ઇરાન- યુદ્ધમાં ચૌધરી બનવાના ચક્કરમાં પાકિસ્તાને યુ.એ.ઇ.ને નારાજ કરી દીધું | Pakistan angers UAE by trying to become a proxy in Iran UAE war

![]()
– અમેરિકા- ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાન યુદ્ધમાં ઇરાનને સાથ આપી પાક. ફસાઈ ગયું : જે દેશો પાસેથી ભીખ માગી ઘર ચલાવે છે તે દેશો જ નારાજ થયા
નવી દિલ્હી : ઇરાન યુદ્ધમાં ચૌધરી બનવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાની જ લોટી ડુબાડી દીધી છે. યુ.એ.ઇ.એ તેને યાદ આપી છે કે, તેણે હંમેશા પાકિસ્તાનનો સાથ આપ્યો છે. આર્થિક સંકટ સમયે હંમેશા તેને મદદ કરી છે.
ખાડી દેશો પૈકી યુ.એ.ઇ. એકમાત્ર દેશ નથી કે જે પાકિતસ્તાનથી નારાજ છે. બીજા ઘણા દેશો પણ તેનાથી નારાજ છે. કારણ કે, ઇરાન તેમની ઉપર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. છતાં પાકિસ્તાન ઇરાનને સાથ આપે છે. તેથી તે દેશો પાકિસ્તાનથી સહજ રીતે નારાજ છે. કેટલાક તો ઘણા જ નારાજ છે.
તેથી જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અને પાકિસ્તાનમાં અત્યારે સર્વેસર્વા બની રહેલા ‘ફિલ્ડ માર્શલ’ અસીમ મુનીરે તત્કાળ એક બેઠક બોલાવી છે.
સૂત્રો જણાવે છે કે, પાકિસ્તાનના આ વલણ અંગે યુ.એ.ઇ.એ સવાલ ઉઠાવ્યો છે. યુ.એ.ઇ.ના અધિકારીઓએ કહ્યું હતું કે, ઇરાને કોઈ કારણ વિના જ તેને નુકસાન પહોંચાડયું છે તેમ છતાં પાકિસ્તાન તહેરાનનું સમર્થન કરતું જોવા મળે છે.
થોડા દિવસો પૂર્વે અસીમ મુનીરની અબુધાબીની મુલાકાત સમયે યુ.એ.ઇ.ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયન, રાષ્ટ્રીય સલામતી સલાહકાર તહનૂન બિન જાયદ અને અન્ય અધિકારીઓએ મુનીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો પાકિસ્તાને તેના ફળ ભોગવવા જ પડશે.
ન્યૂઝ-૧૮ દ્વારા સૂત્રોનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે, ‘યુ.એ.ઇ. તે વાતથી પણ નારાજ છે કે, તે યુદ્ધમાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે વધુ સંપર્ક રાખ્યો છે પરંતુ યુ.એ.ઇ. સાથે તેવો સહયોગ રાખ્યો નથી. યુ.એ.ઇ.ના અધિકારીઓએ તેમ પણ કહ્યું કે, ‘આ યુદ્ધમાં યુ.એ.ઇ.ને ઘણું જ નુકસાન થયું છે. છતાં પાકિસ્તાને એક શબ્દ ઉચ્ચાર્યો નથી. તેમણે વધુમાં તેમ પણ કહ્યું છે કે, ઇસ્લામાબાદમાં પાકિસ્તાને વિદેશ મંત્રીઓની બેઠક બોલાવી હતી પરંતુ તે પૂર્વે યુ.એ.ઇ.ની સલાહ લીધી ન હતી તેટલું જ નહીં પરંતુ પાકિસ્તાનનું વલણ ઇરાન તરફી દેખાતું હતું.



