VIDEO: કોલંબિયા વાયુસેનાનું વિમાન ઉડાન ભરતા જ ક્રેશ, 110 સૈનિકો હતા સવાર | colombian air force plane crash carrying 110 soldier heartbreaking video

![]()
| વાઈરલ વીડિયો |
Colombia Plane Crash: કોલંબિયામાં વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, મળતી માહિતી મુજબ આ સૈન્ય પ્લેનમાં કુલ 110 જવાનો સવાર હતા. એરફોર્સના આ પ્લેને જેવી ઉડાન ભરી કે તરત જ તે ક્રેશ થઈ ગયું છે.
સૈનિકોનું શું થયું?
દક્ષિણ કોલંબિયાના પુટુમાયો વિસ્તારમાં સોમવારે સવારે એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે. કોલંબિયાની વાયુસેનાનું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 ટ્રાન્સપોર્ટ વિમાન ઈક્વાડોર સરહદ નજીક આવેલા પ્યુર્ટો લેગુઈઝામો એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયો ફૂટેજમાં પ્લેન ક્રેશ થયા બાદ કાટમાળ અને ભીષણ આગની જ્વાળાઓમાં દેખાઈ રહી છે. પરંતુ હજુ સુધી જાનહાનિની સંખ્યા સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિમાનમાં ઓછામાં ઓછા 110 સૈનિકો સવાર હતા.
સંરક્ષણ મંત્રાલયે કરી પુષ્ટિ
સ્થાનિક ન્યૂઝ એજન્સી બ્લુ રેડિયોનું માનીએ તો વિમાનમાં 110 સૈનિકો સવાર હતા. કોલંબિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે કહ્યું છે કે દક્ષિણ ભાગમાં લોકહીડ માર્ટિન (LMT.N) નું હર્ક્યુલસ C-130 વિમાન ક્રેશ થયું છે. કોલંબિયાના સંરક્ષણ મંત્રી પેડ્રો સાંચેઝે કહ્યું કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન પેરુની સરહદને અડીને આવેલા કોલંબિયાના દક્ષિણ એમેઝોન વિસ્તારમાં સ્થિત પ્યુર્ટો લેગુઈઝામોથી ઉડાન ભરી રહ્યું હતું અને જવાનોને લઈ જઈ રહ્યું હતું. ઘટના બાદ રાહત અને બચાવ દળોને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે. સૈન્ય વિમાન કયા કારણોસર ક્રેશ થયું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.



