‘ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું, NATO મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય’, અમેરિકન સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન | Regime Change in Iran: Pete Hegseth Claims New Leadership as US Warn of Strategic NATO Decision

![]()
Pete Hegseth On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 32 દિવસ થઈ ગયા છે અને હવે યુદ્ધ ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકા ઈરાન પર કબજો કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ શરૂ થતાં જ કહ્યું હતું કે, અમેરિકા થોડા દિવસોમાં ઈરાન પર કબજો કરી લેશે, જોકે હજુ સુધી ટ્રમ્પનો દાવો સાચો પડ્યો નથી. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાનો દાવો કર્યો છે.
ટ્રમ્પ સમજૂતી માટે તૈયાર, ઈરાન શરતો નહીં માને તો… અમેરિકન સંરક્ષણ મંત્રીની ધમકી
પીટ હેગસેથે પેન્ટાગોનમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘ઈરાનમાં હવે નવું શાસન છે અને તેમણે પહેલાથી વધુ સમજદાર રહેવું પડશે. ટ્રમ્પ સમજૂતી માટે તૈયાર છે અને ઈરાન પહેલેથી જ ટ્રમ્પની શરતો જાણે છે.’ જોકે હેગસેથે ચેતવણી આપી છે કે, જો ઈરાન શરતો નહીં માને તો અમેરિકા સેના વધુ તાકાત સાથે હુમલાઓ કરશે.
શું ઈરાનમાં ખરેખર સત્તા પરિવર્તન થયું છે?
હેગસેથના જણાવ્યા મુજબ પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનું મોત થયા બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈએ સત્તા સંભાળી છે. અલી ખામેનેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે લગભગ ચાર દાયકા સુધી રહ્યા. જોકે મોજતબા ખામેનેઈ હજુ સુધી જાહેરમાં સામે આવ્યા નથી, તેથી એવા સવાલો ઉભા થયા છે કે, શું ખરેખર નવું શાસન સંપૂર્ણ લાગુ થઈ ગયું છે કે પછી સ્થિતિ હજુ પણ અસ્થિર છે?
શું અમેરિકા ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે?
અમેરિકાએ દાવો કર્યો છે કે, તેઓ ઈરાનના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે ઈરાન તરફથી કોઈ વાતચીત કરી રહ્યું છે, તે હુજ સુધી સ્પષ્ટ નથી. એકતરફ અમેરિકા વાતચીત કરીને નિવેડો લાવવાની વાતો કરી રહ્યું છે, તો બીજીતરફ તે સૈન્ય દબાણ પણ વધારી રહ્યું છે.
ઈરાન તરફથી હુમલા ઘટ્યા : પીટ હેગસેથ
પીટ હેગસેથે કહ્યું કે, જો ઈરાન સમજૂતી નહીં કરે તો અમેરિકન સેના વધુ આક્રમક હુમલા કરશે. તેમણે દાવો કર્યો કે, છેલ્લા 24 કલાકમાં ઈરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલામાં ઘટાડો થયો છે. જ્યારે અમેરિકાએ 200થી વધુ ડાયનામિક સ્ટ્રાઈક કરી છે. અમેરિકાએ રિયલ ટાઈમ માહિતી મેળવીને નવા ટાર્ગેટ પર હુમલાઓ કર્યા છે.
અમેરિકન સંરક્ષણ મંત્રીઓ NATO પર કર્યો કટાક્ષ
અમેરિકન સંરક્ષણ મંત્રી હેગસેથે નાટો પર પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ઈરાન વિરુદ્ધનું અભિયાન પૂર્ણ થયા બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નાટો મુદ્દે ભવિષ્યમાં નિર્ણય લેશે. તેમણે નાટો પર કટાક્ષ કરતા કહ્યું કે, વર્તમાન સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, અમેરિકાના સહયોગી દેશ કેટલી મદદ કરવા માટે તૈયાર છે? કેટલાક દેશોએ વધારાની મદદ કરવામાં અને સૈન્ય સહયોગ આપવામાં ખચકાટ દેખાડ્યો છે. તેમના કહેવા મુજબ, જો સહયોગી દેશો ખરા સમયે સાથ ન આપે તો આવા સંગઠનનું કોઈ મહત્ત્વ રહેતું નથી.
આ પણ વાંચો : ઈઝરાયલમાં નવો કાયદો: પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ, 90 દિવસમાં ફાંસીની સજા



