નેતન્યાહૂએ ટ્રમ્પથી અલગ રસ્તો અપનાવ્યો, યુદ્ધ ખતમ નહીં કરે, ક્ષેત્રમાં બનાવશે નવું ગઠબંધન | israel bold plan forging a new alliance with arab nations trump takes a different path

Israel Iran conflict: ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે મધ્ય પૂર્વમાં નવા સમીકરણો રચાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ ઈરાન વિરુદ્ધ એક નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે. તેમણે જાહેરાત કરી છે કે ઈરાન સામે લડવા માટે આ ક્ષેત્રના મહત્ત્વના દેશો સાથે મળીને એક મજબૂત ગઠબંધન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, આ ગઠબંધનમાં કયા દેશો સામેલ છે તેના નામનો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો નથી, પરંતુ માનવામાં આવે છે કે આ પગલાથી ઈરાન પર દબાણ વધશે. નેતન્યાહૂના મતે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગથી કરવામાં આવેલા હુમલાઓએ ઈરાની શાસનના પાયા હચમચાવી દીધા છે.
આગામી બે સપ્તાહમાં ઈરાન વિરુદ્ધનું ઓપરેશન પૂરું થવાના સંકેત
બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન મુદ્દે પોતાનો આગામી પ્લાન જાહેર કર્યો છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન વિરુદ્ધનું ઓપરેશન હવે તેના અંતિમ તબક્કામાં છે અને આગામી બે સપ્તાહમાં તે પૂર્ણ થઈ શકે છે. ટ્રમ્પનું માનવું છે કે આ ઓપરેશન પૂરું થતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં મોટો ઘટાડો થશે. ખાસ વાત એ છે કે, ટ્રમ્પે અન્ય દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઇલ લાવવા માટે પોતાની સુરક્ષા જાતે જ કરે. તેમણે ચીન અને ફ્રાન્સ જેવા દેશોને ઉદ્દેશીને કહ્યું કે, હવે અમેરિકા આ બાબતે જવાબદારી લેવાને બદલે અન્ય દેશોને પોતાની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો: ‘બે-ત્રણ અઠવાડિયામાં યુદ્ધ પૂરું, ઈરાનમાં સત્તાપલટો સફળ…’, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
ઈઝરાયલને મિટાવવા ખર્ચેલા અબજો ડૉલર વેડફાઈ ગયાનો દાવો
નેતન્યાહૂએ ઈરાની શાસન પર પ્રહાર કરતા જણાવ્યું કે, આયાતુલ્લા શાસને ઈઝરાયલને નકશા પરથી મિટાવવા માટે અત્યાર સુધીમાં અબજો ડૉલરનો ખર્ચ કર્યો છે, પરંતુ તે તમામ સંપત્તિ વેડફાઈ ગઈ છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેની બેલેસ્ટિક મિસાઇલ ક્ષમતા પર જોરદાર પ્રહાર કરીને મોટા જોખમોને ટાળી દીધા છે. નેતન્યાહૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઈઝરાયલ અને તેના સાથી દેશોની વ્યૂહનીતિને કારણે ઈરાનનું વર્તમાન શાસન વહેલું-મોડું ચોક્કસપણે પડી ભાંગશે. મધ્ય પૂર્વમાં બની રહેલા આ નવા ગઠબંધનથી આગામી સમયમાં રણનીતિ વધુ આક્રમક બનવાની શક્યતા છે.




