર હુમલો કરી બાજી બગાડી
– ઇઝરાયેલના હુમલાથી વીફરેલા ઇરાને હોર્મુઝની ખાડીમાંથી માઈન્સ ના હટાવતા ટ્રમ્પ ધુંઆપુંઆ, નાટો દેશોને સાથ આપવા અલ્ટિમેટમ
– લેબનોનમાં હુમલા રોકવા એ યુદ્ધવિરામનો જ ભાગ : ઇરાન
– હિઝબુલ્લાના આંતકીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે : નેતન્યાહુ
તહેરાન, વોશિગ્ટન : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત તો થઈ ગઈ અને શુક્રવારથી શાંતિમંત્રણા પણ શરૂ થશે, પરંતુ હજી પણ પશ્ચિમ એશિયામાં શાંતિ નથી. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરૂત સહિતના સ્થળોએ કરેલા બોમ્બાર્ડિંગમાં ૨૫૪ના મોત થયા છે અને ૧,૧૬૫ લોકો ઇજા પામ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ સ્પષ્ટ જણાવી દીધું છે કે લેબનોને યુદ્ધવિરામમાં સામેલ નથી.
ઇઝરાયેલનો હીઝબુલ્લાહના વડાના સલાહકારને ખતમ કરવાનો દાવો
ઇઝરાયેલે લેબનોનમાં મોટું ઓપરેશન ચલાવતા હીઝબુલ્લાહના ચીફ નઇમ કાસિમના સલાહકારને મારી નાખ્યો હતો. તેમણે હીઝબુલ્લાહ પ્રમુખના નજીકના સલાહકાર પર હુમલો કરીને તેને ખતમ કર્યો હતો. આઇડીએફે બૈરૂતમાં હુમલો કર્યો અને હીઝબુલ્લાહના મહાસચિવ નઇમ કાસિમના અંગત સચિવ અને ભત્રીજા અલી યુસુફ હર્શીને ઠાર કર્યો. હર્શી કાસિમના ગાઢ સહયોગી અને ખાનગી સલાહકાર હતા. કાસિમની ઓફિસનું કામકાજ સંભાળવાથી લઈને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા હતી. સંરક્ષણપ્રધાન કાટ્ઝે જણાવ્યું હતું કે ઓપરેશન બીપર્સ પછી હીઝબુલ્લાહને સૌથી મોટો ઝાટકો માર્યો છે. હીઝબુલ્લાહના લડાકુઓને મોટી સંખ્યામાં ઠાર કર્યા છે.
ઇઝરાયેલના લેબનોન પરના હુમલાથી ઇરાનની મંત્રણા પર અસર પડવાની ધમકી
ઇઝરાયેલના હુમલાના લીધે થયેલા મોતના લીધે લેબનોનમાં ગુરુવારે શોક દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘાચીએ ચેતવણી આપી છે કે અમેરિકાએ યુદ્ધળિરામ અથવા તો ઇઝરાયેલના માધ્યમથી યુદ્ધ ચાલુ રાખવુ તે બેમાંથી એકની પસંદગી કરવી પડશે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં અરાઘચીએ જણાવ્યું હતું કે ઇરાન-અમેરિકા યુદ્ધવિરામની શરતો સ્પષ્ટ અને સાફ છે. ઇરાનના વરિષ્ઠ અધિકારીએ અલ જજીરાને જણાવ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા અપરાધ અને યુદ્ધવિરામની શરતોના ભંગ બદલ ઇરાન તેને સજા આપશે. અધિકારીએ જણાવ્યું હતું કે લેબનોન પણ યુદ્ધળિરામના ક્ષેત્રમાં સામેલ છે. ઇરાને ચેતવણી આપી છે કે ઇઝરાયેલના લેબનોન પર સતત હુમલા સમજૂતી તૂટવાનું કારણ બની શકે છે અને હોર્મુઝમાં નવેસરથી તનાવ સર્જી શકે છે.
પાકિસ્તાનમાં આજથી અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિમંત્રણા
અમેરિકા અને ઇરાન વચ્ચેની શાંતિ મંત્રણ વિશ્વએ આતંકવાદી દેશ તરીકે માનેલા અને વિશ્વસનીય દેશોની યાદીમાં ૯૦માં ક્રમે આવતા ઇસ્લામાબાદમાં થઈ રહી છે. અમેરિકા અને ઇરાન બે સપ્તાહના શરતી યુદ્ધવિરામ પર સંમત થયા છે. ઇરાનના પાકિસ્તાન ખાતેના રાજદૂતે આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલે લેબનોનમાં યુદ્ધવિરામના કરેલા ભંગના કારણે આ શાંતિમંત્રણા ખોરંભે પડી શકે છે. અમેરિકન પ્રતિનિધિમંડળ જેડી વેન્સના નેજા હેઠળ ઇસ્લામાબાદ આવી પહોંચશે. તેમની સાથે બે હાર્ડકોર યહૂદી સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનેર હશે. આના પગલે આખા ઇસ્લામાબાદને હાઇ સિક્યોરિટી ઝોનમાં પરિવર્તીત કરી દેવાયું છે. આખા ઇસ્લામાબાદમાં ગુરુવાર અને શુક્રવારની રજા આપી દેવામાં આવી છે. ઇઝરાયેલે લેબનોન પર હુમલા કરતાં આ મંત્રણા અર્થવિહીન રહી શકે તેવી ચેતવણી હેઠળ આ મંત્રણાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિધિની વક્રતા જુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયેલના સતત વિરોધી રહેલું પાકિસ્તાન આ બે યહૂદીઓને આવકારશે અને ઇરાન તેમની સાથે મંત્રણા કરશે.
ઇરાન હોર્મુઝમાંથી સુરંગ નહીં હટાવે, નિર્ધારિત નકશા મુજબ ચાલવું પડશે
આ દરમિયાન ઇરાને ઇઝરાયેલના લેબનોન પરના હુમલાના પગલે હોર્મુઝમાંથી બીછાવેલી સુરંગો હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે તેણે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો માટે નવી એડવાઇઝરી જારી કરી છે. આ સાથે જહાજોને નવા મેપ આધારિત રુટ પર ચાલવાનો નિર્દેશ આપ્યો છે. આમ હોર્મુઝ સંપૂર્ણપણે ખૂલવાની સ્થિતિ હજી સુધી સ્પષ્ટ નથી. ઇરાને જણાવ્યું છે કે જહાજોએ નવી ટ્રાફિક પેટર્નનું પાલન કરવું પડશે, જેથી સમુદ્રની સુરક્ષા સુનિશ્ચિત કરી શકયા, સુરંગોના સંપર્કનું જોખમ ઘટે. એડવાઇઝરીમાં જહાજો માટે ખાસ એન્ટ્રી અને એક્ઝિટ કોરિડોર નક્કી કરવામાં આવ્યા છે. જહાજોએ ત્યાંથી પસાર થતી વખતે ઇરાનના નેવી સાથે સંપર્ક જાળવી રાખવો પડશે.
લેબનોન યુદ્ધવિરામ પ્રસ્તાવનો હિસ્સો: પેજેકિશ્યન
અમેરિકા-ઇરાન વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ લાગુ થયા પછી ટ્રમ્પના એક નિવેદન સામે ઇરાને આકરો વિરવ્ધ વ્યક્ત કર્યો. ટ્રમ્પે જણાવ્યું હતુ કે લેબનોને યુદ્ધવિરામ સમજૂતીમા સામેલ નથી. તેનું કારણ એ છે કે ત્યાં હીઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે. તેની સામે ઇરાનની દલીલ છે કે લેબનોન યુદ્ધવિરામ પ્રસ્તાવનો હિસ્સો છે અને તેને જુદા ન પાડી શકાય. એક પોસ્ટમાં પેજેકિશ્યને જણાવ્યું છે કે લેબનોન પર ઇઝરાયેલના હુમલા યુદ્ધવિરામની સમજૂતીનો ભંગ કરે છે.તેનાથી વાતચીત અધૂરી રહેશે. ઇરાની સંસદના વડા ગલિબાફે પણ આ જ વાત કહી હતી.
હોર્મુઝને લઈને યુરોપ ચિંતિત
યુરોપીયન સંઘે સ્પષ્ટ જણાવ્યું છે કે હોર્મુઝની ખાડીમાં જહાજોનું આવાગમન કોઈપણ પ્રકારના વેરા વગર થવું જોઈએ. ઇરાને હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની વાત કહ્યા પછી યુરોપે આ જણાવ્યું હતું. યુરોપે જણાવ્યું હતું કે આ સ્વતંત્ર રસ્તો આખા વિશ્વ માટે મહત્ત્વનો છે અને ત્યાં સ્વતંત્ર રીતે આવનજાવન જરૂરી છે. આ દરમિયાન આ યુદ્ધમાં ઇરાનમાં મરનારાઓની સંખ્યા ત્રણ હજારને વટાવી ગઈ છે.
અમે ઇરાનને શસ્ત્રો આપ્યા નથી: ચીન
ચીનના સંરક્ષણ મંત્રાલયે તે અહેવાલ નકારી કાઢ્યા છે કે ચીને ઇરાનને લશ્કરી સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ચીનના વિરોધમાં ચલાવવામાં આવી રહેલા આ દુષ્પ્રચારનો અમે આકરો વિરોધ કરીએ છીએ.
વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે કેટલીક ખાનગી ચાઇનીઝ કંપનીઓ યુદ્ધ દરમિયાન અમેરિકન દળોની હિલચાલ અંગે ઇરાનને માહિતી આપતી હતી. આ કંપનીઓમાંથી અમુક કંપની ચીનના પીપલ્સ લિબરેશન આર્મી સાથે જોડાણ ધરાવતી હતી. રોઇટર્સે જણાવ્યું હતું કે ચીનના સૌથી મોટા ચિપ ઉત્પાદકે ઇરાનના લશ્કરે ચિપ્સ પૂરી પાડી હતી.
નેતન્યાહુને લેબનોન સીધી મંત્રણા કરવાનો અધિકાર
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જમાવ્યું હતું કે તેમને લેબનોન સાથે શક્ય તેટલી સીધી મંત્રણા કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. નેતન્યાહુએ જણાવ્યું હતુ કે તેમણે લેબનોનના વડાપ્રધાનની વિનંતીનો પ્રતિસાદના પગલે આ તૈયારી દાખવી છે. તેમણે જણાવ્યું હતું કે લેબનોનના વડાપ્રધાન સાથેની મંત્રણાનો આધાર હીઝબુલ્લાહને શસ્ત્રવિહીન કરવા પર અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવા પર રહેશે. લેબનોન પાસેથી હજી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
યુદ્ધવિરામ દરમિયાન ઇરાન હોર્મુઝમાંથી રોજ 15 જહાજ પસાર થવા દેશે
તહેરાન : અમેરિકાના સાથેના યુદ્ધવિરામ દરમિયાને ઇરાને હોર્મુઝની ખાડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇરાને જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ છે તે ૧૫ દિવસ સુધી હોર્મુઝની ખાડીમાં રોજના ૧૫થી વધુ વેપારી જહાજને નહી જવા દે. ઇરાનના નેવીએ બુધવારે જણાવ્યું હતું કે હજી પણ હોર્મુઝમાં આવવા જવા માટે ઇરાનના નૌકાદળની મંજૂરીની જરૂર પડશે. જો કાઈ જહાજ મંજૂરી વગર જશે તો તેને ઉડાવી દેવામાં આવશે.
ઇરાનના પરમાણુ એજન્સીના વડાની ચેતવણી
શાંતિમંત્રણા અમારા યુરેનિયમ સંવર્ધનના અધિકારના ભોગે નહીં
તહેરાન : અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં યુદ્ધવિરામ વચ્ચે ઇરાનની પરમાણુ એજન્સીના પ્રમુખ મોહમ્મદ ઇસ્લામીએ મોટું નિવેદન આપ્યું છે. ઇસ્લામીએ ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકા સાથેની શાંતિ મંત્રણા દરમિયાન ઇરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારની જાળવણી થવી જોઈએ
ઇરાનની પરમાણુ એજન્સીના પ્રમુખ મોહમ્મદ ઇસ્લામીએ દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈની સ્મૃતિ સભા દરમિયાન કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ બાબત ેત આવશ્યક બાબતોમાં એક છે જેના અંગે કોઈપણ પ્રકારનું સમાધાન ન સ્વીકારી શકાય.
તેમણે ઇરાનની ૧૦ સૂત્રીય યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમેરિકા આ પ્રસ્તાવના ત્રણ પોઇન્ટનો પહેલા જ ભંગ કરી ચૂક્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે અમેરિકા દ્વારા ઇરાનના યુરેનિયમ સંવર્ધનને ઇન્કાર કરવો તે દસ પોઇન્ટના પ્રસ્તાવના છઠ્ઠા પોઇન્ટનો ભંગ છે.
તેમણે અમેરિકા દ્વારા આ નિયમોના ભંગ છતાં વાતચીત કે મંત્રણાના વ્યવહારુ માટે તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે.



