दुनिया

સીઝફાયર પર સંકટ? ઈઝરાયલનો દાવો- હિઝબુલ્લાહના વડાનો ભત્રીજો ઠાર | Middle East Tensions Rise as Israel Targets Hezbollah Chief’s Nephew in Beirut



Israel Attacks Lebanon: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના સંભવિત યુદ્ધવિરામ (સીઝફાયર)ની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે જ આ ક્ષેત્રમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે લેબનોનની રાજધાની બેરૂતમાં કરેલા હુમલામાં હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ હરશીને ઠાર કર્યો છે.

IDFનો મોટો એરસ્ટ્રાઈક

અહેવાલો અનુસાર, ઈઝરાયલી સૈન્ય (IDF)એ દાવો કર્યો છે કે, બેરૂત વિસ્તારમાં મોડી રાત્રે એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ હુમલામાં હિઝબુલ્લાહના વડા નઇમ કાસિમના અંગત સચિવ અને તેમના ભત્રીજા અલી યુસુફ હરશીને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં હરશીને ઠાર માર્યો છે. જો કે, આ હુમલા અંગે હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અલી યુસુફ હરશી માત્ર નઈમ કાસિમનો સંબંધી સહિત સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હોવાનું મનાય છે. જો આ સમાચાર સાચા સાબિત થાય છે, તો આગામી દિવસોમાં હિઝબુલ્લાહ વળતો પ્રહાર કરી શકે છે, જે સીઝફાયરની આશા પર પાણી ફેરવી શકે છે.

આ પણ વાંચો: ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ

લેબેનોનમાં લોહિયાળ દિવસ: 254ના મોત

લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષમાં આ સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 254થી વધુ લોકોના મોત થયા છે અને 1100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મલબા નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ આક્રમકતા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ બની રહ્યું છે. લેબેનોનના રાષ્ટ્રપતિએ રોષે ભરાતા કહ્યું હતું કે, ઈઝરાયલ તમામ માનવીય મૂલ્યોની નેવે મૂકીને શાંતિના પ્રયાસોને નજરઅંદાજ કરી રહ્યું છે.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ બંધ કર્યો

આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન આ યુદ્ધવિરામનો ભાગ નથી અને હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને આક્રમક વલણ અપનાવતા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે અને ચેતવણી આપી છે કે જો લેબેનોન પર હુમલા નહીં અટકે તો તેઓ યુદ્ધવિરામ કરારમાંથી પાછળ હટી જશે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને પ્રમુખ મસૂદ પેજેશ્કિયાનનું કહેવું છે કે લેબેનોનમાં યુદ્ધવિરામ એ કરારની મુખ્ય શરત હતી અને જો અમેરિકા તેની પ્રતિબદ્ધતાઓ પાળવામાં નિષ્ફળ રહેશે તો શાંતિના પ્રયાસો ખોરવાઈ જશે.



Source link

Related Articles

Back to top button