એચ-1બી વિઝાધારકોનો લઘુત્તમ પગાર વધારવા ટ્રમ્પ સરકારની દરખાસ્ત | Trump government proposes to increase minimum wage for H 1B visa holders

![]()
– વિદેશી પ્રોફેશનલ્સ-યુએસ નાગરિકોનો પગાર સમાન કરવાનો આશય
– સૂચિત નિયમ હેઠળ વિદેશી પ્રોફેશનલ્સનો પગાર વાર્ષિક 14,000 ડોલર વધવાની સંભાવના : શ્રમ વિભાગ
– સૂચિત નિયમના અમલથી અમેરિકન નાગરિકના બદલે સસ્તા વિદેશી પ્રોફેશનલ્સને નોકરી આપવાનું પ્રમાણ ઘટી શકે
વોશિંગ્ટન : અમેરિકન શ્રમ વિભાગે એચ-૧બી અને અન્ય વિઝા કાર્યક્રમો હેઠળ વિદેશી કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર વધારવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિદેશી કર્મચારીઓનો પગાર અમેરિકન બજારના પગારને અનુરૂપ લાવવાના આશયથી આ દરખાસ્ત કરાઈ છે. શ્રમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેનાથી અમેરિકન કર્મચારીઓની સુરક્ષા થશે અને વિઝા સિસ્ટમનો દુરુપયોગ ઘટાડી શકાશે.
અમેરિકન શ્રમ વિભાગના સૂચિત પ્રસ્તાવની ભારતીય પ્રોફેશનલ્સની રોજગારીની તકો પર અસર પડવાની શક્યતા છે. આ પહેલાં ટ્રમ્પ સરકારે એચ-૧બી વિઝા પર એક લાખ ડોલરની ફી નાંખી દીધી હતી. હવે નવા નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
અમેરિકન શ્રમ મંત્રી લોરી શાવેઝ ડિરેમરે કહ્યું કે, ટ્રમ્પ સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે અમેરિકન નાગરિકો અન્યાયપૂર્ણ પગાર સિસ્ટમથી રોજગારી ના ગુમાવે. આ પ્રસ્તાવ હેઠળ પ્રચલિત પગારની ગણતરીની રીત બદલાશે. તે લઘુત્તમ પગાર નિશ્ચિત કરે છે, જે એમ્પ્લોયરે વિદેશી કર્મચારીઓને આપવાનો હોય છે.
નવી યોજના મુજબ એન્ટ્રી લેવલના પગારમાં ઝડપથી વધારો થશે. લઘુત્તમ સ્તર લગભગ ૧૭મા પર્સેન્ટાઈલથી વધીને ૩૪મું પર્સેન્ટાઈલ થઈ જશે અને ઉચ્ચતમ સ્તર ૬૭મા પર્સેન્ટાઈલથી વધીને ૮૮મું પર્સેન્ટાઈલ સુધી પહોંચી જશે. વિદેશી પ્રોફેશનલ્સ માટે વર્તમાન પગાર સ્તર ખૂબ જ નીચું છે. તેના કારણે કંપનીઓ અમેરિકન નાગરિકોની સરખામણીમાં સસ્તા વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરી લે છે.
સરકારી આંકડા મુજબ એચ-૧બી કામદારોને સમાન નોકરીઓમાં અમેરિકન કર્મચારીઓની સરખામણીમાં મોટાભાગે ઓછો પગાર મળે છે. આ અંતર સરેરાશ ૧૦,૦૦૦ ડોલર જેટલું હોય છે. સૂચિત નિયમો હેઠળ એમ્પ્લોયરે પ્રચલિત પગાર અથવા અમેરિકન કર્મચારીઓને અપાતો વાસ્તવિક પગાર બેમાંથી જે વધુ હશે તે વિદેશી પ્રોફેશનલ્સને ચૂકવવાનો રહેશે. જોકે, પ્રચલિત પગાર લઘુત્તમ મર્યાદા તરીકે કામ કરે છે અને નિષ્ણાતોનું કહેવું છે કે તેને ખૂબ જ ઓછો રખાયો છે.
નવા નિયમ એચ-૧બી વિઝાની નવી અરજીઓ પર લાગુ થશે અને વર્તમાન સ્વીકૃત અરજીઓ પર તેની કોઈ અસર નહીં થાય. શ્રમ વિભાગ મુજબ સૂચિત પગાર વધારાથી વિદેશી પ્રોફેશનલ્સનો પગાર વાર્ષિક લગભગ ૧૪,૦૦૦ ડોલર વધી શકે છે, જેથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી પર એમ્પ્લોયરનો ખર્ચ વધી જશે તેમ શ્રમ વિભાગે જણાવ્યું હતું.



