હવે બર્થરાઈટ સિટિઝનશીપ પર ટ્રમ્પના પ્રતિબંધ સામે સુપ્રીમની લટકતી તલવાર | Now the Supreme Court’s sword is hanging over Trump’s ban on birthright citizenship

![]()
– ટેરિફ પછી વધુ એક એક્ઝિક્યુટીવ આદેશ મુદ્દે ટ્રમ્પની હારના સંકેત
– અમેરિકન ઈતિહાસમાં પહેલી વખત કોઈ કેસની સુનાવણી માટે પ્રમુખ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા : આ કેસ પ્રમુખના એક્ઝિક્યુટિવ આદેશની સત્તા માટે મહત્ત્વનો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં આડેધડ આપેલા આદેશોને અમેરિકામાં કોર્ટો નકારી રહી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ અંગેના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં જન્મના આધારે અમેરિકામાં નાગરિક્તા પર પ્રતિબંધ મૂકવાના પ્રમુખ ટ્રમ્પના આદેશ પર તલવાર લટકી રહી હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં જન્મના આધારે નાગરિક્તા મુદ્દે ટ્રમ્પના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી સમયે અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખ ટ્રમ્પે હાજરી આપી છે. ટેરિફની જેમ આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના આદેશને નકારી કાઢે તેમ માનવામાં આવી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકારની સત્તા સંભાળ્યા પછી પહેલા જ દિવસે ધડાધડ અનેક એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા, જેને સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોમાં પડકારાયા હતા. આ જ રીતે ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ આદેશ આપતા જાહેર કર્યું કે, અમેરિકામાં ગેરકાયદે અથવા કામચલાઉ ધોરણે રહેતા માતા-પિતાના અમેરિકામાં જન્મેલા સંતાનો જન્મના આધારે જ અમેરિકન નાગરિક બની શકે નહીં. ટ્રમ્પના આ આદેશનો આશય અમેરિકામાં જન્મના આધારે નાગરિક્તા આપવાને રોકવાનો છે. નીચલી અદાલતોએ ટ્રમ્પના આ આદેશને તુરંત જ ગેરકાયદે જાહેર કર્યો હોવાથી હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી.
ભારતીય મૂળના અમેરિકન વકીલે આ આદેશને પડકાર્યો છે. આ આદેશ સામે રૂઢીવાદી અને ઉદારવાદી ન્યાયાધીશોએ તેમની હાજરીમાં જ આકરા સવાલ ઉઠાવ્યા છે. એક ન્યાયાધીશે આ આદેશની કાયદેસરતા સામે સવાલ ઉઠાવ્યા તો ન્યાયાધીશ કેટનજી બ્રાઉન જેક્સને કહ્યું કે, કોણ દેશની નાગરિક્તા માટે અધિકાર ધરાવે છે અને કોણ નહીં તેનો નિર્ણય કેવી રીતે થશે? જોકે, સુપ્રીમ કોર્ટમાં અંદાજે નવ ન્યાયાધીશ ટ્રમ્પની તરફેણમાં હોય તેમ લાગતું હતું.
સુપ્રીમમાં બુધવારે આ કેસની લગભગ અઢી કલાક સુનાવણી હતી. આ સુનાવણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે થોડોક સમય માટે હાજરી આપી હતી. આ સાથે ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ બની ગયા છે, જેમણે કોઈ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં હાજરી આપી હોય. અમેરિકન સુપ્રીમ કોર્ટમાં બેસવાની વ્યવસ્થા સામાન્ય જનતા માટે ખુલ્લી હોય છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પની હાજરી વિવાદાસ્પદ છે. કારણ કે તેને ન્યાયાધીશો પર દબાણ કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી શકે છે.
આ કેસ પ્રમુખના એક્ઝિક્યુટિવ પાવરની સત્તાની વધુ એક પરિક્ષા છે. ટ્રમ્પે પ્રમુખ બનતા જ અનેક એક્ઝિક્યુટિવ આદેશો આપ્યા હતા, જેમાંથી મોટાભાગના આદેશોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે, પરંતુ ટેરિફના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. હવે ટ્રમ્પના આ આદેશ પર પણ સુપ્રીમ કોર્ટની તલવાર લટકી રહી હોવાનું માનવામાં આવે છે. અનેક નિષ્ણાતોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટ ટ્રમ્પનો આદેશ રદ કરે તો આ નિર્ણય ભવિષ્યમાં નાગરિક્તાની નીતિઓ પર મોટી અસર કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે અઢી કલાકની સુનાવણી પછી કેસ મુલતવી રાખ્યો હતો. ત્યાર પછી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, દુનિયામાં અમેરિકા એકમાત્ર એવો દેશ છે, જે જન્મના આધારે નાગરિક્તાને મંજૂરી આપે છે. હકીકતમાં ત્રણ ડઝનથી વધુ દેશો, જે બધા જ અમેરિકામાં છે, તેઓ તેમના પ્રદેશોમાં જન્મેલા બાળકોને અમેરિકન નાગરિક્તાની ખાતરી આપે છે.



