दुनिया

ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડાયું? રૂપિયા 225 કરોડના ઈનામની જાહેરાત, ઈરાનમાં શરૂ થયું ‘કિલ ટ્રમ્પ’ અભિયાન | iran crowdfunding a campaign to assassinate donald trump



Iran Crowdfunding News: ઈરાનના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. ઘણા ઈરાની નાગરિકોને મોબાઇલ પર સામૂહિક સંદેશ મળી રહ્યા છે, જેમાં લખ્યું છે કે એક આંતરરાષ્ટ્રીય ઝુંબેશ હેઠળ ટ્રમ્પની હત્યા કરનારને રૂપિયા 225 કરોડ જેટલું મોટું ઇનામ આપવામાં આવશે. ટ્રમ્પની હત્યા માટે નાણાં ભેગા કરવા નાગરિકોને ડોનેશન આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની હત્યા પછી શરૂ થઈ હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા પર કેવી રીતે ચાલી રહ્યો છે પ્રચાર?

ઈરાનની લોકપ્રિય એપ ‘રુબિકા’ પર “કિલ ટ્રમ્પ” નામની ચેનલ ચાલે છે, જેના 2.3 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેનલમાં ટ્રમ્પની તસવીર પર લાલ લેસર ડોટ દર્શાવવામાં આવ્યો છે. બીજી એપ ‘બેલ’ પર પણ આવી જ એક ચેનલ છે જેમાં 2,000 જેટલા સભ્યો છે. બંને ચેનલો આ ઝુંબેશને સમર્થન આપી રહી છે. આ ઝુંબેશ ઈરાન યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ ફેબ્રુઆરી 2026માં શરૂ થઈ ગઈ હતી.

225 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર

આ ઝુંબેશ હેઠળ ટ્રમ્પના હત્યારાને આપવા માટે મોટી રકમ એકઠી કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેહરાનની એક સ્વતંત્ર વેબસાઇટ ‘ડિડબાન ઈરાન’ અનુસાર આ ઝુંબેશમાં લગભગ 2,90,000 લોકોએ સમર્થન આપ્યું છે. હત્યારાને કુલ $25 મિલિયન (અંદાજે રૂ. 225 કરોડ) જેટલી રકમ આપવાની જાહેરાત કરાઈ છે. જોકે, આ રકમ હજુ એકત્ર થઈ નથી, માત્ર વચન જ આપવામાં આવ્યું છે.

‘ટ્રમ્પનું માથું લાવો’ – મુલ્લાઓએ અલગથી ઇનામ જાહેર

2025માં જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે ઈરાની સરકારી મીડિયાના એક ભૂતપૂર્વ કર્મચારી સાથે જોડાયેલા જૂથ ‘બ્લડ કોવેનન્ટ’એ ટ્રમ્પની હત્યા માટે $40 મિલિયન (રૂ. 360 કરોડ) એકઠા કર્યા હતા. આ જૂથે અનેક મુલ્લાઓના ફતવા પછી આ ઝુંબેશ શરૂ કરી હતી. 

જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનની ત્રણ પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો ત્યારે મુલ્લાઓએ ટ્રમ્પને ‘અલ્લાહના દુશ્મન’ ગણાવ્યા હતા. પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના એક મુલ્લા અઝેરીએ ટ્રમ્પની હત્યા માટે 100 અબજ તોમાન (લગભગ $1.14 મિલિયન અથવા રૂ. 9.6 કરોડ)નું ઇનામ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું, ‘ટ્રમ્પનું માથું લાવનારને 100 અબજ તોમાન આપીશું’.

ઈરાની રાષ્ટ્રપતિનો જવાબ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે તેમને ‘Kill Trump’ જેવા કોઈ ફતવા કે હુકમની જાણ નથી. તેમણે ટ્રમ્પની હત્યા માટેની ઝુંબેશને ઈરાની સરકાર અથવા ખામેનેઈ સાથે જોડવાનો ઇનકાર કર્યો હતો.

ટ્રમ્પને અમેરિકામાં જ મારવાનું કાવતરું ભૂતકાળમાં પણ ઘડાયું હતું

2024માં ફરહાદ શકરી નામના જાસૂસે ‘ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ’ (IRGC) ના આદેશથી ટ્રમ્પની હત્યાની યોજના બનાવી હતી. અમેરિકામાં રહેતા હિટમેનની ભરતી કરવાના પ્રયાસ રૂપે તેણે બે અમેરિકી હિટમેન – કાર્લિસલ પોપ રિવેરા અને જોનાથન લોડહોલ્ટ – સાથે વાત કરી હતી. એ બંનેને $1 લાખ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ બંને પકડાઈ ગયા હતા. શકરીએ ઈરાનમાં રહીને જ આ કાવતરું ઘડ્યું હોવાથી અમેરિકા તેની ધરપકડ કરી શક્યું નથી. 

પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટનું કાવતરું

2020માં ટ્રમ્પના આદેશ પર ઈરાની જનરલ કાસેમ સુલેમાનીની હત્યા કરાઈ હતી. એ પછી ઈરાને ટ્રમ્પની હત્યા માટે પ્રયાસ કર્યો હતો. આ કામ આસિફ મર્ચન્ટ નામની પાકિસ્તાની વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. ટ્રમ્પની હત્યા કરવામાં એ સફળ થાય તો તેને $1 મિલિયન આપવાની ઓફર કરવામાં આવી હતી. પાકિસ્તાની કપડાના વેપારી બનીને આસિફ અમેરિકા ગયો હતો અને ત્યાં એણે ‘કિલ ટીમ’ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અમેરિકામાં જઈને પોતાની ટીમમાં ભાડૂતી હત્યારાઓની ભરતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પકડાઈ ગયો હતો. માર્ચ 2026માં તેને આતંકવાદ અને ભાડેથી હત્યા કરવાના પ્રયાસના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેને આજીવન કેદની સજા થઈ શકે છે. 

આવા કાવતરાં એ વાત તરફ ઈશારો કરે છે કે ટ્રમ્પની હત્યાના પ્રયાસો ફક્ત ઈરાન સુધી સીમિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહ્યા છે. ટ્રમ્પની હત્યા માટેની ઝુંબેશ આગામી દિવસોમાં વાસ્તવિક ખતરો બની શકે છે કે ફક્ત પ્રચાર પૂરતી રહેશે—એ જોવું રસપ્રદ રહેશે.



Source link

Related Articles

Back to top button