Explainer: ઈરાન પર હુમલા પહેલા અમેરિકાના સંરક્ષણ સચિવની ‘ડિફેન્સ ફંડ’ની ખરીદી, ઈનસાઈડર ટ્રેડિંગ કે માત્ર સંયોગ? | Pete Hegseth Insider Trading Allegations: Defense Fund Move Before Iran Strike Sparks Controversy

![]()
US-Iran War : અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથના નામે એક મોટો વિવાદ થયો છે. અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે, ઈરાન સામે યુદ્ધ શરૂ થયાના થોડા અઠવાડિયા પહેલાં હેગસેથના બ્રોકરે સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાં મોટા પાયે રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સોદો ક્યારેય થયો ન હોવા છતાં, તેનો સમય અને સંજોગો ઘણાં ગંભીર સવાલ ઊભા કરે છે. શું કોઈ મોટા લશ્કરી નિર્ણયની પહેલાં જ બજારમાં ગેરકાયદે રમત થઈ હતી?
ચાલો, આ મામલાને વિગતવાર સમજીએ.
બ્રોકરે શું કરવાનો પ્રયાસ કર્યો?
મોર્ગન સ્ટેનલીના એક બ્રોકરે ફેબ્રુઆરીમાં વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકનો સંપર્ક કર્યો. તેણે તેમના ‘iShares ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ્સ એક્ટિવ ETF’ (IDEF)માં કરોડો ડોલરનું રોકાણ કરવાની શક્યતા શોધી કાઢી. આ ETF (Exchange Traded Fund) એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે યુદ્ધ અને સંરક્ષણ ખર્ચમાં વધારાથી ફાયદો મેળવી શકે. આ પૂછપરછ હેગસેથ વતી કરાઈ હતી, જેના કારણે બ્લેકરોકમાં તરત જ તેની હાઇ પ્રોફાઈલ કેસ તરીકે નોંધ લેવામાં આવી.
શું હેગસેથને આ બાબતની જાણ હતી?
સૌથી મોટો સવાલ જ આ છે. ઉપલબ્ધ માહિતી એ સ્પષ્ટ કરતી નથી કે હેગસેથને પોતાના બ્રોકરના આ પ્રયાસ વિશે કંઈ જાણકારી હતી કે નહીં. એવું પણ નથી જણાતું કે બ્રોકર પાસે આટલા મોટા સોદા માટેની વાતચીત શરૂ કરવાની સત્તા હતી કે નહીં. માહિતીના સ્ત્રોતો કહે છે કે આ બાબત અત્યંત ધૂંધળી છે, તેમાં કોઈ સ્પષ્ટતા નથી.
પેન્ટાગોને કર્યો સ્પષ્ટ ઈનકાર
અહેવાલો સામે આવતાં જ પેન્ટાગોન (અમેરિકાનો સંરક્ષણ વિભાગ)એ તેને સંપૂર્ણપણે ફગાવી દીધો. મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કહ્યું કે આ આરોપ ‘સંપૂર્ણપણે ખોટા અને બનાવટી’ છે. તેમણે જણાવ્યું કે ન તો સચિવ હેગસેથે અને ન તો તેમના કોઈ પ્રતિનિધિએ બ્લેકરોક સાથે આવી કોઈ રોકાણની વાત કરી હતી. આ અહેવાલ ‘પાયાવિહોણો અને છેતરપિંડી ભરેલો’ છે.
IDEF ફંડ શું છે?
જે ETF વિશે આટલો બધો ઘોંઘાટ છે, તેનું નામ IDEF છે અને તે Nasdaq પર લિસ્ટેડ છે. આ ફંડ લગભગ $3.2 બિલિયનની સંપત્તિનું સંચાલન કરે છે. તેની પાસે RTX, લોકહીડ માર્ટિન અને નોર્થ્રોપ ગ્રૂમેન જેવી મોટી સંરક્ષણ કંપનીઓના શેર છે.
IDEFનું પ્રદર્શન કેવું છે?
IDEF ફંડનું પ્રદર્શન જોઈએ તો તેણે છેલ્લા એક વર્ષમાં એમાં લગભગ 28 ટકાનો વધારો થયો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક તણાવ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણકારોની રુચિ વધી છે. આ ઉપરાંત છેલ્લા એક મહિનામાં આ ફંડમાં લગભગ 13 ટકાનો ઘટાડો થયો છે, જેનો અર્થ એ કે જો આ રોકાણ થયું હોત તો હેગસેથને તેના પર તાત્કાલિક નુકસાન થયું હોત.
આ પણ વાંચો : ઈઝરાયલમાં નવો કાયદો: પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ, 90 દિવસમાં ફાંસીની સજા
તો પછી આ સોદો કેમ ન થયો?
આટલા બધા પ્રયાસો છતાં રોકાણનો સોદો આખરે થયો નહીં. સૌથી મોટું કારણ એ હતું કે તે સમયે આ ETF મોર્ગન સ્ટેનલીના ક્લાયન્ટ્સ માટે ખરીદી માટે ઉપલબ્ધ જ ન હતું. તે ફંડ તેમના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લિસ્ટેડ ન હતું. આ પ્રયાસ નિષ્ફળ ગયા બાદ બ્રોકરે બીજું કોઈ રોકાણ શોધ્યું કે કેમ, તેની માહિતી નથી.
સમયની ચોકસાઈ શા માટે મહત્ત્વપૂર્ણ છે?
આ મામલો એટલા માટે ગંભીર છે કારણ કે, આ પૂછપરછ વખતે જ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની સ્થિતિ સર્જાઈ હતી. હેગસેથ પોતે ઈરાન સામે સખત કાર્યવાહી કરવાના મોટા હિમાયતી રહ્યા છે. આવું હોય ત્યારે જો કોઈ નિર્ણય પહેલા જ બજારમાં ‘ઈનસાઈડર ટ્રેડિંગ’ થાય તો તે ગંભીર ગુનો બને છે.
વ્હાઈટ હાઉસે પણ આરોપો નકાર્યા
આવો જ એક બીજો મામલો પણ તાજેતરમાં બન્યો હતો. થોડા દિવસ અગાઉ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ માટે વાતચીત કરી હોવાનું નિવેદન આપ્યું ત્યારે પણ આવો જ વિવાદ થયો હતો. તેમના નિવેદનના થોડી મિનિટો પહેલાં જ ઓઈલ અને શેરબજારમાં લગભગ $580 મિલિયનના અસામાન્ય સોદા થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ સોદા થોડીક મિનિટોમાં જ થઈ ગયા હતા, જે સામાન્ય બજારની પ્રવૃત્તિ ન હતી. આ બધી મિલીભગત હતી. આવા આરોપ લાગતા વ્હાઈટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકન સરકાર માત્ર અમેરિકન લોકોના હિત માટે કામ કરે છે અને પુરાવા વિનાના આરોપો ગેરજવાબદારી છે.
હેગસેથની નાણાકીય સ્થિતિ શું કહે છે?
હેગસેથની નાણાકીય વિગતો પણ તપાસ હેઠળ છે. ફોક્સ ન્યૂઝમાં તેમના કાર્યકાળ દરમિયાન (2022-2024) તેમણે $4.6 મિલિયનથી વધુનો પગાર મેળવ્યો હતો. આ ઉપરાંત, તેમણે પુસ્તકોની રોયલ્ટી અને વક્તવ્યોમાંથી પણ લાખો ડોલર કમાયા હતા. તેમની તાજેતરની નાણાકીય સ્થિતિ દર્શાવે છે કે તેમણે 29 વિવિધ કંપનીઓમાં શેર વેચ્યા હતા. જો કે, આ આંકડા તેમને સીધી રીતે કથિત ETF પૂછપરછ સાથે જોડતા નથી.
વિવાદાસ્પદ મુદ્દે તપાસ થશે ખરી?
આ એક એવો વિવાદ છે જેમાં હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એક તરફ અહેવાલો છે, જેમાં આરોપ મૂકાયા છે. તો બીજી તરફ પેન્ટાગોન અને હેગસેથે આરોપો નકારી કાઢ્યા છે. આવા સમય સંજોગો બજારની પારદર્શકતા અને રાજકીય નેતાઓની નૈતિકતા પર ગંભીર સવાલ ઊભા કરે છે. હવે જોવાનું એ છે કે શું નિયમનકારી એજન્સીઓ આ મામલે આગળ તપાસ કરે છે કે કેમ.



