સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ઈચ્છામૃત્યુ વડે જીવનનો અંત આણ્યો, સગા પિતા સામે કોર્ટમાં કેસ લડવો પડ્યો | Spanish Gang Rape Survivor Noelia Castillo Wins Right to Euthanasia After Legal Battle With Father

![]()
Noelia Castillo Euthanasia Case : ભારતના 31 વર્ષીય યુવક હરીશ રાણાએ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી ઈચ્છામૃત્યુ (પેસિવ યુથેનેશિયા)ની મંજૂરી પછી દેહત્યાગ કર્યો એના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. હવે ઈચ્છમૃત્યુનો એક કિસ્સો યુરોપથી આવ્યો છે. સ્પેનની 25 વર્ષીય નોએલિયા કાસ્ટિલોની ઇચ્છામૃત્યુની અરજી કોર્ટે મંજૂર કરી છે. ગેંગરેપનો ભોગ બનેલી નોએલિયાના ઇચ્છામૃત્યુ વિરુદ્ધ બીજા કોઈ નહીં પણ ખુદ નોએલિયાના પિતા જ કોર્ટમાં ગયા હતા. નોએલિયા કેવી બર્બરતાનો ભોગ બની હતી અને કઈ રીતે એણે પિતા સામે કોર્ટ કેસ લડીને મોતની રાહમાં જીત મેળવી, એની કહાની હૃદયદ્રાવક છે.
પડકારભર્યા જીવનમાં દુષ્કર્મની પીડા ઉમેરાઈ
નોએલિયાનું જીવન શરૂઆતથી જ અનેક પડકારો સામે લડી રહ્યું હતું. બાર્સેલોનાની રહેવાસી આ યુવતી માત્ર 13 વર્ષની હતી ત્યારથી માનસિક સારવાર લઈ રહી હતી, કેમ કે તેના માતા-પિતાના છૂટાછેડા બાદ તે OCD (ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર) અને BPD (બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર) જેવી ગંભીર માનસિક બિમારીઓથી પીડાવા લાગી હતી.
પહેલા બોયફ્રેન્ડે પછી અજાણ્યા યુવકોએ દુષ્કર્મ કર્યો
માનસિક સમસ્યાઓથી ઘેરાયેલી નોએલિયા 2022માં દુષ્કર્મનો ભોગ બની હતી. પહેલા તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે તેના પર રેપ કર્યો અને ત્યારબાદ ત્રણ અન્ય યુવકો દ્વારા તે સામૂહિક દુષ્કર્મનો ભોગ બની. આ ઘટનાએ નોએલિયાને ભાવનાત્મક રીતે તોડી નાખી.
આત્મહત્યાના પ્રયાસે જીવન ઔર દર્દનાક બનાવી દીધું
દુષ્કર્મ બાદ નોએલિયાની માનસિક સ્થિતિ વધુ બગડી. શારીરિક-માનસિક પીડામાંથી છૂટી જવા માટે તેણે આત્મહત્યાના પ્રયાસ કર્યા. એક વાર સફળ ન થઈ તો ફરીથી કર્યા. ઓક્ટોબર, 2022માં દવાનો ઓવરડોઝ લઈને તેણે એક બિલ્ડિંગના પાંચમા માળેથી છલાંગ લગાવી દીધી. ત્યારે પણ તે જીવી ગઈ હતી. નોએલિયા બચી ગઈ, પણ તેની કમર નીચેનું શરીર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયું.
અસહ્ય પીડામાંથી છૂટવા ઇચ્છામૃત્યુને શરણે ગઈ
નોએલિયાની પીડા એટલી તીવ્ર અને અસહ્ય હતી કે તે રાતે વ્યવસ્થિત ઊંઘી પણ નહોતી શકતી. તબીબી સારવારથી એની સ્થિતિમાં સુધારો થવાની કોઈ આશા બાકી નહોતી રહી. તેથી તેણે ઇચ્છામૃત્યુ માટે અરજી કરી, કેમ કે તે પોતાની દર્દનાક સ્થિતિથી કંટાળી ગઈ હતી.
દીકરી સામે પિતાની કાનૂની લડાઈ
નોએલિયાની ઈચ્છામૃત્યુની માંગનો તેના પિતા ગેરોનિમો કાસ્ટિલોએ વિરોધ કર્યો. પિતાની દલીલ હતી કે નોએલિયાની માનસિક બીમારીઓના કારણે તે સ્પષ્ટ નિર્ણય લેવા માટે સક્ષમ નથી. નીચલી અદાલતે તો જુલાઈ, 2024માં જ નોએલિયાની ઈચ્છામૃત્યુની માંગને મંજૂરી આપી દીધી હતી, પરંતુ પિતાએ અન્ય કાયદાઓનો સહારો લઈને નોએલિયાની ઇચ્છામૃત્યુની પ્રક્રિયાને અટકાવી દીધી. ગેરોનિમો આ કેસ સ્પેનની ઉચ્ચ અદાલતોથી માંડીને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ સુધી લઈ ગયા. આત્મહત્યાના વિરોધી રૂઢિચુસ્ત ખ્રિસ્તી જૂથો પણ ગેરોનિમોના પક્ષમાં હતા.
‘પરિવારનું સુખ મારા દુ:ખ કરતાં મોટું ન હોઈ શકે’
નોએલિયાએ કોર્ટમાં એવી દલીલ કરી કે, ‘મારું દુ:ખ હું જ જાણું છું. મારો પરિવાર મને જીવતી જોવા માંગે છે, પણ મારા પિતા, માતા કે બહેનનું સુખ હું જે દુ:ખ ભોગવી રહી છું, એના કરતાં મોટું ન હોઈ શકે.’
આખરે નોએલિયા જીતી
પિતા ગેરોનિમોની અરજી સ્પેનની બંધારણીય અદાલતે ફગાવી દીધી. ગેરોનિમો યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાં ગયા તો એ અદાલતે પણ 10 માર્ચે ગેરોનિમોની વિનંતી નકારી કાઢી. એ રીતે, લગભગ બે વર્ષની કાનૂની લડાઈ બાદ નોએલિયાએ પિતા સામે કાનૂની જીત હાંસલ કરી.
નોએલિયાની અંતિમ ઈચ્છા
નોએલિયાએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, હું સુંદર મોત ઇચ્છું છું. મરતી વખતે મારે સુંદર ડ્રેસ પહેરવો છે અને મેકઅપ પણ કરવો છે. મૃત્યુ સમયે પોતાની સાથે બાળપણના ચાર ખુશીભર્યા ફોટોગ્રાફ રાખવાની ઇચ્છા પણ તેણે જતાવી હતી.
માતાનો ટેકો અને અંતિમ વિદાય
નોએલિયાના નિર્ણયમાં તેની માતા યોલાન્ડા રામોસે સાથ આપ્યો હતો. માતા ચાહતી હતી કે નોએલિયા જીવતી રહે, પણ દીકરીની ઇચ્છા વિરુદ્ધ માતા ક્યારેય નહોતી ગઈ. ગુરુવાર, 26 માર્ચના રોજ વર્ષીય નોએલિયા કાસ્ટિલોએ ઇચ્છામૃત્યુ દ્વારા પોતાનું જીવન સમાપ્ત કર્યું.
સ્પેનનો ઈચ્છામૃત્યુ કાયદો શું કહે છે?
સ્પેનમાં ઈચ્છામૃત્યુનો કાયદો 2021માં લાગુ થયો હતો. આ કાયદા હેઠળ કોઈપણ પુખ્ત વ્યક્તિ ઈચ્છામૃત્યુ માટે અરજી કરી શકે છે. અલબત્ત, આ માટે જરૂરી છે કે અરજદાર ‘ગંભીર અને અસાધ્ય બીમારી’ ધરાવતો હોય. આ માટે અરજદારે લેખિત અરજી અને ડોક્ટરનું પ્રમાણપત્ર સબમિટ કરવાના હોય છે. જૂન, 2021થી 2024ના અંત સુધીમાં સ્પેનમાં 1,12૩ લોકોએ આ કાયદા હેઠળ ઇચ્છામૃત્યુ મેળવ્યું હતું.



