ઇઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા : 90નાં મોત, 700 ઘાયલ | Israel’s fierce attacks on Lebanon: 90 dead 700 injured

![]()
– ઇરાન સાથેના યુદ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ નહીં: ટ્રમ્પ
– બૈરૂતમાં હીઝબુલ્લાહના 100 મથકો પર 10 જ મિનિટમાં એક સાથે હુમલો કરીને પ્રચંડ પ્રહારનો આઇડીએફનો દાવો
– ઇઝરાયેલના હુમલાને યુદ્ધવિરામનો ભંગ ગણાવીે ઇરાને ફરીથી હોર્મુઝની ખાડી બંધ કરી દીધી
બૈરૂત : ઇઝરાયેલે લેબનોન પર કરેલા ભીષણ હુમલામાં ૯૦નાં મોત થયા છે અને ૭૦૦થી પણ વધુ લોકો ઇજા પામ્યા છે. ઇઝરાયેલને લેબનોનની રાજધાની બૈરુત પર કોઈપણ પ્રકારની ચેતવણી વગર યુદ્ધવિરામ થયા પછીના ગણતરીના કલાકોમાં આ હુમલો કર્યો હતો. આના પગલે યુદ્ધવિરામનો આનંદ મનાવી રહેલા લેબનોનવાસીઓમાં હડકંપ મચી ગયો હતો.
ઇઝરાયેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે અમેરિકા-ઇરાન અને ઇઝરાયેલના યુદ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ થતો નથી. ઇઝરાયેલની આ વાતને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ સમર્થન આપ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે લેબનોનમાં હીઝબુલ્લાહ જૂથ છે અને તેની સાથે અમારા કોઈ કરાર થયા નથી. અમારા કરાર ઇરાન સાથે જ થયા છે. ઇઝરાયેલના હુમલા અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે લેબનોનમાં છૂટાછવાયા હુમલા થતાં રહે છે. ઇરાને તેનાથી વિપરીત ઇઝરાયેલના આ પગલાંને યુદ્ધવિરામનો ભંગ ગણાવીને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે હવે જો કોઈ જહાજ હોર્મુઝની ખાડીમાંથી મંજૂરી વગર પસાર થશે તો તેને ઉડાવી દઇશું
ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે લેબનોનમાં બૈરૂત, દક્ષિણ લેબનોન અને ઇસ્ટર્ન બેક્કા વેલીમાં એકસાથે દસ જ મિનિટમાં હીઝબુલ્લાહના ૧૦૦થી વધુ ઠેકાણા પર હુમલો કર્યો હતો અને તેના ઇન્ફ્રાસ્ટ્રકચરને જબરદસ્ત ફટકો માર્યાનો દાવો કર્યો છે. આના પગલે બેરુતના કેટલાય ભાગોમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને આગ ફાટી નીકળી હતી. લેબનોનવાસીઓમાં યુદ્ધવિરામનો આનંદ લાંબો સમય ટક્યો ન હતો. ઇઝરાયેલે તેના આ હુમલાને અત્યાર સુધીને સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો.
આ હુમલાના પગલે બૈરુતના અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં એમ્બ્યુલન્સોની સતત દોડધામ ચાલુ રહી હતી. પત્રકારોએ કેટલાય મૃતદેહો ક્ષતવિક્ષત સ્થિતિમાં પડેલાં જોયા હતા. હીઝબુલ્લાહે હજી સુધી તેનો વળતો પ્રહાર કર્યો નથી. જો કે આગામી દિવસોમાં તે વળતો જવાબ આપશે તો આશ્ચર્ય નહી થાય. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે ચેતવણી આપી હતી કે હવે વારો હીઝબુલ્લાહના નેતા નસીમ કાસીમનો છે. ૨૦૨૪માં ઇઝરાયેલે હીઝબુલ્લાહના આગેવાન હસન નસરલ્લાહને મારી નાખ્યો હતો.



