સમગ્ર અમેરિકામાં ઇરાનના સાઇબર હુમલાઓ, વ્યવસ્થા ખોરવવા પ્રયાસ | Iran’s cyber attacks across America attempts to disrupt order

![]()
– એફબીઆઇ સહિતની એજન્સીઓએ ચેતવણી જાહેર કરી
– અમેરિકાની પાણી પુરવઠા વ્યવસ્થા, એનર્જી સેક્ટર સહિત મહત્વના ક્ષેત્રો નિશાના પર, સાઇબર ગ્રુપને ઇરાની સૈન્યનું સમર્થન
વોશિંગ્ટન : ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદીલીને કારણે એકબીજા પર સાઇબર હુમલાનો ખતરો પણ વધી રહ્યો છે. અમેરિકાની એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઇએ ચેતવણી આપી છે કે ઇરાન સાથે જોડાયેલા સાઇબર ગ્રુપ અમેરિકા પર સાઇબર એટેક કરી રહ્યા છે. અને અમેરિકાના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવી રહ્યા છે. જાહેર જનતા માટેની વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
એફબીઆઇના જણાવ્યા મુજબ આ હુમલો જળ પુરવઠો, એનર્જી સેક્ટર વગેરેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ હુમલાઓમાં ઓટોમેશન સાથે જોડાયેલા ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ ખાસ કરીને પ્રોગ્રામેબલ લોજિક કન્ટ્રોલરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ ચેતવણી માત્ર એફબીઆઇએ જ નહીં અન્ય એજન્સીઓએ પણ જાહેર કરી છે, જેમાં નેશનલ સિક્યોરિટી એજન્સી એનએસએ, ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સહિત અનેક એજન્સીઓએ સંયુક્ત રીતે એડવાઇઝરી જાહેર કરી હતી અને ગંભીર ખતરાની ચેતવણી આપી છે.
જેમાં દાવો કરાયો છે કે ઇરાન સાથે જોડાયેલા હેકર્સ વિદેશી આઇપી એડ્રેસ દ્વારા અમેરિકાની ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે માઇક્રોસોફ્ટે પણ સાઇબર ખતરાનો ખુલાસો કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ રશિયા સાથે જોડાયેલા એક સાઇબર ગ્રુપ ફોરેસ્ટ બ્લિઝાર્ડ હજારો ઇન્ટરનેટ ડિવાઇસ, રાઉટર્સ વગેરેને હેક કરી રહ્યું છે. અત્યાર સુધી રૂ. ૫૦૦૦થી વધુ ડિવાઇસ અને આશરે ૨૦૦ જેટલી સંસ્થાઓ તેનો ભોગ બની છે.
બીજી તરફ ઇરાને પણ આરોપ લગાવ્યો છે કે તેમના દેશમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા અનેક સાઇબર હુમલા થઇ ચુક્યા છે. જેમાં પરમાણુ મથકો અને હથિયાર સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. હવે અમેરિકાએ દાવો કર્યો છે કે ઇરાન તરફથી જે સાઇબર હુમલા થઇ રહ્યા છે તેને ખુદ ઇરાનના સુરક્ષાદળ રિવલ્યૂશનરી ગાર્ડનું સમર્થન છે.



