ઈરાન ફરતે અમેરિકાનો ‘ચક્રવ્યૂહ’: મિડલ ઈસ્ટમાં 3,500 મરીન સૈનિકોની એન્ટ્રી, ખાર્ગ આઈલેન્ડ પર ખતરો | us deploys 3500 marine troops to middle east amid war against iran

US Marine deployment Middle East: ઈરાન સાથે ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તાકાતમાં મોટો વધારો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના જણાવ્યા અનુસાર, અંદાજે 3,500 મરીન કમાન્ડો અને નાવિકોની એક ટુકડી આ વિસ્તારમાં પહોંચી ગઈ છે. આ સૈનિકો ‘યુએસએસ ત્રિપોલી’ નામના વિશાળ યુદ્ધ જહાજ પર સવાર થઈને 27 માર્ચના રોજ નિર્ધારિત ક્ષેત્રમાં પહોંચ્યા હતા. આ હુમલાખોર યુદ્ધ જહાજ લડાયક વિમાનો, હેલિકોપ્ટર અને સમુદ્ર તેમજ જમીન એમ બંને જગ્યાએ ઓપરેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈરાન સરહદે અમેરિકાની કિલ્લેબંધી
અમેરિકાની આ સૈન્ય તૈયારીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન સામે વધતા જોખમને પહોંચી વળવાનો છે. આ પ્રકારના સ્પેશિયલ ફોર્સનો ઉપયોગ મહત્ત્વની જગ્યાઓ પર કબજો મેળવવા, નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી હુમલા કરવા માટે કરવામાં આવે છે. અહેવાલો મુજબ, પેન્ટાગોન મધ્ય પૂર્વમાં વધારાના 10,000 સૈનિકો તહેનાત કરવા પર પણ વિચાર કરી રહ્યું છે, જેથી અમેરિકન પ્રમુખ પાસે મુત્સદ્દીગીરી સિવાય સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પણ ખુલ્લો રહે.
વ્યૂહાત્મક સ્થળો પર નજર
આ નવા સૈનિકોમાં પાયદળ અને સશસ્ત્ર વાહનો(બખ્તરબંધ ગાડીઓ) સામેલ હોઈ શકે છે. આ ટુકડીને તે 5,000 મરીન અને હજારો પેરાટ્રૂપર્સ સાથે જોડવામાં આવશે જેમને પહેલાથી જ આ વિસ્તારમાં મોકલવાનો આદેશ આપી દેવાયો છે. જોકે આ સૈનિકોને ચોક્કસ ક્યાં તહેનાત કરાશે તે જાહેર કરાયું નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમને ઈરાન અને તેના અતિ મહત્ત્વના ‘ખાર્ગ દ્વીપ’ પાસે રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખાર્ગ દ્વીપ ઈરાન માટે આર્થિક રીતે અત્યંત મહત્ત્વનો છે કારણ કે ત્યાંથી મોટા પાયે તેલની નિકાસ થાય છે.




