તૂર્કિયેમાં ઈઝરાયલ એમ્બેસી બહાર અંધાધૂંધ ફાયરિંગ, 3 હુમલાખોરોના મોત | us iran war Shooting near Israeli consulate in Turkey 3 attackers killed

![]()
Turkey Firing: ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે તુર્કીયેમાં ઈઝરાયલના કોન્સ્યુલેટ પાસે ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં ત્રણ હુમલાખોરોના મોત થયા છે, જ્યારે બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
જવાબી કાર્યવાહીના વીડિયો વાઈરલ
એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક તુર્કીયે પોલીસકર્મી હુમલાખોરો વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટે બંદૂક કાઢે છે અને ગોળીબાર કરે છે. આ દરમિયાન એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં ફાયરિંગનો અવાજ સંભળાય છે અને ગભરાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતા જોવા મળે છે. ફાયરિંગની આ ઘટના તુર્કીયેના ઈસ્તંબુલમાં બની છે. રાહતની વાત એ છે કે ઈસ્તંબુલમાં હાલમાં ઈઝરાયલનો કોઈ રાજદ્વારી તૈનાત નથી.
હુમલામાં સામેલ ત્રણેયના મોત
આ ઉપરાંત અંકારામાં આવેલી ઈઝરાયલી એમ્બેસીમાં પણ ઈઝરાયલનો કોઈ રાજદ્વારી હાજર નથી. અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો ઈઝરાયલી કોન્સ્યુલેટને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે નહીં. વાઈરલ થયેલા કેટલાક વીડિયોમાં ત્રણ બંદૂકધારીઓ જમીન પર પડેલા જોવા મળે છે. તુર્કીયેની સ્થાનિક મીડિયા ચેનલ NTVના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો સામેલ હતા અને આ ત્રણેય માર્યા ગયા છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સદનસીબે તુર્કીયેની ઓથોરિટી સમયસર સક્રિય થઈ ગઈ હતી અને તેમણે બંદૂકધારીઓ પર કાબૂ મેળવી લીધો હતો.
2023થી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
ઓક્ટોબર 2023માં હમાસે ઈઝરાયલમાં ઘૂસીને ભીષણ હુમલો કર્યો હતો, ત્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાનમાં પણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. આવી સ્થિતિમાં ઈઝરાયલી કોન્સ્યુલેટ અને એમ્બેસીની આસપાસની સંવેદનશીલતાને સમજીને તુર્કીયેના વહીવટીતંત્રે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ બંને સ્થળોએ 2023થી જ મોટા પાયે સુરક્ષા દળો તૈનાત છે. એટલું જ નહીં, સુરક્ષાના કારણોસર તુર્કીયેમાં ઈઝરાયલના કોઈ રાજદ્વારી તૈનાત નથી. ભલે હજુ સુધી કોઈએ આ ઘટનાની જવાબદારી લીધી નથી, પરંતુ તેને સીધી રીતે યુદ્ધ સાથે જોડીને જોવામાં આવી રહી છે. હાલમાં ઈરાનમાં ઈઝરાયલ અને અમેરિકાના ભીષણ હુમલા ચાલુ છે.
કેમ ઉઠી રહ્યા છે સવાલ?
આ સિવાય ઈરાન અને તેના સમર્થિત ઉગ્રવાદી સંગઠનો દ્વારા ઈઝરાયલ, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન અને કતાર જેવા દેશોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પણ ટાર્ગેટ કર્યું છે. આવી સ્થિતિમાં હવે જો તુર્કીયે સુધી આવી ઘટનાઓ બની રહી છે, તો તેને યુદ્ધના વિસ્તાર તરીકે પણ જોવામાં આવી રહી છે.



