અમને કતાર ન સમજતા, ખરાબ રીતે મારીશું…’, અચાનક જ પાકિસ્તાન કેમ ભડક્યું ઈઝરાયલ પર? | why has pakistan now issued a threat to israel said we are not qatar

![]()
Pakistan Get Angry On Israel: અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ઈઝરાયલ પર ભડકી ગયું છે અને તેને ચેતવણી આપી દીધી છે. પાકિસ્તાન સરકાર સાથે સંકળાયેલ એક ફોરમે કહ્યું કે, અમને કતાર ન સમજતા. જો અધિકારીઓને કંઈ થયું તો તેનો અંજામ ખૂબ ખરાબ આવશે. એવા અહેવાલો હતા કે, અમેરિકા અને ઈઝરાયલે તહેરાનમાં પાકિસ્તાની દૂતાવાસ નજીક હુમલા કર્યા હતા. ઈઝરાયલ સુરક્ષા દળોએ શુક્રવારે જણાવ્યું હતું કે, અમે મધ્ય તહેરાનમાં શ્રેણીબદ્ધ મોટા પાયે હુમલાઓ કર્યા છે.
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સરકાર સાથે સંકળાયેલ પાકિસ્તાન સ્ટ્રેટેજિક ફોરમે કહ્યું કે, ‘ઈઝરાયલે એ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન કતાર નથી. જો અમારા ડિપ્લોમેટ્સને દુનિયાના કોઈ પણ છેડે, કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે, તો અમે તેમને ખરાબ રીતે માર મારીશું.’
અહેવાલમાં સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની દૂતાવાસના પરિસર અને સ્ટાફને કોઈ નુકસાન નથી પહોંચ્યું. જોકે, આ દરમિયાન નજીકની ઘણી ઇમારતો પ્રભાવિત થઈ હતી.
IDFએ હુમલા અંગે જણાવ્યું
મીડિયા અહેવાલ પ્રમાણે IDFએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, ‘થોડા સમય પહેલા IDFએ તહેરાનના કેન્દ્રમાં ઈરાની આતંકવાદી શાસન માળખાને નિશાન બનાવીને મોટા પાયે હુમલા કર્યા હતા. આ વચ્ચે એક અહેવાલ આવ્યો છે કે ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4ની 83મી લહેર શરૂ કરી દીધી છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ઓપરેશન દરમિયાન ઈરાની સશસ્ત્ર દળોએ ઈરાન સાથે એકતા દર્શાવવા બદલ જર્મની, ભારત, સ્પેન અને પાકિસ્તાનના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે, ઈરાનની સેનાએ હાઈફામાં ઈંધણ અને નૌકાદળ સુવિધાઓ સહિત વ્યૂહાત્મક ઈઝરાયલી ઠેકાણાઓ પર ડ્રોનથી નવા હુમલા કર્યા છે.
પાકિસ્તાન કરાવી રહ્યું છે વાતચીત
પાકિસ્તાને ગુરુવારે પુષ્ટિ કરી કે ‘અમે અમેરિકા અને ઈરાન વચ્ચે સંદેશાનું આદાનપ્રદાન કરાવી રહ્યા છીએ. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષનો અંત લાવવા માટે વાતચીત અને રાજદ્વારી જ એકમાત્ર રસ્તો છે.’ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, ‘તુર્કીયે અને ઈજિપ્ત પણ આ પહેલનું સમર્થન કરી રહ્યા છે અને પાકિસ્તાન આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.’
તેમણે લખ્યું કે, ‘અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાન દ્વારા સંદેશાઓની આપ-લે દ્વારા પરોક્ષ વાટાઘાટો થઈ રહી છે. આ સંદર્ભમાં અમેરિકાએ 15-મુદ્દાનો પ્રસ્તાવ શેર કર્યો છે, જેના પર ઈરાન વિચાર કરી રહ્યું છે. તુર્કીયે અને ઇજિપ્ત જેવા મિત્ર દેશો પણ આ પહેલને સમર્થન આપી રહ્યા છે.’ તેમણે પોતાની પોસ્ટમાં અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને અમેરિકાના પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફને પણ ટેગ કર્યા છે.
આ પણ વાંચો: વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક ‘હથિયાર’
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે એક દિવસ પહેલા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સંદેશાની આપ-લેનું કામ કરી રહ્યું છે. અમે અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ઇસ્લામાબાદને સંભવિત સ્થળ તરીકે પણ પ્રસ્તાવિત કર્યું છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જો ઈરાન અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર થશે.’
10 દિવસ માટે રોક્યા હુમલા
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, મેં ઈરાની સરકારની વિનંતી પર ઈરાની પાવર પ્લાન્ટ પર હુમલો કરવાની પ્રક્રિયા 10 દિવસ માટે રોકી દીધી છે. હું 6 એપ્રિલના રોજ પૂર્વીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યા સુધી આ પ્રક્રિયા મુલતવી રહ્યો છું.



