ટ્રમ્પની જાહેરાત પહેલા જ સટ્ટાબાજોએ રૂ. 5,440 કરોડ દાવ પર લગાવ્યા | Even before Trump’s announcement bookmakers bet Rs 5 440 crore

![]()
– યુદ્ધવિરામની જાહેરાત પહેલા બજારમાં ‘ખેલ’ ખેલાયો
– ટ્રમ્પની જાહેરાતથી શેરબજારમાં તેજી, ક્રૂડમાં કડાકો બોલાયો રહસ્યમય સોદાઓમાં 20 મિનિટમાં રૂ. 840 કરોડની કમાણી
વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ જાહેરાત સાથે જ અપેક્ષા મુજબ બજાર પર મોટી અસર જોવા મળી. શેરબજારમાં જંગી તેજી અને ક્રૂડમાં ભારે કડાકો બોલાયો હતો. જોકે, ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત પહેલાં જ બજારમાં ખેલ ખેલાઈ ગયો. સટ્ટાબાજો સક્રિય થઈ ગયા અને તેમણે મિનિટોમાં જ રૂ. ૫,૪૪૦ કરોડ દાવ પર લગાવી કરોડોની કમાણી કરી લીધી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા મુદ્દે ઈરાનને આપેલું ૪૮ કલાકનું અલ્ટીમેટમ પૂરું થયા પછી યુદ્ધ વધુ ભયાનક બનશે તેવી દુનિયાને આશંકા હતી, જેને પગલે સોમવારે શેરબજારથી લઈને સોના-ચાંદી, કરન્સી સહિતના બજારોમાં ભારે કડાકો બોલાયો હતો. ક્રૂડના ભાવ પણ ૧૧૭ ડોલરે પહોંચી ગયા હતા. જોકે, દુનિયા અને બજારની અપેક્ષાથી વિપરિત ટ્રમ્પે અચાનક જ ઈરાન સામે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. આ જાહેરાત સાથે અપેક્ષા મુજબ જ શેરબજારમાં જંગી ઊછાળો આવ્યો અને ક્રૂડના ભાવ તૂટીને ૧૦૦ ડોલર નીચે જતા રહ્યા હતા.
રસપ્રદ બાબત એ છે કે પ્રમુખ ટ્રમ્પ યુદ્ધવિરામની જાહેરાત કરે તેની ૧૫ મિનિટ પહેલાં જ સટ્ટાબાજો સક્રિય થયા હતા. તેમણે ક્રૂડના ભાવ અંગે ૫૮૦ મિલિયન અંદાજે રૂ. ૫,૪૪૦ કરોડથી વધુ દાવ પર લગાવી દીધા. સટ્ટાબાજોએ ઈક્વિટી અને ઓઈલમાં સોદા કર્યા અને કરોડોની કમાણી કરી હતી. ઈરાન પર હુમલા ટાળવાની ટ્રમ્પની જાહેરાતની ૧૫ મિનિટ પહેલા જ શેરબજારમાં તેજી અને ઓઈલના ભાવમાં ઘટાડાની આગાહીમાં સટ્ટાબાજોએ મોટો દાવ લગાવ્યો હતો.
વિશ્લેષકોએ જણાવ્યું કે, આ સમયમાં થયેલા અનેક સોદાઓમાં ચોક્કસ સમય પર કરાયેલા સોદાઓથી સટ્ટાબાજોએ માત્ર ૨૦ મિનિટની અંદર લગભગ ૧૦૦ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૮૪૦ કરોડ)ની કમાણી કરી લીધી હતી. ટ્રેડિંગ પ્લેટફોર્મ અનયુઝ્યુઅલ વ્હેલ્સ મુજબ સટ્ટાબાજોએ બજારમાં બે તરફ એક સાથે દાવ લગાવ્યો હતો. યુદ્ધવિરામની સંભાવનાથી શેરબજારમાં તેજીની આશાથી લગભગ ૧.૫ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૨,૬૦૦ કરોડ)ના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. બીજીબાજુ યુદ્ધની આશંકા ખતમ થવા અને ક્રૂડના ભાવમાં ઘટાડાની આશાએ ૧૯૨ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૧,૬૧૫ કરોડ)ના ફ્યુચર્સ વેચાયા.
સૂત્રો મુજબ ન્યૂયોર્કના સમય મુજબ સવારે ૬.૫૦ કલાકે સીએમઈ પર એસએન્ડપી ૫૦૦ ઈ-મિની ફ્યુચર્સમાં અચાનક ભારે ટ્રેડિંગ જોવા મળ્યું. આ સાથે જ ક્રૂડ ઓઈલના બજારમાં પણ હલચલ જોવા મળી હતી. આ સમય ઘણો જ અસામાન્ય હતો, કારણ કે બજાર ખૂલવાના પહેલાના કલાકોમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં સોદા થતા નથી. જોકે, બરાબર ૧૫ મિનિટ પછી સવારે ૭.૦૫ કલાકે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
સટ્ટાબાજોએ સવારે ૬.૪૯થી ૬.૫૦ કલાકના માત્ર એક મિનિટના ટૂંકા સમયમાં બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના લગભગ ૬,૨૦૦ સોદા કર્યા હતા, જેની કિંમત ૫૮૦ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૪,૮૭૦ કરોડ) હતી, જે તે સમયના સામાન્ય ટ્રેડ કરતા ચારથી છ ગણા વધુ હતા. ટ્રમ્પની જાહેરાત સાથે જ બજારમાં અપેક્ષા મુજબ એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સમાં ૨.૫ ટકાનો ઉછાળો આવ્યો અને ક્રૂડમાં ૬ ટકાનો કડાકો બોલાયો. આ ઉતાર-ચઢાવમાં રહસ્યમય ટ્રેડરે માત્ર ૨૦ મિનિટમાં રૂ. ૮૪૦ કરોડનો નફો કર્યો. શેરબજારનો નફો ઉમેરવામાં આવે તો કુલ નફો અનેક ગણો વધી જાય. આ સોદાઓ અંગે નિષ્ણાતો ઈનસાઈડર ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિર્ણયની અગાઉથી કોઈને જાણ નહીં હોવાનો દાવો કર્યો હતો.
ટ્રમ્પની જાહેરાત ઈરાને ફગાવતા બજાર પલટાયું
બજારમાં હેરાફેરી માટે ટ્રમ્પે ખોટા સમાચાર ફેલાવ્યા : ઈરાન
તહેરાન : મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેરી ગલીબાફે પ્રમુખ ટ્રમ્પ પર બજારમાં હેરાફેરી માટે ખોટા સમાચાર ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલે તેમની રણનીતિક નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા અને બજારોમાં હેરાફેરી કરવા માટે યુદ્ધવિરામના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી નથી. ટ્રમ્પનો આશય નાણાકીય અને ઓઈલ બજારોમાં હેરાફેરી કરવાનો અને અમેરિકા-ઈઝરાયેલને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરાંદીએ કહ્યું કે, દરેક સપ્તાહે બજાર ખૂલે છે ત્યારે ટ્રમ્પ આ પ્રકારના નિવેદનો આપે છે, જેથી ઓઈલના ભાવ ઘટે. ટ્રમ્પની પાંચ દિવસની સમય મર્યાદા પણ ઊર્જા બજારોના બંધ થવા સાથે મેળ ખાય છે. હકીકતમાં અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ વાટાઘાટો ચાલતી નથી અને ટ્રમ્પ પાસે હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવાની ક્ષમતા નથી. ઈરાનની આકરી ધમકી પછી ટ્રમ્પે પીછેહઠ કરવા મજબૂર થવું પડયું છે.



