યુદ્ધવિરામની આશા! પાકિસ્તાનની મધ્યસ્થીમાં અમેરિકા સાથે વાતચીત કરવા ઈરાન તૈયાર, આ શરતો મૂકી | iran us mediation pakistan ceasefire prospects security guarantees 2026

![]()
Pakistan War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે શાંતિની એક આશા જાગી છે. ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકા સાથે મધ્યસ્થી કરવા માટે શરતી તૈયારી દર્શાવી છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ઈરાનની સુરક્ષાની ખાતરી આપવામાં આવે, તો બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ અથવા હુમલાઓ પર રોક લગાવવા અંગે મોટી જાહેરાત થઈ શકે છે.
ઈરાનની 5 મુખ્ય શરતો
ઈરાને અમેરિકા સાથે મધ્યસ્થી પ્રક્રિયામાં જોડાવા માટે પાંચ મુખ્ય શરતો રજૂ કરી છે:
1. ઈરાન પર થતા તમામ સૈન્ય હુમલાઓ તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.
2. અમેરિકા અને ઇઝરાયલ તરફથી લેખિત ખાતરી આપવામાં આવે કે ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
3. પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો આ મધ્યસ્થીમાં સક્રિય ભૂમિકા ભજવે.
4. વોશિંગ્ટન તેહરાનની સુરક્ષા ચિંતાઓનું નિવારણ કરે તેની ગેરંટી આ ચાર દેશો આપે.
5. વાટાઘાટો માટે એક ચોક્કસ રોડમેપ તૈયાર કરવામાં આવે.
પાકિસ્તાન, સાઉદી અને તુર્કીની મહત્વની બેઠક
આગામી 29-30 માર્ચના રોજ ઈસ્લામાબાદમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓની એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ઈરાન દ્વારા મૂકવામાં આવેલી શરતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જો આ દેશો અમેરિકા પાસેથી ઈરાનને જરૂરી સુરક્ષા ગેરંટી અપાવવામાં સફળ રહેશે, તો ટૂંક સમયમાં હુમલાઓ પર વિરામ જાહેર થઈ શકે છે.
ક્યારે થઈ શકે છે મોટી જાહેરાત?
રાજદ્વારી સૂત્રોના મતે, આ મધ્યસ્થીના પ્રયાસોમાં સફળતા મળવાની સૌથી વધુ શક્યતા 31 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે જોવામાં આવી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આ પ્રક્રિયા ઝડપી બની છે.
પાકિસ્તાનની ભૂમિકા કેમ મહત્વની?
પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બ્રિજ તરીકે કામ કરી રહ્યું છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને પણ સંકેત આપ્યો છે કે, આ ચાર દેશો (પાકિસ્તાન, સાઉદી, તુર્કી, ઇજિપ્ત) ભૂરાજકીય પ્રભાવ ધરાવતા હોવાથી આ યુદ્ધને રોકવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં થતા વેપાર અને ઉર્જા પુરવઠાને બચાવવા માટે આ મધ્યસ્થી અત્યંત અનિવાર્ય બની છે.



