હુથીઓ કોણ છે, જેમના એક હુમલાથી પલટાઈ જશે ઈરાન-અમેરિકા યુદ્ધ, રાતા સમુદ્ર પર ખતરો | houthi attacks israel bab al mandeb global trade crisis 2026

![]()
Houthi Attack Israel : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા મહાયુદ્ધમાં હવે યમનના હુથી બળવાખોરોએ પણ ઝંપલાવ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા જંગ બાદ શનિવારે હુથીઓએ પ્રથમ વખત ઈઝરાયલ પર સીધો હુમલો કરવાની જાહેરાત કરી છે. યમનની રાજધાની સનામાં હજારો સમર્થકોએ હથિયારો સાથે શક્તિ પ્રદર્શન કરીને ઈરાન અને લેબનાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
કોણ છે આ હુથી?
હુથી, જેમને અંસાર અલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યમનનો એક સશસ્ત્ર રાજકીય સમૂહ છે. તેઓ મુખ્યત્વે ઝૈદી શિયા મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા છે. 2014-15 માં તેમણે રાજધાની સના પર કબજો કર્યો હતો. તેમને ઈરાનનું રાજકીય અને સૈન્ય સમર્થન પ્રાપ્ત છે, અને તેઓ ઈરાનના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સનેટવર્કનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.
બાબ-અલ-મંદેબવૈશ્વિક વેપારની નસ હુથીઓના હાથમાં?
હુથીઓની એન્ટ્રીથી સૌથી મોટું જોખમ દરિયાઈ વેપાર પર તોળાઈ રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હવે બાબ-અલ-મંદેબ પર હુથીઓનું વર્ચસ્વ દુનિયાને હચમચાવી શકે છે. આ માર્ગ લાલ સાગરને એડનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે. સ્વેઝ નહેર સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે.
આર્થિક અસર
વિશ્વના દરિયાઈ વેપારનો 10% થી 15% હિસ્સો આ રૂટ પરથી પસાર થાય છે. જો હુથીઓ અહીં જહાજો પર હુમલા કરે, તો જહાજોએ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ ફરીને લાંબુ ચક્કર લગાવવું પડશે. યુરોપ અને એશિયા વચ્ચે ઊર્જા પુરવઠો પહોંચાડવા માટે આ અત્યંત મહત્ત્વનો માર્ગ છે. ભારત માટે પણ આ માર્ગે આવતા તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે.
શું યુદ્ધ વધુ વ્યાપક બનશે?
હુથી નેતા અબ્દુલ મલિક અલ-હુથીએ ચેતવણી આપી છે કે, જો જરૂર પડશે તો તેઓ વધુ ભયાનક સૈન્ય પ્રતિક્રિયા આપશે. નિષ્ણાતો માને છે કે જો આ માર્ગ બંધ થાય તો તેની ભયાનક અસર થઇ શકે છે.
1. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો આકાશે આંબશે.
2. વૈશ્વિક બજારોમાં ભારે અસ્થિરતા આવશે.
3. ખાધ્ય પદાર્થો અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થશે.



