ઇઝરાયલમાં પણ ‘મીની ઈન્ડિયા’, હિન્દીમાં થાય છે વાતચીત, દુકાનોમાં જલેબી-ગુલાબજાંબુની સુગંધ | US Israel Iran War israel little india dimona iran attacks Nuclear Center

US Israel Iran War: ઈઝરાયલના દક્ષિણી શહેર ડિમોના પર શનિવારે ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 47 લોકો ઘાયલ થયા છે. આ શહેર તેના પરમાણુ કેન્દ્રના ગુંબજ આકારના માળખા માટે જાણીતું છે અને તેને ‘લિટલ ઈન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેગન ડેવિડ એડોમ (MDA) અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘાયલોમાં એક 12 વર્ષનો છોકરો પણ છે, જે મિસાઈલના ટુકડા/છરા વાગવાને કારણે ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઘણા લોકો ડરના કારણે હોસ્પિટલમાં દાખલ
બીજી તરફ લગભગ 30 વર્ષની એક મહિલા કાચના ટુકડા વાગવાથી ઘાયલ થઈ છે, જ્યારે અન્ય 31 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે, ઘણા લોકો એવા છે જે શેલ્ટર તરફ દોડતી વખતે પડી જવાથી તેમને ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત 14 લોકોને સોરોકા હોસ્પિટલમાં ગભરાહટ અને બેચેની માટે સારવાર આપવામાં આવી છે.

કેમ કહેવાય છે ‘લિટલ ઈન્ડિયા’?
આ શહેરમાં લગભગ 7,500 ભારતીય-યહૂદીઓ રહે છે. તેમની વસ્તી શહેરની કુલ વસ્તીના આશરે 30 ટકા જેટલી છે. અહીં લોકો ખૂબ જ સહજતાથી મરાઠી અને હિન્દી બોલે છે. લોકોમાં ક્રિકેટ ઘણું લોકપ્રિય છે અને ખાણી-પીણીનો શોખ પણ સંપૂર્ણ ભારતીય છે. અહીંની દુકાનો પર તમને સહેલાઈથી સોનપાપડી, ગુલાબજાંબુ, પાપડી ચાટ, જલેબી અને ભેળપુરી મળી જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, 1950 અને 60ના દાયકામાં મોટી સંખ્યામાં ભારતીય યહૂદીઓ ઈઝરાયલ આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા. જો કે તેમના પર ભારતીય સંસ્કૃતિનો રંગ આજે પણ અકબંધ છે.
ઈરાની બેલેસ્ટિક મિસાઈલને ન રોકી શકાઈ!
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, ‘મિસાઈલ એક કોમ્યુનિટી હોલ પર પડી હતી અને તેની અસરથી આસપાસના જૂના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. મોટાભાગના લોકો શેલ્ટરમાં હતા, તેથી તેમને વધુ ઈજા થઈ નથી, સિવાય કે એક છોકરો જે બહાર રહી ગયો હતો.’ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ જણાવ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે ઈરાની બેલેસ્ટિક મિસાઈલને શા માટે રોકી શકાઈ નથી. દાવો કરાયો છે કે ઈઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમે મિસાઈલને રોકવાનો પ્રત્યન કર્યો હતો, પરંતુ ‘ઈન્ટરસેપ્ટર’ તેને તોડી પાડવામાં સફળ રહ્યા ન હતા.
આ પણ વાંચો: ઓપરેશન સર્ચલાઈટ: બંગાળી હિન્દુઓ પરના અત્યાચારોને નરસંહાર જાહેર કરો, અમેરિકામાં ઉગ્ર માંગ
સેનાએ કહ્યું છે કે ‘આ ઘટનાની તપાસ કરવામાં આવશે.’ સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષણ સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ હુમલા બાદ ‘મહત્તમ લશ્કરી સંયમ’ રાખવાની અપીલ કરી છે. અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ‘IAEAને ઈઝરાયલના ડિમોના શહેરમાં મિસાઈલ પડવાની જાણકારી છે, પરંતુ પરમાણુ સંશોધન કેન્દ્રને નુકસાન થવાના કોઈ સંકેત મળ્યા નથી.’ બીજી તરફ, ઈરાને કહ્યું કે તેણે નતાન્ઝ પરમાણુ સંવર્ધન કેન્દ્ર પર અગાઉ થયેલા હુમલાના જવાબમાં ડિમોનાને નિશાન બનાવ્યું છે. જો કે IDFએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેણે તે દિવસે વહેલી સવારે નતાન્ઝ પર હુમલો કર્યો હતો.



