ઈરાન સાથે જંગ વચ્ચે ટ્રમ્પની પોતાની સત્તા ડગમગી, વ્હાઈટ હાઉસમાં ‘રિજીમ ચેન્જ’ની અટકળો | Trump Faces Domestic Pressure Amid Iran War White House Cabinet Reshuffle Likely

![]()
Donald Trump and White House : ઈરાનમાં ‘રિજીમ ચેન્જ’ (સત્તા પરિવર્તન) કરવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતે જ ઘરેલુ મોરચે ઘેરાયા છે. પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધના પરિણામે અમેરિકામાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. લેટેસ્ટ સર્વે મુજબ, તેમની અપ્રુવલ રેટિંગ ઘટીને માત્ર 36% રહી ગઈ છે, જે તેમના કાર્યકાળની સૌથી નીચી સપાટી છે.
કેબિનેટમાં મોટા ફેરફારના સંકેત: તુલસી ગબ્બાર્ડ અને લુટનિક ટાર્ગેટ પર?
વ્હાઈટ હાઉસના આંતરિક સૂત્રો મુજબ, ટ્રમ્પ પોતાની કેબિનેટમાં મોટા પાયે ફેરબદલ કરવાની તૈયારી કરી રહ્યા છે. અટોર્ની જનરલ પામ બોન્ડીની હકાલપટ્ટી બાદ હવે નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબ્બાર્ડ અને કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિક પર જોખમ મંડરાઈ રહ્યું છે. અહેવાલો છે કે ટ્રમ્પ ગબ્બાર્ડની કામગીરીથી સંતુષ્ટ નથી અને તેમના વિકલ્પો પર ચર્ચા શરૂ કરી દીધી છે.
60% અમેરિકનો યુદ્ધની વિરુદ્ધ
અમેરિકાની જનતામાં આ યુદ્ધને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, 60% અમેરિકનો આ જંગની વિરુદ્ધમાં છે. લોકોને ડર છે કે આ લડાઈ લાંબી ખેંચાશે તો તેનો આર્થિક બોજ સામાન્ય જનતાએ ઉઠાવવો પડશે. ટ્રમ્પના પોતાના સમર્થકોમાં પણ હવે મોંઘવારીને લઈને બેચેની જોવા મળી રહી છે.
મીડિયા કવરેજથી ટ્રમ્પ નારાજ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ મીડિયા કવરેજથી પણ અત્યંત નારાજ હોવાનું કહેવાય છે. તેમનું માનવું છે કે મીડિયા ઈરાન યુદ્ધને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. ટ્રમ્પે પોતાની ટીમને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની કામગીરીના સકારાત્મક સમાચારો બહાર આવવા જોઈએ. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ટીમ બદલવાથી જનતાનો આક્રોશ શાંત કરવો ટ્રમ્પ માટે મુશ્કેલ સાબિત થશે.


