50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો ‘સિક્રેટ પ્લાન’ | Trump’s Secret Iran Plan: 50 000 Troops and 200 Fighter Jets Deployed Amid Middle East Crisis

![]()
US President Donald Trump Secret War Plan : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 27 દિવસથી ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ માટે માની ગયા હોવાનું મનાઈ રહ્યું છે, તો બીજીતરફ તેમણે ઈરાન વધુ આક્રમક હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. તેમણે 50000 સૈનિકો, 200 ફાઈટર જેટ અને 1000 કમાન્ડોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે.
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, ઈરાન મજબૂર થઈને હોર્મુઝ જળમાર્ગ ખોલી દે અને પોતાનો મિસાઈલ પ્રોગ્રામ અટકાવી દે, તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ ઈરાનને 15 શરતોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પણ મોકલી દીધો છે. એટલે કે ટ્રમ્પ એક હાથમાં શાંતિ પ્રસ્તાવ અને બીજા હાથમાં હથિયાર લઈને સાથે ચાલી રહ્યા છે. તેઓ સૈન્ય દબાણ અને વાતચીત બંને બાબતો સાથે રાખીને વાતો કરી રહ્યા છે.
ઈરાન વિરુદ્ધ ટ્રમ્પના પ્લાનમાં ડબલ ગેમ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ડબલ ગેમ રમી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. એકતરફ તેમના પ્લાનમાં સૈન્ય દબાણ જેવી બાબતો સામેલ છે, આમાં મધ્ય-પૂર્વમાં પહેલેથી જ તહેનાત 50 હજાર અમેરિકન સૈનિકોને વધુ મજબૂત કરવામાં આવી રહ્યા છે. આમાં 200 ફાઈટર જેટ અને બે એરક્રાફ્ટ કેરિયર સામેલ છે, જેઓ ઈરાન પર તત હુમલાઓ કરી રહ્યા છે.
આ ઉપરાંત પ્લાનમાં શાંતિ પ્રસ્તાવ પણ સામેલ છે. પ્રસ્તાવ મુજબ અમેરિકાએ પાકિસ્તાન દ્વારા ઈરાનને 15 શરતોનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં માંગ કરાઈ છે કે, ઈરાન પોતાનો ન્યૂક્લિયર કાર્યક્રમ બંધ કરી દે, હોર્મુઝ જળમાર્ગ ખોલી છે. ઈરાન સ્થિત આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરી દે. જો ઈરાન શરતો માનશે તો યુદ્ધ અટકાવી દેવાશે. પરંતુ ઈરાને આ પ્રસ્તાવ ફગાવી દીધો છે.
મધ્ય-પૂર્વમાં વધુ 4000 સૈનિકો મોકલવાનો આદેશ
અમેરિકાએ પહેલેથી જ મધ્ય-પૂર્વમાં આર્મી, નેવી અને એરફોર્સના લગભગ 50 હજાર સૈનિકો તહેનાત કરી રાખ્યા છે. હવે ટ્રમ્પે આ સંખ્યા વધારવાની તૈયારી કરી દીધી છે. પેન્ટાગોને 82મી એરબોર્ન ડિવિઝનમાંથી વધુ 2000થી 4000 સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો છે. સૈનિકો ટૂંક સમયમાં મધ્ય-પૂર્વમાં પહોંચવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ સૈનિકો ઈરાન સરહદ પાસે તહેનાત કરાશે. સૈનિકો હોર્મુઝને સુરક્ષિત રાખશે અને જરૂર પડશે તો ઓઈલ નિકાસ કેન્દ્ર ખાર્ગ ટાપુ પર કાર્યવાહી પણ કરશે.
ટ્રમ્પના પ્લાનમાં 200 ફાઈટર જેટ સામેલ
અમેરિકન સેનાનું માનવું છે કે, તેમના સૈનિકોમાં યુદ્ધ તેજ કરવા અને શાંતિ સુનિશ્ચિત કરવાની ક્ષમતા છે. ટ્રમ્પના પ્લાનમાં 200 ફાઈટર જેટ સામેલ છે, જે ઈરાનના મિસાઈલ કેન્દ્રો, રિફાઈનરીઓ અને સૈન્ય મથકો પર સતત હુમલાઓ કરી રહ્યા છે. આ ઉપરાંત ફારસની ખાડીમાં બે અમેરિકન એરક્રાફ્ટ કેરિયર પણ તહેનાત છે અને આના પર અનેક ફાઈટર જેટ અને હેલિકોપ્ટર 24 કલાક હુમલો કરવા માટે તૈયાર છે. આજ કારણે ઈરાનનું આખું આકાશ અમેરિકાના નિયંત્રણમાં છે. સેનાએ એમ પણ કહ્યું કે, આ જેટ અને કેરિયર ઈરાનને સંદેશ આપી રહ્યા છે કે, જો વાતચીત ન થઈ તો હુમલા વધુ આક્રમક થશે.
અમેરિકાના 1000 સ્પેશિયલ કમાન્ડો પણ તૈયાર
અમેરિકાના પ્લાનમાં સૌથી વિશેષ અમેરિકન મરીન અને સ્પેશ્યલ ફોર્સના 1000 કમાન્ડો સામેલ છે. આ કમાન્ડો ઝડપી કોઈપણ સ્થલે હુમલો કરી શકે છે. આ કમાન્ડોને હોર્મુઝમાં જહાજોની સુરક્ષા કરવા, ઈરાનના ઓઈલ ટેન્કરો પર નજર રાખવા અને જરૂર પડશે તો ઈરાનની જમીનમાં ઘૂસી નાના-નાના ઓપરેશન પાર પાડવા માટે તહેનાત કરવામાં આવી રહ્યા છે.
કમાન્ડોની સાથે મરીન એક્સપીડિશનરી યુનિટ્સના 5000થી વધુ સૈનિકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. આ ટુકડી યુદ્ધને મર્યાદિત રાખવાનો અને ઈરાન પર દબાણ કરવાનું કામ કરશે.
…તો વિશ્વભરની અર્થવ્યવસ્થાને નુકસાન થશે : ઈરાનની અમેરિકાને ધમકી
ઈરાને ટ્રમ્પની 15 શરતોને છેતરપિંડી ગણાવી ફગાવી દીધી છે. ઈરાને કહ્યું કે, ‘પહેલા અમેરિકા યુદ્ધ બંધ કરે અને વળદર આપે. ટ્રમ્પના પ્લાનથી સ્પષ્ટ છે કે – સૈન્ય દબાણ વધારો અને વાતચીતનો રસ્તો પણ ખુલ્લો રાખો. અમેરિકન અધિકારી કહે છે કે, જો ઈરાન હોર્મુઝ ખોલી નાખે તો યુદ્ધ વહેલું ખતમ થઈ શકે છે.
ટ્રમ્પનો આ પ્લાન માત્ર ઈરાન સુધી મર્યાદિત નથી. જો સૈનિકોની સંખ્યા વધશે તો યુદ્ધ વધુ લાંબુ ખેંચાશે. આ કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય સંપૂર્ણ અટકી જવાની અને વિશ્વભરની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થવાની સંભાવના છે. અનેક દેશો ટ્રમ્પને કહી રહ્યા છે કે, યુદ્ધનો રસ્તો આગળ વધાર્યા વગર વાતચીતની નિવેડો લાવો. અમેરિકન લોકો પણ યુદ્ધ વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાની 40 ટકા ઓઇલ નિકાસ ઠપ થતાં સંકટ વધ્યું, ભારત પર શું થશે અસર?



