दुनिया

Explainer | ઈરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી ‘ટાકો’ રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે | Iran War 1 Month: Will Trump ‘TACO’ Again or Escalate Conflict


Iran War 1 Month: Will Trump ‘TACO’ Again or Escalate Conflict? | ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે એક મહિનો થઈ ગયો છે. આ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હવાઈ હુમલામાં માર્યા ગયા, એ પછી ઈરાને પણ પલટવાર કરતાં સાઉદી અરેબિયા અને ઈઝરાયલમાં અમેરિકન થાણાંઓ પર હુમલા કર્યા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો, જેને લીધે વિશ્વમાં ઊર્જા કટોકટી સર્જાઈ. 

તાજેતરમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, અમેરિકા આ યુદ્ધમાં પોતાના મોટાભાગના લશ્કરી લક્ષ્યાંકો હાંસલ કરી ચૂક્યું હોવાથી હવે આ યુદ્ધ લાંબું નહીં ચાલે; અમેરિકા પોતાના બાકીના લશ્કરી ઓપરેશન ‘મહિનાઓ નહીં, પરંતુ અઠવાડિયાઓમાં’ પૂરા કરી દેશે. 

Explainer | ઈરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે 2 - image

અમેરિકા પોતાની સેના જમીન પર ઉતારશે? 

અત્યાર સુધી ઈરાનને સૌથી મોટો ડર એ વાતનો હતો કે અમેરિકા તેના પર જમીની હુમલો (ગ્રાઉન્ડ ઇન્વેઝન) કરી શકે છે. પરંતુ માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા પોતાના તમામ લશ્કરી ઉદ્દેશ્યો જમીન પર સેના ઉતાર્યા વિના પણ હાંસલ કરી શકે છે. આ નિવેદનથી ઈરાનને મોટી રાહત મળી શકે છે કારણ કે જમીની યુદ્ધ લાંબું અને વધુ વિનાશક બની શકે છે. હાલપૂરતું તો યુદ્ધ હવાઈ અને મિસાઇલ હુમલાઓ સુધી સીમિત રહેવાની શક્યતા વધુ છે.

Explainer | ઈરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે 3 - image

અમેરિકાના સૈનિકો મધ્ય-પૂર્વ તરફ

વાસ્તવિકતા એ પણ છે કે અમેરિકા હજારો મરીન અને એરબોર્ન સૈનિકોને મિડલ ઈસ્ટમાં મોકલી રહ્યું છે. આ સૈનિકો માર્ચના અંત સુધીમાં યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી જશે. રુબિયોના જણાવ્યા મુજબ, આ તૈનાતી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ‘મહત્તમ વિકલ્પો’ આપવા માટે કરવામાં આવી રહી છે, તેથી જો જરૂર પડે તો તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે. 

Explainer | ઈરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે 4 - image

શું ટ્રમ્પનો 15-મુદ્દાનો પ્રસ્તાવ કામ કરશે?

અમેરિકાએ શાંતિ માટે પણ પ્રયાસો શરૂ કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 15-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે, જે પાકિસ્તાન મારફતે પહોંચાડવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ પ્રસ્તાવમાં નીચે મુજબની બે મુખ્ય શરતો રાખવામાં આવી છેઃ 

ઈરાને યુરેનિયમ સંવર્ધન બંધ કરવું પડશે. 

મિસાઇલ કાર્યક્રમો પર લગામ લગાવવી પડશે.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા 10 દિવસની સમયમર્યાદા આપી

ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે શાંતિમંત્રણા ચાલી રહી છે. અમેરિકાએ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 10 દિવસની નવી સમયમર્યાદા આપી છે. જો ઈરાન આ માર્ગ નહીં ખોલે, તો તેના ઊર્જા માળખા પર સીધા હુમલા કરવાની ચેતવણી પણ અમેરિકા આપી ચૂક્યું છે. અલબત્ત, ઈરાનના વિદેશમંત્રીએ કોઈપણ પ્રકારની વાટાઘાટો થઈ હોવાની વાત નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે અમારા પર હુમલા થઈ રહ્યા હોય ત્યારે વાતચીત સ્વીકાર્ય નથી. આમ, શાંતિ મંત્રણા અંગે હજુ સ્પષ્ટતા આવી નથી.

Explainer | ઈરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે 5 - image

અમેરિકાનો દારૂગોળો ખતમ થઈ રહ્યો છે?

યુદ્ધની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર પહેલા 16 દિવસમાં જ અમેરિકાએ 6,000થી વધુ દારૂગોળો ખર્ચી નાખ્યો છે. સંશોધકોના અંદાજ મુજબ, જો લડાઈ આ જ ગતિએ ચાલુ રહેશે તો અમેરિકા પાસે જરૂરી THAAD (હવાઈ સંરક્ષણ મિસાઇલ) અને PrSM(ચોકસાઈ માર્ગદર્શિત મિસાઇલ)નો ભંડાર ખતમ થવાનો ખતરો છે.

આ ઉપરાંત, ટોમહોક મિસાઇલના ભંડારમાં પણ ઘટાડો થયો છે. આ દારૂગોળાનો ભંડાર ફરી બનાવવામાં ઓછામાં ઓછા 3થી 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આવી પરિસ્થિતિ માત્ર વર્તમાન ઈરાન યુદ્ધ માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં ચીન જેવા દેશ સાથેના સંભવિત સંઘર્ષ માટે પણ અમેરિકા માટે મોટો પડકાર બની શકે છે.

‘ટ્રમ્પ ટાકો’: શું રાષ્ટ્રપતિ ફરી પીછેહઠ કરશે?

આ સંઘર્ષમાં એક નવો શબ્દ પ્રચલિત થયો છે: ‘ટાકો’ (TACO). આ શબ્દ ‘ટ્રમ્પ ઓલવેઝ ચિકન્સ આઉટ’ (Trump Always Chickens Out) એટલે કે ‘ટ્રમ્પ હંમેશાં પીછેહઠ કરે છે’ પરથી બનાવવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પ જ્યારે પણ જોખમ વધતું જુએ છે—ખાસ કરીને શેરબજારમાં ઘટાડો થાય અને ઓઇલના ભાવમાં વધારો થતો જુએ—ત્યારે કડક ધમકીઓ આપ્યા બાદ પીછેહઠ કરી લે છે.

તાજેતરમાં પણ ટ્રમ્પે ઈરાન પર ઊર્જા હુમલાની ધમકી આપી જેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ $112 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા અને શેરબજારમાં ભારે ઘટાડો થયો. ત્યારે ટ્રમ્પે અચાનક જ આ હુમલા સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી. આને ‘ટ્રમ્પ ટાકો’નું જીવંત ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે. હવે જો બજારની સ્થિતિ વધુ બગડશે તો ટ્રમ્પ વાટાઘાટો તરફ વળી શકે છે.

Explainer | ઈરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે 6 - image

યુદ્ધના ભયાનક આંકડા: માનવજીવન અને અર્થતંત્ર પર અસર

આ એક મહિનાના યુદ્ધમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે.

ઈરાનમાં: 1,900થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘાયલ થયા છે.

અમેરિકા અને સાથી દેશોમાં: 13 અમેરિકન સૈનિકો શહીદ થયા છે, જ્યારે 300થી વધુ ઘાયલ થયા છે. 

બંને પક્ષે થયેલી આર્થિક ખુવારીનો તો કોઈ હિસાબ જ લગાવી શકાય એમ નથી.

આ યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રને પણ ધ્રુજાવી મૂક્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ઓઇલના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $70થી વધીને $110ની આસપાસ પહોંચી ગયો છે, જે થોડા સમય માટે $119 સુધી પણ ગયો હતો. આના કારણે અમેરિકા સહિતના દેશોમાં ફુગાવાની ચિંતા વધી ગઈ છે.

નિષ્ણાતો શું કહે છે? 

આ યુદ્ધ અંગે નિષ્ણાતોના મંતવ્યો પણ અલગ-અલગ છે.

અમેરિકા અને ઈઝરાયલના ઉદ્દેશ્યોમાં તફાવત: નિષ્ણાતો માને છે કે અમેરિકા વૈશ્વિક અર્થતંત્ર અને ઓઇલના ભાવને સ્થિર રાખવા માંગે છે, જ્યારે ઈઝરાયલ ઈરાનની લશ્કરી ક્ષમતાનો સંપૂર્ણ નાશ કરવા માંગે છે. આ બંનેના હિતો એકબીજાથી અલગ છે.

ઈરાનની મજબૂતી: નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધમાં ઈરાનની સરકાર અપેક્ષા કરતાં વધુ મજબૂત સાબિત થઈ છે. ઈરાનના નવા નેતૃત્વમાં પણ ફેરફાર થયો છે; હવે જે લોકો સત્તામાં આવ્યા છે એ વધુ કટ્ટરપંથી છે.

કોનું પલડું ભારે? કોણ જીતશે યુદ્ધ? 

આ પ્રશ્નોનો કોઈ જવાબ નથી. હકીકત એ છે કે આખી દુનિયાની ધારણાથી વિરુદ્ધ ઈરાન આ યુદ્ધમાં વધુ મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરી આવ્યું છે જ્યારે કે અમેરિકા બાબતે એનાથી ઊંધું થયું છે. નિષ્ણાતો કહે છે કે ‘ઈરાન હાર્યા વિના જીતે છે, અને ટ્રમ્પ જીત્યા વિના હારે છે.’ (Iran wins by not losing, and Trump loses by not winning). 

હાલની સ્થિતિ જોતાં એવું લાગે છે કે કદાચ હવે યુદ્ધ વધુ ઉગ્ર ન બને, પરંતુ તેનો અંત કેવી રીતે આવશે તે હજુ સ્પષ્ટ નથી. અમેરિકા જમીની યુદ્ધ ટાળવા માંગે છે, પરંતુ ઈરાન પણ હઠીલું છે. આવી સ્થિતિમાં, બજારની અસ્થિરતા અને શસ્ત્રોના ભંડારની ખોટ જ ટ્રમ્પને શાંતિ મંત્રણા તરફ ધકેલી શકે છે. આ યુદ્ધમાં કોઈ એક પક્ષ સ્પષ્ટ વિજેતા નીકળશે એવી શક્યતા ઓછી છે.



Source link

Related Articles

Back to top button