ટ્રમ્પની મુશ્કેલીઓ તો હવે શરૂ થશે : મંત્રણામાં ઇરાન પાંચ- પાંચ રીતે હાવી થવા સંભવ રહેલો છે | Trump’s troubles will begin now: Iran is likely to dominate in talks in five ways

![]()
– અમેરિકી પ્રમુખ હવે સમજી ગયા છે કે 40 દિવસ પછી મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે : આ યુદ્ધે ઇરાનને તેનું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર આપ્યું છે
નવી દિલ્હી : ૪૦ દિવસના યુદ્ધ પછી અમેરિકા અને ઇરાન બે સપ્તાહ સુધી યુદ્ધવિરામ માટે સહમત થયા છે. હવે બંને દેશોના પ્રતિનિધિઓ શુક્રવારે ઇસ્લામાબાદમાં મંત્રણા માટે મળવાના છે તે દરમિયાન એક આખરી નિર્ણય ઉપર આવવાના પ્રયત્ન કરવામાં આવશે. જેથી મધ્યપૂર્વમાં તંગદિલી ઘટી શકે પરંતુ આ મંત્રણામાં ઇરાનના હાથમાં પાંચ એક્કાઓ છે.
(૧) હોર્મુઝ : હોર્મુઝ સમુદ્રધુની (સ્ટ્રેઇટસ) ઉપર ઇરાને કબ્જો જમાવી દીધો છે. પહેલાં હોર્મુઝ ઉપર ઇરાને કદી દાવો કર્યો ન હતો પરંતુ હવે તે હોર્મુઝ ઉપર કબ્જો જમાવી પોતાની તાકાત દર્શાવી રહ્યું છે. તે ત્યાંથી અંદર કે બહાર જતા જહાજો ઉપર ટોલ-ટેક્સ નાખવા તૈયાર થયું છે. આમ, જાણે કે, અમેરિકાએ જ ઇરાનને કમાણીનો એક માર્ગ દેખાડી દીધો છે.
(૨) પૂરી તાકાત લગાડી છતાં ટ્રમ્પ નિષ્ફળ : સૌથી મહત્ત્વની વાત તે છે કે આટલા હુમલા છતાં ઇરાનની સરકાર ટકી રહી છે. વાસ્તવમાં આ હુમલા કરવા પાછળનો ટ્રમ્પનો એક હેતુ ત્યાં સરકાર બદલવાનો પણ હોઈ શકે પરંતુ આટલું નુકસાન સહન કર્યા છતાં ય તેણે દુનિયાને દેખાડી આપ્યું છે કે, પ્રચંડ હુમલાઓ છતાં તેને ટક્કર મારીને ટકી શકી છે. સીઝ ફાયર પછી પણ તેણે કેટલોક સમય યુદ્ધ ચાલુ રાખ્યું હતું અને મિસાઇલ્સ છોડતું રહ્યું હતું તે રોકી શકાયું નહીં.
(૩) ૪૦૦ કિ.ગ્રા. સંવર્ધિત યુરેનિયમ : ટ્રમ્પને પોતાને ખબર છે કે, ઇરાન પાસે શુદ્ધ કરેલું ૪૦૦ કિ.ગ્રા. સંવર્ધિત યુરેનિયમ છે જે ૧૦ એટમ બૉમ્બ બનાવવા માટે પૂરતું છે. ઇરાન કહે છે કે યુરેનિયમ એન્ટિચમેન્ટ પ્રોગ્રામ શાંતિમય હેતુઓ માટે કરે છે. એટમ બૉમ્બ બનાવવા માટે નહીં પરંતુ અમેરિકાને શંકા છે કે તે ખોટું બોલે છે તે પરમાણુ શસ્ત્રો બનાવશે જ.
(૪) ટ્રમ્પની મજબૂરી : જો યુદ્ધ ફરી શરૂ થાય તો ઇરાન ઝનૂને ચઢે. શાંતિ પ્રક્રિયા મુશ્કેલ બને. યુદ્ધ મધ્ય-પૂર્વમાં પણ પ્રસરે દુનિયા તેલ વગર સંકટમાં પડી જાય. વિશ્વભરના અર્થતંત્રો ઉપર તેની ગંભીર અસર થાય. આ ઇરાનનું બ્રહ્માસ્ત્ર બની રહે તેમ છે.
(૫) શબ્દોની જંજાળ : ટ્રમ્પે તેમ કહ્યું કે, ‘ઇરાનની સભ્યતા જ ખતમ કરી નાખીશ.’ તેથી ઇરાન વિક્ટિમ સીન્ડ્રોમમાં દુનિયાની નજરમાં આવી જતા દુનિયાનું વલણ ઇરાન માટે કૂણું રહ્યું છે. અમેરિકાના લોકો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના જ સભ્યો ટ્રમ્પ વિરૂદ્ધ પડયા છે. ઇરાનમાં હવે જન સામાન્ય દેશ માટે સરકાર તરફે વળ્યા છે. વાસ્તવમાં યુદ્ધ પૂર્વે બહુ સંખ્ય લોકો ખામેનેઇ (જુ) અને તે પૂર્વે સિનિયર વિરૂદ્ધ હતા તેઓ તેના તરફે વળ્યા છે.



