મિડલ ઈસ્ટ યુદ્ધમાં ટ્રમ્પની જાળમાં અમેરિકા પોતે ફસાયું? 6 એપ્રિલની ડેડલાઈન ભારે પડશે! | Trump s Iran Strategy Fails US Face Setback in Strait of Hormuz as 6 April Deadline Approaches

Donald Trump Military Strategy Fails: ઈરાનને આત્મસમર્પણ કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 6 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ હવે એવું લાગે છે કે આ સમયમર્યાદા ઈરાન કરતાં ટ્રમ્પની પોતાની સૈન્ય અને રાજકીય લાચારી વધુ દર્શાવે છે. 28 ફેબ્રુઆરીથી છેડાયેલા આ જંગમાં અમેરિકાએ સૈન્યને પૂરી તાકાત સાથે ઉતાર્યું, નૌકાદળના મોટા કાફલા તહેનાત કર્યા અને નાટો દેશોની મદદ પણ માંગી હતી. તેમ છતાં, હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનું વર્ચસ્વ એટલું મજબૂત છે કે ટ્રમ્પની વ્યૂહનીતિ અહીં નિષ્ફળ જતી જણાય છે. હાલની પરિસ્થિતિમાં ટ્રમ્પ નાટોના સહયોગી દેશો પર નિર્ભરતાને લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઈરાન વળતા પ્રહાર કરીને અમેરિકાના લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરોને તોડી પાડી રહ્યું છે.
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર ભારે દબાણ
ટ્રમ્પ પ્રશાસને શરૂઆતથી જ ઈરાન પર દબાણ લાવવા માટે ઈઝરાયલ સાથે મળીને તેના પરમાણુ મથકો અને મિસાઇલ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાની નૌસેના અને વાયુસેના તબાહ થઈ ગઈ છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ બંધ કરી દીધો છે, જ્યાંથી વિશ્વના 20% ઓઇલની હેરફેર થાય છે. આ રસ્તો બંધ થવાથી વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થયું છે અને ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. ટ્રમ્પે પહેલા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે બાદમાં વધારીને 6 એપ્રિલ કરાયું હતું. નિષ્ણાતો માને છે કે આ સમય અમેરિકાએ પોતાની સૈન્ય તૈયારીઓ મજબૂત કરવા અને પર્સિયન ગલ્ફમાં ‘યુએસએસ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ’ જેવા સુપર કેરિયર મોકલવા માટે લીધો હતો.
નાટો સહયોગીઓનો પીછેહઠ
બીજી તરફ, નાટો સહયોગીઓએ આ યુદ્ધમાં સીધા જોડાવાનો ઇન્કાર કરી દીધો છે, જેનાથી નારાજ થઈને ટ્રમ્પે નાટોને ‘કાગળનો વાઘ’ ગણાવ્યો છે અને અમેરિકા નાટોમાંથી બહાર નીકળવા વિચાર કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પની આ વ્યૂહનીતિને અસ્થિર ગણાવી છે. હોર્મુઝમાં ઈરાનની ભૌગોલિક સ્થિતિ અને એન્ટી-શિપ મિસાઇલો અમેરિકા માટે મોટો પડકાર બની છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં અમેરિકાને ભારે નુકસાન થયું છે, જેમાં ઈરાને અમેરિકાના F-15E ફાઈટર જેટને તોડી પાડ્યું છે અને તેનો પાઈલોટ પણ ગુમ છે. આ ઉપરાંત, કુવૈત ઉપર એક A-10 વારથોગ વિમાન પણ તોડી પાડવામાં આવ્યું છે.
આગામી 2-3 અઠવાડિયામાં જોરદાર હુમલાનો કર્યો દાવો
ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં દાવો કર્યો છે કે યુદ્ધ અંત તરફ છે અને આગામી 2-3 અઠવાડિયામાં અમેરિકા જોરદાર હુમલા કરશે. જોકે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) એ વળતા હુમલામાં ઈઝરાયલ અને ગલ્ફ દેશો પર સેંકડો મિસાઇલો દાગીને અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આમ, હોર્મુઝની નાકાબંધી અને ઈરાનના સચોટ હુમલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને બેકફૂટ પર લાવી દીધા છે. જો 6 એપ્રિલ સુધીમાં કોઈ નક્કર પ્રગતિ નહીં થાય, તો પાવર પ્લાન્ટ્સ પર હુમલાની ધમકી આપનાર ટ્રમ્પ માટે આ યુદ્ધ રાજકીય અને સૈન્ય બંને મોરચે મોટું સંકટ બની શકે છે.




