दुनिया

‘ઈરાન વિરુદ્ધ યુદ્ધ માટે ટ્રમ્પ જવાબદાર..’ પૂર્વ CIA પ્રમુખે જ પોલ ખોલતાં કહ્યું હવે અમેરિકા માટે છટકવું મુશ્કેલ! | US Struggles to Exit Iran Conflict Says Former CIA Chief Criticizing Trump



Middle East Crisis: ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ભીંસમાં મુકાયા છે. અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી અને સીઆઈએ (CIA) ના પૂર્વ વડા લિયોન પેનેટાએ એક નિવેદન આપીને ટ્રમ્પની વિદેશ નીતિઓની આકરી ટીકા કરી છે. તેમના જણાવ્યાનુસાર, મિડલ ઈસ્ટમાં સર્જાયેલું વર્તમાન સંકટ એ ટ્રમ્પની ભૂલોનું પરિણામ છે, જેમાંથી બહાર નીકળવું હવે અમેરિકા માટે અત્યંત મુશ્કેલ છે.

હોર્મુઝની નાકાબંધીની ચેતવણીને અવગણવામાં આવી

લિયોન પેનેટાએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં ઘટસ્ફોટ કર્યો હતો કે યુએસ સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી જાણતી હતી કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ને અવરોધિત કરીને વૈશ્વિક ઓઈલ પુરવઠાને ખોરવી શકે છે. તેમણે આક્ષેપ કર્યો કે, ‘ટ્રમ્પ વહીવટીતંત્રે આ મોટી ધમકીને જાણીજોઈને અવગણી હતી. અમેરિકાએ કાં તો ઈરાનની તાકાતનો ઓછો અંદાજ આંક્યો હતો અથવા એવું માની લીધું હતું કે આ યુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ જશે.’

આ પણ વાંચો: યુદ્ધ ખતમ કરવા ઇરાન અને અમેરિકાને મનાવી શકે એવો દેશ વચ્ચે પડ્યો, શું હવે મામલો થાળે પડશે?

લશ્કરી કાર્યવાહીથી ઈરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યું

ટ્રમ્પને લઈને લિયોન પેનેટાએ વધુમાં જણાવ્યું કે, ‘શરૂઆતની લશ્કરી કાર્યવાહીથી ઈરાન નબળું પડ્યું નથી, પરંતુ ત્યાંના નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે. હવે ઈરાનમાં વધુ કટ્ટરપંથી નેતૃત્વ ઉભરી આવ્યું છે, જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી રહ્યું છે. યુદ્ધ હવે તેના ચોથા અઠવાડિયામાં પ્રવેશી રહ્યું છે ત્યારે અમેરિકામાં ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે.’

59 ટકા અમેરિકનો યુદ્ધના વિરોધમાં: સર્વેનો ચોંકાવનારો આંકડો

અમેરિકાની સ્થિતિ અંગે લિયોન પેનેટાએ જણાવ્યું કે, ‘વધતા ઓઇલના ભાવ અને સતત અનિશ્ચિતતાને કારણે અમેરિકામાં જાહેર સમર્થન ઘટી રહ્યું છે. એક તાજેતરના સર્વે મુજબ, 59 ટકા અમેરિકનો ઈરાન પરના હુમલાનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પ હવે બે ખડકો વચ્ચે ફસાયા છે, જો તેઓ પીછેહઠ કરે તો તે નબળાઈ ગણાશે અને જો યુદ્ધ વધારે તો સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે.’

ઈરાનની વળતી ચેતવણી 

આ દરમિયાન ઈરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવશે, તો તે સમગ્ર ગલ્ફ દેશોના ઊર્જા અને પાણીના માળખાને નિશાન બનાવશે. જો આવું થશે તો સમગ્ર પ્રદેશમાં માનવીય અને આર્થિક કટોકટી સર્જાઈ શકે છે. સાથી દેશો સાથેના સંકલનનો અભાવ પણ આ કટોકટીને વધુ ઘેરી બનાવી રહ્યો હોવાનું પેનેટાએ ઉમેર્યું હતું.



Source link

Related Articles

Back to top button