LIVE: ‘આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે..’, ટ્રમ્પની ખતરનાક ધમકી બાદ ઈરાન પર પરમાણુ હુમલાની આશંકા વધી | US Iran War Live trump deadline kharg island us targetes multiple strikes

US-Iran War Live: ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેઓ ઈરાનને સતત અલ્ટીમેટમ આપી રહ્યા છે અને હવે તેમના નવા અલ્ટીમેટમની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. આ દરમિયાન ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળોએ અમેરિકા અને ઈઝરાયલે ઉપરા-છાપરી ભીષણ હુમલા શરૂ કર્યા છે.
US-Iran War Live Updates
‘વાતચીત ચાલુ છે, આજે ઈરાનીઓ તરફથી જવાબ મળી જશે’
અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે કહ્યું કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ એવા વ્યક્તિ છે જે પોતાની તાકાતને ઓળખે છે. જો ઈરાનીઓ થોડા ઘણા અંશે પણ નુકસાન પહોંચાડવા માંગતા હોય, તો અમેરિકા પાસે તેનાથી ક્યાંય વધુ નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે. રાષ્ટ્ર પ્રમુખ આવું કરવા નથી માંગતા અને હું પણ આવું કરવા નથી માંગતો. એટલા માટે જ અમે આટલી કડકાઈથી વાતચીત કરી રહ્યા છીએ, પરંતુ મૂળ રૂપથી હવે દડો હવે ઈરાનીઓના હાથમાં છે.
‘મને લાગે છે કે રાષ્ટ્ર પ્રમુખે આ વિશે વાત કરી છે. હું બસ એક વાત કહેવા માંગુ છું કે ઈરાનીઓ વાતચીત કરવામાં બહુ ઝડપી નથી, યુદ્ધ શરૂ થયા પહેલા પણ તેઓ વાતચીતમાં બહુ ઝડપી ન હતા અને અત્યારે પણ તેઓ ચોક્કસપણે બહુ ઝડપી નથી. તેથી અમે સમજીએ છીએ કે ક્યારેક એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સંદેશ પહોંચાડવામાં થોડો વિલંબ થઈ જાય છે, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે અમને તેમનો જવાબ જરૂર મળશે, પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક. અમને આજે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં (સ્થાનિક સમય મુજબ) ઈરાનીઓ તરફથી જવાબ મળી જશે. મને આશા છે કે તેઓ યોગ્ય જવાબ આપશે.’
ઈરાન પર પરમાણુ હુમલાની આશંકા વધી
ધ ગાર્ડીયનના રિપોર્ટ મુજબ અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયાર ઉપયોગ કરી શકે છે, અમેરિકામાં પરમાણુ હુમલાના ઓર્ડરનો અધિકાર માત્ર રાષ્ટ્ર પ્રમુખ પાસે છે. સત્તામાં બેઠેલા કોઈ પણ વરિષ્ઠ ટ્રમ્પને રોકવા માટે હસ્તક્ષેપ નહીં કરે તેવો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ઈરાનમાં મોતનો આંકડો 35 પર પહોંચ્યો
મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે ઈરાનમાં થયેલા હુમલાઓમાં મરનાર લોકોની સંખ્યા 35 સુધી પહોંચી ગઈ છે. તેમાં અલ્બોર્ઝ પ્રાંતમાં 18 લોકોના મોત થયા છે જ્યારે શહરિયારમાં 9 લોકો તો પરદિસમાં છ અને કાશાનમાં બે લોકોના મોત થયા છે.
ટ્રમ્પની ઈરાનને સૌથી મોટી ધમકી
ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સૌથી મોટી ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, “એક આખી સભ્યતા આજે રાત્રે ખતમ થઈ જશે, જે ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું નથી ઇચ્છતો કે એવું થાય, પણ કદાચ એવું જ થશે. જોકે, હવે જ્યારે આપણી પાસે સંપૂર્ણ શાસન પરિવર્તન છે, જ્યાં અલગ, વધુ સમજદાર અને ઓછા કટ્ટરપંથી મન પ્રબળ છે, તો કદાચ કંઈક ક્રાંતિકારી અને અદ્ભુત બની શકે છે, કોણ જાણે? વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક એવી આ રાત્રે આપણને ખબર પડી જશે. 47 વર્ષની જબરદસ્તી વસૂલાત, ભ્રષ્ટાચાર અને મૃત્યુનો આખરે અંત આવશે. ઈરાનના મહાન લોકો પર ઈશ્વરની કૃપા બની રહે!”

9 લોકોના મોત, 15 લોકો ઈજાગ્રસ્ત
ઈરાનના શાહરીયાર શહેરમાં એક રહેણાંક ઈમારત પર થયેલા ભીષણ હુમલામાં 9 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કરજ વિસ્તારમાં વીજ લાઈનો પર પ્રોજેક્ટાઈલ પડતા વીજ પુરવઠો ખોરવાયો છે. આ હુમલા બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આકરી પ્રતિક્રિયા આપતા અમેરિકા અને તેના સહયોગી દેશોને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની ‘રેડ લાઇન’ પાર કરશે, તો તેઓ મધ્ય પૂર્વની બહાર જઈને પણ જવાબી કાર્યવાહી કરશે. આ આક્રમક વલણ સાથે ઈરાને પશ્ચિમી દેશોને ઓઇલ અને ગેસના પુરવઠા માટે તરસાવી દેવાની પણ ધમકી આપી છે.
ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળો નિશાને
મેહર ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના ઓઇલ હબ ગણાતા ખાર્ગ ટાપુ પર મંગળવારે તોબડતોડ હવાઈ હુમલા થયા છે. ખાર્ગ પર એક પછી એક અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ઈરાની અહેવાલોમાં તેહરાન, કોમ અને લોરેસ્તાન પ્રાંતના ખોર્રમાબાદ ઍરપૉર્ટ સહિત અન્ય કેટલાક સ્થળો પર વિસ્ફોટોનો ઉલ્લેખ છે. આ સાથે અગાઉ હમદાનના એક રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલાની માહિતી પણ આપવામાં આવી છે.
ત્રણ પુલો પર હુમલો
ઈરાનના ત્રણ પુલો પર હુમલો કરવામાં આવ્યો છે. તબરેઝ-ઝાંઝન હાઈવે પર બનેલા એક બ્રિજને ઉડાવી દેવામાં આવ્યો છે. આ હાઈવે ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં આવેલો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA એ એક અધિકારીના હવાલેથી જણાવ્યું છે કે કાશાનમાં એક રેલવે બ્રિજ પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે. કોમ પ્રાંતના રાજકીય-સુરક્ષા બાબતોના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે, પ્રાંતના પશ્ચિમ ભાગમાં કોમ શહેરની બહારના ભાગને જોડતા પુલો પૈકીના એકને અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો હતો.
ઈઝરાયલે રેલવે બ્રિજ ઉડાવ્યો, બેના મોત
બીજી તરફ, ઈઝરાયલે મધ્ય ઈરાનના કાશાનમાં એક રેલવે બ્રિજને નિશાન બનાવ્યો છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કાશાન શહેરના યાહ્યા આબાદ રેલવે બ્રિજ પર થયેલા આ હુમલામાં બે લોકોના મોત થયા છે. ઈસ્ફહાનના ડેપ્યુટી ગવર્નરે પણ આ હુમલામાં જાનહાનિની પુષ્ટિ કરી છે.
આર્થિક કમર તોડવાની તૈયારી?
ઈરાનની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન ગણાતા ખાર્ગ ટાપુ પર થયેલા આ હુમલાઓમાં રડાર સ્ટેશન, મિલિટરી બેઝ અને ડોકિંગ ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી છે. જાણકારી મુજબ, આ હુમલો ઈઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને કર્યો છે. IRGCએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા ‘રેડ લાઇન’ ઓળંગશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
IRGCની ચેતવણી, ઓઇલ અને ગેસ સંકટ સર્જાશે
ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) એ ખાર્ગ ટાપુ પર થયેલા હુમલા બાદ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે હવે અમારો સંયમ ખતમ થઈ ગયો છે. IRGCએ ચેતવણી આપી છે કે જો આ રીતે હુમલા ચાલુ રહેશે તો અમેરિકા અને તેના સાથી દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી શકે છે. આનાથી આ ક્ષેત્રમાં વર્ષો સુધી તેલ અને ગેસના પુરવઠામાં મોટું સંકટ ઊભું થઈ શકે છે.
ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ બાદ એક્શન
મહત્ત્વનું છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને ઈરાનમાં ફસાયેલા અમેરિકન એરમેનના રેસ્ક્યૂ ઓપરેશનની વિગતવાર માહિતી આપી હતી. ઈરાન યુદ્ધને હવે છ અઠવાડિયાનો સમય વીતી ગયો છે. અગાઉ ગયા મહિને પણ અમેરિકાએ ખાર્ગ ટાપુ પર હુમલો કરીને ઈરાની સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. તે સમયે નૌસેનાના માઇન સ્ટોરેજ અને મિસાઇલ બંકરો નાશ પામ્યા હતા, જો કે ઓઇલ ડેપોને નુકસાન થયું ન હતું.



