दुनिया

અમેરિકામાં વિદેશી પેટન્ટવાળી દવાઓ પર ટ્રમ્પનો 100 ટકા ટેરિફ | Trump’s 100 percent tariff on foreign patented drugs in the US



– લિબરેશન ડેના દિવસે એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા

– સરકાર સાથે મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઈસિંગ ડીલ કરી હોય, યુએસમાં ઉત્પાદન કરતી હોય તેવી કંપનીઓને ટેરિફમાં સંપૂર્ણ રાહત

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ વચ્ચે ‘લિબરેશન ડે’ના દિવસે ફરી એક વખત દુનિયાને મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરીને વિદેશી પેટન્ટવાળી દવાઓ પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ નાંખ્યો છે. ટ્રમ્પે એક વર્ષ અગાઉ લિબરેશન ડેના દિવસે જ લગભગ બધા જ દેશો પર ટેરિફ નાંખીને દુનિયાને હચમચાવી નાંખી હતી. જોકે, આ વખતે વિદેશી દવા કંપનીઓ પર ટ્રમ્પનો ટેરિફ વાર મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઈસિંગ ડીલ ના કરી હોય અથવા અમેરિકામાં ઉત્પાદન એકમો ના બનાવતી હોય તેવી કંપનીઓ સુધી મર્યાદિત રહેશે. વધુમાં ટ્રમ્પના આ ટેરિફમાં બ્રિટન, યુરોપ, જાપાન સહિત કેટલાક દેશોની દવા કંપનીઓને રાહત મળી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ કેટલીક પેટન્ટવાળી આયાતી દવાઓ અને તેના મુખ્ય ઘટકો પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવામાં આવ્યો છે. ટ્રમ્પના આ પગલાંનો આશય દવા ઉત્પાદકોને અમેરિકામાં ઉત્પાદન ટ્રાન્સફર કરવા અને અમેરિકન ગ્રાહકોને સીધા જ નીચી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવવા મજબૂર કરવાનો છે. ટ્રમ્પ સરકારના અધિકારીઓનું કહેવું છે કે આ પગલાંનો આશય ઘરેલુ ઉત્પાદનને ગતિ આપવાનો છે. દવા કંપનીઓને અગાઉથી જ ચેતવણી અપાઈ હતી અને હવે અમે તેને લાગુ કરવા જઈ રહ્યા છીએ.

આ ટેરિફ માટે ટ્રમ્પ સરકારે મોટી દવા કંપનીઓને ૧૨૦ દિવસની સમય મર્યાદા આપી છે જ્યારે નાની કંપનીઓને તેનું પાલન કરવા માટે ૧૮૦ દિવસનો સમય મળશે. આમ, આ આદેશનો અમલ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં થઈ શકે છે. વધુમાં આ આદેશમાં વ્યાપક છૂટોનો સમાવેશ કરાયો છે. કંપનીઓ પ્રાઈસિંગ ડીલમાં સામેલ થાય અથવા અમેરિકામાં ઉત્પાદન એકમો સ્થાપવા સહમત થાય તો તેમને નીચા ટેરિફનો લાભ મળી શકે છે. 

ટ્રમ્પના આદેશ મુજબ દવા કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન એકમ સ્થાપિત કરવા માટે સહમત થાય તો તેમના માટે ટેરિફ ૨૦ ટકા સુધી નીચો હોઈ શકે છે, જે ચાર વર્ષમાં વધીને ૧૦૦ ટકા સુધી થઈ શકશે. ટ્રમ્પે કહ્યું કે, આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે, કારણ કે અમેરિકા વિદેશી દવાઓ અને તેમની સામગ્રી પર નિર્ભર છે. અમેરિકામાં દવાનું ઉત્પાદન વધારવાની દિશામાં ટ્રમ્પનું આ મોટું પગલું છે. જોકે, તેની અસર વૈશ્વિક પુરવઠા શ્રેણી અને કિંમતો પર પણ પડી શકે છે.

ટ્રમ્પના આદેશ મુજબ યુરોપીયન સંઘ, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વીટ્ઝરલેન્ડ સહિત વર્તમાન વેપાર સમજૂતીવાળા દેશોમાં સ્થિત દવા કંપનીઓને લગભગ ૧૫ ટકા ટેરિફનો સામનો કરવો પડશે જ્યારે બ્રિટન સ્થિત કંપનીઓ પર ૧૦ ટકા ટેરિફ જ લાગુ પડશે. ટ્રમ્પ સરકારે અગાઉથી જ એક ડઝનથી વધુ દવા કંપનીઓ સાથે કરાર કર્યા છે, જેમાં મૂલ્ય નિર્ધારણમાં છૂટ અને ઘરેલુ રોકાણ બદલ અસ્થાયી ટેરિફ રાહતની દરખાસ્ત કરાઈ છે.

અમેરિકામાં ટ્રમ્પના આ આદેશની આકરી ટીકા પણ થઈ રહી છે. ફાર્માસ્યુટિકલ ટ્રેડ જૂથ ફાર્માના સીઈઓ સ્ટીફન જે ઉબ્લે ચેતવણી આપી છે કે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં દવાઓના ભાવ વધી શકે છે અને અમેરિકન રોકાણ પર અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં પહેલાથી જ બાયોફાર્માસ્યુટિકલ ઉત્પાદન મજબૂત છે અને વધુ દવાઓ વિશ્વસનીય દેશોમાંથી આવે છે.

ટ્રમ્પના ટેરિફની ભારત પર મર્યાદિત અસર થશે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી પેટન્ટેડ દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે ત્યારે ભારત પર આ ટેરિફની તાત્કાલિક અસર મર્યાદિત રહેશે. 

જોકે, દવાઓ પર ટ્રમ્પના ટેરિફનો દાયરો લંબાઈ શકે તો ભારતીય કંપનીઓ પર જોખમ વધી શકે છે. ટ્રમ્પે પેટન્ટ ધરાવતી દવાઓ પર ટેરિફ નાંખ્યો છે ત્યારે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ૯૦ ટકા દવા જેનેરિક દવાઓ છે, જેને હાલમાં ટેરિફમાંથી મુક્તિ અપાઈ છે. વર્ષ ૨૦૨૫માં ભારતે અમેરિકામાં ૯.૭ અબજ ડોલરના મૂલ્યની દવાઓની નિકાસ કરી હતી, જે દેશની કુલ ૨૫.૮ અબજ ડોલરની વૈશ્વિક દવા નિકાસના ૩૮ ટકા જેટલી હતી. 

આમ, દવાઓ પર ટ્રમ્પના ટેરિફથી હાલ ભારતને આંશિક અસર થશે.



Source link

Related Articles

Back to top button