ભારતની જેમ અમને પણ છૂટ આપો…’, યુદ્ધ વચ્ચે સંકટમાં ફસાયેલા બાંગ્લાદેશે અમેરિકાને કરી અપીલ | bangladesh demands us waiver for russian diesel import like india amid iran war

![]()
Bangladesh Made This Appeal To America: બાંગ્લાદેશે દેશમાં સતત વધી રહેલા ઉર્જા સંકટ વચ્ચે અમેરિકા પાસે રશિયન ડીઝલની ખરીદી માટે તેના પર લાગુ પ્રતિબંધોમાં કામચલાઉ છૂટ આપવાની માગ કરી છે. બાંગ્લાદેશે આ છૂટની માગ કરતા ભારતનો હવાલો આપ્યો છે અને કહ્યું કે, જે રીતે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપવામાં આવી છે, તેવી જ રીતે અમને પણ છૂટ આપો. બાંગ્લાદેશ હાલમાં ઈંધણની ભારે અછત અને વધતા ભાવોનો સામનો કરી રહ્યું છે.
ઈરાન યુદ્ધ વચ્ચે તેલ અને ગેસના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી હતી. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશે આ જ છૂટનો હવાલો આપીને અમેરિકાને કહ્યું છે કે, ‘અમને બે મહિનાની માગને પહોંચી વળવા માટે પૂરતા ડીઝલની જરૂર છે અને તે અમે રશિયા પાસેથી ખરીદવા માગીએ છીએ.’
બાંગ્લાદેશે ભારતને આપવામાં આવેલી છૂટ જેવી જ વ્યવસ્થાની માગ કરી છે અને પ્રસ્તાવ મૂક્યો છે કે અમે વધુમાં વધુ 6 લાખ મેટ્રિક ટન રશિયન ડીઝલ આયાત કરી શકીએ છીએ. ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી છે.
ઉર્જા અને ખનિજ સંસાધન વિભાગના સંયુક્ત સચિવ મોનીર હુસૈન ચૌધરીએ કહ્યું કે, ‘અમેરિકા સમક્ષ પત્ર જમા કરી દેવામાં આવ્યો છે અને અમે હવે જવાબની રાહ જોઈ રહ્યા છીએ.’
બાંગ્લાદેશ પોતાની લગભગ 95% ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર
લગભગ 17.5 કરોડની વસતી ધરાવતો દેશ બાંગ્લાદેશ પોતાની લગભગ 95% ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આ અછતને પહોંચી વળવા માટે સરકારી એજન્સીઓ સતત અસ્થિર વૈશ્વિક બજારોનો સહારો લઈ રહી છે. સરકારે ઈંધણ રેશનિંગ પણ લાગુ કર્યું છે, જોકે ઈદના અવસર પર કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી હતી.
ચૌધરીએ આગળ કહ્યું કે, ‘અમે અમેરિકા, રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, અંગોલા અને ઓસ્ટ્રેલિયા સહિત દરેક શક્ય સ્થળેથી ખરીદી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
બાંગ્લાદેશ પોતાના હાલના ભાગીદારો પાસેથી પણ આયાત વધારી રહ્યું છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન એપ્રિલમાં ભારતની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ પાસેથી 40,000 મેટ્રિક ટન ડીઝલ આયાત કરવા જઈ રહ્યું છે. આ બાંગ્લાદેશની માર્ચ ખરીદી કરતાં લગભગ બમણી છે.
આ પણ વાંચો: રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ
આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ચેતવણી આપી છે કે ઈરાન યુદ્ધ ઊર્જા બજારને વધુ ઝટકો આપશે. તેલ પુરવઠામાં વિક્ષેપોના કારણે ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને આયાત પર નિર્ભર દેશો પર ભારે દબાણ પડી રહ્યું છે.
અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ઠપ કર્યો
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓ બાદ ઈરાને વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને લગભગ ઠપ કરી રાખ્યો છે અને માત્ર થોડા દેશોના જહાજોને જ ત્યાંથી પસાર થવાની મંજૂરી છે જેમાં ભારત સામેલ છે.



