दुनिया

નેતન્યાહૂનું મિશન ‘ગ્રેટર ઈઝરાયલ’, લેબેનોનમાં 6 લાખ લોકો બેઘર, હવે ત્યાં વસવાટ કરવા નહીં દે | israel danger plan to occupy large part of lebanon will out 6 lakh peoples



Israel’s South Lebanon Plan: ઈરાન સાથેના ઘર્ષણની વચ્ચે, ઈઝરાયલ હવે પડોશી દેશ લેબેનોનમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે એક ગંભીર વ્યૂહનીતિ અમલમાં મૂકી રહ્યું છે. ઈઝરાયલી સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝના જણાવ્યા અનુસાર, તેમની સેના દક્ષિણ લેબેનોનના વિશાળ ક્ષેત્રને હસ્તગત કરીને ત્યાં એક ખાસ ‘સિક્યુરિટી ઝોન’ ઊભો કરશે. આ રણનીતિનો મુખ્ય હેતુ લેબેનોન સરહદથી લિતાની નદી સુધીના આશરે 30 કિલોમીટરના પટ્ટાને પોતાના તાબા હેઠળ લાવી, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ પર બાજ નજર રાખવાનો અને પોતાની સરહદોની સુરક્ષા અભેદ્ય બનાવવાનો છે.

6 લાખ લોકોની ઘરવાપસી પર ઈઝરાયલનો પ્રતિબંધ

આ સૈન્ય અભિયાનને કારણે અત્યાર સુધીમાં દક્ષિણ લેબેનોનમાંથી અંદાજે 6 લાખ લોકોને પલાયન કરવાની ફરજ પડી છે. જોકે, હવે ઈઝરાયલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સુધરે નહીં ત્યાં સુધી આ ભાગેદુ લોકોને પરત આવવા દેવામાં આવશે નહીં. આ સિવાય સરહદ પર આવેલા લેબેનોની ઘરોને પણ તોડી પાડવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે આયતુલ્લા અલી ખામેનેઈના મોતના બદલા તરીકે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે આકરી જવાબી કાર્યવાહી શરૂ કરી છે. લેબેનોનની રાજધાની બેરૂત સહિત દક્ષિણ વિસ્તારોમાં ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 1250થી વધુ લોકોના મોત થયા છે અને કુલ 10 લાખ લોકો બેઘર બન્યા છે.

આ પણ વાંચો: LIVE: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત

પશ્ચિમ એશિયામાં મોટા ફેરફારના સંકેત

ઈઝરાયલ માટે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ, હૂથી બળવાખોરો અને હમાસ સતત મોટો પડકાર રહ્યા છે. હિઝબુલ્લાહનો દાવો છે કે તેમણે આ જંગ દરમિયાન ઈઝરાયલના 44 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જેમાં ઈઝરાયલના 10 સૈનિકોના મોત થયા છે. બીજી તરફ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસનું કહેવું છે કે હિઝબુલ્લાહ દ્વારા અત્યાર સુધીમાં 5 હજાર જેટલા રોકેટ, ડ્રોન અને મોર્ટાર વડે હુમલા કરવામાં આવ્યા છે. હાલમાં ઈઝરાયલ આ ત્રણેય મોરચે લડી રહ્યું છે અને દક્ષિણ લેબેનોન પર કબજો કરવાની તેની આ હિલચાલ પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાના પ્રાદેશિક ફેરફારોના સંકેત આપી રહી છે.


નેતન્યાહૂનું મિશન 'ગ્રેટર ઈઝરાયલ', લેબેનોનમાં 6 લાખ લોકો બેઘર, હવે ત્યાં વસવાટ કરવા નહીં દે 2 - image



Source link

Related Articles

Back to top button