दुनिया

અમેરિકા માટે ઈરાનનું સમૃદ્ધ યુરેનિયમ પડાવી લેવું અત્યંત જોખમી | Seizing Iran’s enriched uranium is extremely dangerous for the US



– ભૂતપૂર્વ નિષ્ણાંતો અને વિશેષજ્ઞાોની સખત ચેતવણી

– પરમાણુ સામગ્રી શોધીને તેના પરિવહનમાં રેડિયેશન તેમજ કેમિકલ સ્રાવનું ગંભીર જોખમ સમાયેલું હોવાનો દાવો

વિયેના : ઈરાનમાંથી તેનો પરમાણુ જથ્થો મેળવી લેવા સૈન્યબળો તૈનાત કરવાનો અમેરિકાનો કોઈપણ નિર્ણય એક અત્યંત જોખમી, જટિલ અને લાંબો સમય ચાલનારી કાર્યવાહી સાબિત થઈ શકે છે. ભૂતપૂર્વ અધિકારીઓ અને નિષ્ણાંતોએ ગંભીર કિરણોત્સર્ગ અને કેમિકલ જોખમોની ચેતવણી આપી છે. એક તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાની વાત કરી રહ્યા છે ત્યારે આ લક્ષ્યાંક હાંસલ કરવા જરૂરી સૈન્ય સંડોવણી અનિશ્ચિત અને જોખમોથી ભરેલી છે. આથી જ નિષ્ણાંતો સૈન્ય કાર્યવાહીના સ્થાને રાજકીય ઉકેલ લાવવાની સલાહ આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) અનુસાર હાલ ઈરાન પાસે ૬૦ ટકા  સમૃદ્ધ યુરેનિયમનો ૪૪૦.૯ કિલોગ્રામનો જથ્થો છે. આ સ્તર શસ્ત્રો સ્તરની શુદ્ધતાની નજીક છે અને સંભવિતપણે દસ પરમાણુ બોમ્બનું ઉત્પાદન શક્ય બનાવી શકે છે એવી નોંધ આઈએઈએ ચીફ રાફેલ ગ્રોસીએ કરી છે. જો કે ઈરાન સતત પોતાનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હોવાનો  દાવો કરી રહ્યું છે, છતાં પશ્ચિમી રાષ્ટ્રો લાંબા સમયથી તેની અગાઉની શસ્ત્ર સંબંધિત ગતિવિધિથી ચિંતિત રહ્યા છે.

ઉપરાંત સમૃદ્ધ યુરેનિયમના ચોક્કસ સ્થળનું ટ્રેકિંગ પણ મુશ્કેલ રહ્યું છે. ૨૦૨૫ના મધ્યથી આઈએઈએ  નિરીક્ષકો ઈરાનના માળખાને નબળો કરી દેનારા લશ્કરી હુમલાને કારણે શસ્ત્રોના જથ્થાની ચકાસણી નથી કરી શક્યું. એવું માનવામાં આવે છે કે યુરેનિયમ ઈસફાહાન, નાતાન્ઝ અને ફોર્ડો સુવિધાઓ સહિત બહુવિધ સ્થળોએ સંગ્રહ કરવામાં આવ્યું છે. આ સામગ્રી શોધી કાઢવામાં અમેરિકી ગુપ્તચર એજન્સી આત્મવિશ્વાસ ધરાવતી હોવા છતાં વધારાનો અનામન જથ્થો છુપાયેલો હોવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

યુરેનિયમ હાંસલ કરવામાં ગંભીર ટેકનીકલ પડકારો ઊભા થશે. સામગ્રી યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ ગેસ ધરાવતા મજબૂત કેનિસ્ટરોમાં સંગ્રહ કરવામાં આવતી હોય છે, જેમાં નુકસાન થવાથી અતિશય ઝેરી ફ્લોરાઈન ગેસનો સ્રાવ થઈ શકે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોઈપણ ક્ષતિ સૈન્યકર્મી માટે કેમિકલ અને રેડિયેશન સામે જોખમ ઊભુ કરી શકે. એના માટે ખાસ હેઝમેટ સુટ અને સંભાળપૂર્વકની જાળવણી જરૂરી હોય છે. આકસ્મિક પરમાણુ રિએક્શન રોકવા કેનિસ્ટરોના સુરક્ષિત પરિવહનમાં પણ પૂરતુ અંતર રાખવું ફરજિયાત છે જેના કારણે સમગ્ર કાર્યવાહી બેહદ નાજુક અને જટિલ બને છે.

તમામ જોખમોને નજરમાં રાખીને નિષ્ણાંતોએ દલીલ કરી છે કે ઈરાન સાથે વાટાઘાટ કરીને સમાધાન કરવું એ જ સૌથી સુરક્ષિત અને વ્યવહારુ ઉકેલ છે. અગાઉ ૧૯૯૪માં કઝાખસ્તાનમાં પ્રોજેક્ટ સફાયર જેવી કાર્યવાહીમાં સાબિત થયું હતું કે સહયોગ દ્વારા જ પરમાણુ સામગ્રી સુરક્ષિતપણે હટાવી શકાય છે. 

વિશેષજ્ઞાો માને છે કે શક્ય હોય તો આઈએઈએના નિરીક્ષણ હેઠળ આવા જ પ્રયાસોથી જાનહાનિ અને પર્યાવરણીય જોખમ ટાળી શકાય. જો કે તહેરાન અને વોશિંગ્ટન વચ્ચેનો અવિશ્વાસ કોઈપણ રાજદ્વારી ઉકેલમાં મહત્વનો અવરોધ બની રહેશે.



Source link

Related Articles

Back to top button